(૧) ગુજરાત વર્નાકયુલર સોસાયટી (ગુજરાત વિદ્યાલય) :
આ સંસ્થાની સ્થાપના ૨૬ ડિસેમ્બર, ૧૮૪૮ના રોજ ફાર્બસ સાહેબે અમદાવાદમાં કરી હતી. ૪ એપ્રીલ, ૧૮૪૯ના રોજ આ સંસ્થાએ ‘વરતમાન’ (અઠવાડિક) પ્રગટ કર્યું. ૧૫ મે, ૧૮૫૦ના રોજ ‘બુદ્ઘિપ્રકાશ’ (પખવાડિક) શરૂ કર્યું. આજે પણ ‘બુદ્ઘિપ્રકાશ’ (માસિક) પ્રગટ થાય છે.ઇ.સ. ૧૮૪૯માં ‘નેટિવ લાઇબ્રેરી’ની સ્થાપના કરવામાં આવી. અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલું આ પુસ્તકાલય હિમાભાઇ ઇન્સ્ટિટયૂટ તરીકે પ્રખ્યાત છે. ‘ગુજરાત વર્નાકયુલર સોસાયટી’ નું પછી ‘ગુજરાત વિદ્યાસભા’માં રૂપાંતર થયું. આ સંસ્થાએ લગભગ એક હજાર પુસ્તકોનું પ્રકાશન કરીને સાહિત્યવિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે.
(૨) ગુજરાત સાહિત્ય સભા :
ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંશોધનને ઉત્તેજન આપવા માટે ઇ.સ. ૧૯૦૪માં રણજિતરામ વાવાભાઇ મહેતાએ અમદાવાદમાં ‘ગુજરાત સાહિત્ય સભા’ ની સ્થાપના કરી. ગુજરાતી સાહિત્યનો વિસ્તાર કરવા અને તેને લોકપ્રીય બનાવવા વિવિધ પ્રવૃતિઓ શરૂ કરી. ઇ.સ. ૧૯૨૯ના રજત જયંતી વર્ષની ગુજરાતની અસ્મિતાને પોતાના કાર્ય અને કૃતિ દ્વારા પ્રગટ કરતા સાહિત્ય સર્જક કે કલાકારને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’થી પુરસ્કૃત કરવાનો નિર્ણય લેવાયો.
(૩) ગુજરાતી સાહિત્ય પરિષદ :
સમસ્ત ગુજરાતી ભાષી પ્રજાને સાહિત્ય અને વિદ્યાના રસથી આંદોલિત કરી એને સાહિત્ય પ્રીત્યર્થે એકત્રીત કરવામાં ગુજરાતી સાહિત્ય પરિષદે મહત્વનો ફાળો આપ્યો છે. વિશાળ સંમેલનો, કલા સાહિત્ય, પુરાતત્વનાં પ્રદર્શનો, વ્યાખ્યાનો, કવિ સંમેલનો, નાટયપ્રયોગો અને લોકસંગીતના કાર્યક્રમો દ્વારા પરિષદે નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરી, સાહિત્યિક પ્રવૃતિનાં પાસાંને પલ્લવિત કર્યાં છે. આ ઉપરાંત પરિષદ સાહિત્ય પ્રવૃતિને પ્રેરણા આપતું સામયિક ‘પરબ’ પણ ચલાવે છે.
(૪) પ્રેમાનંદ સાહિત્ય સભા :
ગુજરાતી ભાષા સાહિત્યના વિકાસ અને ઉન્નતિના ઉદ્દેશથી વડોદરામાં ઇ.સ. ૧૯૧૬માં ‘વડોદરા સાહિત્ય સભા’ ની સ્થાપના થઇ, જેણે ઇ.સ. ૧૯૪૪માં ‘પ્રેમાનંદ સાહિત્ય સભા’ નામ ધારણ કર્યું. સાહિત્યોપયોગી જ્ઞાનવર્ધક વ્યાખ્યાનો, સાહિત્યિક ગ્રંથોનું પ્રકાશન તેમજ સાહિત્યકારોની જયંતિઓની ઉજવણી આ સંસ્થા કરે છે.
(૫) નર્મદ સાહિત્ય સભા :
ઇ.સ. ૧૯૨૩માં સુરતમાં ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ ની સ્થાપના થઇ. ઇ.સ. ૧૯૩૯માં તેની સાથે નર્મદનું નામ સંકળાતા તે ‘નર્મદ સાહિત્ય સભા’ બની. આ સંસ્થાએ મહોત્સવ, સમારોહ જેવા કાર્યક્રમો અને ઉત્સવો યોજી ગુજરાતી સાહિત્ય અને કલાની આરાધના કરી છે. આ સંસ્થા ઇ.સ. ૧૯૪૦ થી ‘નર્મદ સુવર્ણચંદ્રક’ એનાયત કરે છે.
(૬) ફાર્બસ ગુજરાતી સભા :
ગુજરાતી ભાષાનાં પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહના આશયથી ઇ.સ. ૧૮૬૫માં આ સંસ્થા સ્થપાઇ હતી. આ સંસ્થાને ધર્મ, સાહિત્ય, વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે ૭૫ જેટલાં પ્રકાશનો પ્રસિદ્ઘ કર્યાં છે. સંસ્થાને ઇ.સ. ૧૯૩૨થી પોતાના મુખપત્ર ‘ફાર્બસ ગુજરાતી સભા’ ત્રૈમાસીક પત્રનું પ્રકાશન શરૂ કર્યું હતું, જે આજે પણ પ્રગટ થાય છે.
(૭) ગુજરાત સાહિત્ય અકાદમી :
ગુજરાત રાજય સંચાલિત ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ ની સ્થાપના ઇ.સ. ૧૯૮૨માં થઇ. વર્ષ દરમિયાન પ્રગટ થયેલી કૃતિઓમાંથી સારી કૃતિને અકાદમી પુરસ્કાર આપે છે અને સર્જકોનું બહુમાન કરે છે. આ ઉપરાંત સાહિત્ય સર્જન તથા સંશોધન માટે ફૅલોશિપ, પરિસંવાદ, કાર્યશિબિર, ગ્રંથપ્રકાશન વગેરે પ્રવૃતિઓ કરે છે. સંસ્થાનું મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ નિયમિત પ્રગટ થાય છે.