ભારતનો સૌથી મોટો જહાજતોડવાનો વાડો ભાવનગરથી ૫૦ કિ.મી. દૂર અલંગમાં છે જેને લીધે શહેરમાં અનેક ઉદ્યોગો વિકસ્યા છે.
ભાવનગરની સ્થાપના ૧૭૨૩માં થઈ. મૂળ ગોહિલવાડ તરીકે પ્રસિદ્ધ દેશી રાજ્યની રાજધાની અગાઉ પશ્ચિમે ૨૨ કિ. મી. દૂર શિહોરમાં હતી. તે સમયના રાજપૂત રાજા ભાવસિંહજી પહેલા (૧૭૦૩-૧૭૬૩) એ રાજધાની શિહોર વડવા ગામે ખસેડી અને ભાવનગરનાં તોરણ બંધાયાં. એ નાનકડું વડવા આજના શહેરના અસલ વિસ્તારનો મહત્વનો ભાગ બની ગયું છે.
ભાવનગર રાજ્યને પ્રજાવત્સલ રાજવીઓ તથા કાબેલ, પ્રતિભાસંપન્ન દીવાનોની પરંપરા મળી જેને લીધે તેની એકધારી ઉન્નતિ થઈ. રાષ્ટ્ર આઝાદ થયું ત્યારે ભારતીય સમાવાયસંઘમાં વિલીન થનારાં પાંચસો એક રજવાડામાં ભાવનગર અગ્ર હતું. કૃષ્ણકુમારસિંહજી (૧૯૧૯-૧૯૬૫) જેવા દૂરંદેશી રાજવીએ આ પહેલ કરી હતી.
ભાવનગર સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની તરીકે પણ ઓળખાય છે. કોમી અને સાંસ્કૃતિક એખલાસ અહીંનો જીવન-ધબકાર છે. નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા તથા હરભાઈ ત્રિવેદીની ત્રિપુટીએ અહીં શિક્ષણમાં નવા પ્રયોગો કર્યા અને ગ્રામ તથા મુક્ત બાળશિક્ષણ ક્ષેત્રે નવા ચીલા પાડ્યા. ગિજુભાઈનાં દક્ષિણામૂર્તિ બાલમંદિર તથા અધ્યાપન મંદિર દ્વારા મૉન્ટેસૉરી પદ્ધતિનાં શિક્ષણનાં બીજ રોપાયાં. શહેરમાં અનેક મહિલા શાળા-કૉલેજો છે. શામળદાસ કૉલેજ સૌરાષ્ટ્રની સહુથી જૂની ઉચ્ચ શિક્ષણની સંસ્થા છે. ભાવનગરમાં બોલાતી ગુજરાતી ભાષા શુદ્ધ ગણાય છે. આસપાસમાં વળા-વલભીપુર આવે. ગુપ્તકાળમાં વલભીપુર વિશ્વવિખ્યાત વિદ્યાપીઠ હતી. ચીની મુસાફર હ્યુએનસાંગે સાતમી સદીમાં તેની મુલાકાત લીધી હતી.
‘ગાંધીસ્મૃતિ‘ ગાંધીજીનાં અનેક સ્મૃતિચિહનો સાચવતું પ્રેક્ષણીય સ્થળ છે. તો બાર્ટન લાઇબ્રેરી હજારો પુસ્તકો ને બાર્ટન મ્યુઝિયમ એ ભાવનગર રાજ્યની પરંપરાગત વિદ્યા-પ્રીતિનું સ્મરણ કરાવે છે. ભાવનગરમાં જૂનો દરબારગઢ, ટાઉનહોલ વગેરે જોવાલાયક છે. ૧૯૩૨૩માં બંધાયેલા ટાઉનહોલમાં ધારાસભા બેસતી અને કૃષ્ણકુમારસિંહજીનો રાજ્યાભિષેક પણ ત્યાં જ થયેલો.