સૌરાષ્ટ્રની દક્ષિણે અરબી સમુદ્રના કિનારે આવેલું ચોરવાડ ગુજરાતના અનેક રમણીય સ્થળોમાંનું એક છે. ‘ઝીણા મોર બોલે લીલી નાઘેરમાં‘ એવું આપણું એક લોકગીત છે. આ ‘લીલી નાઘેર‘ તે આ પ્રદેશ, ચોરવાઙ નાગરવેલની લીલી વાડીઓ, ફળફૂલથી લચી પડતા બગીચા, આંખને ઠારે તેવા પોપટિયા રંગની શેરડીની વાડ અને વાડીઓથી આચ્છાદિત ચોરવાડની આસપાસનો પ્રદેશ ખરેખર તો ચોરવાડનું મૂળ નામ ‘ચારૂવાડી‘ સાર્થક કરે છે.
બળબળતા ઉનાળામાં સૌરાષ્ટ્રના બીજા પ્રદેશો ઊના વાયરામાં શેકાતા હોય ત્યારે દરિયા કિનારાની આવતી ઠંડી લહેરોથી ચોરવાડ એક આદર્શ શીતળ સ્થળ બની રહેતું હોય છે. આથી તો તે ઘણા લાંબા સમયથી દરિયા કિનારાના હવા ખાવાના સ્થળ તરીકે જાણીતું છે. જૂના સમયથી જ આ સ્થળ હવા ખાવાનું સ્થળ હોવાથી ત્યાં જૂના જૂનાગઢ રાજ્યના નવાબનો બંગલો અને બીજા ખાનગી માલિકીનાં કેટલાંક મકાનો વસેલાં છે. જૂનાગઢ-વેરાવળ રેલવે લાઈન પર આવેલા ચોરવાડ રોડ સ્ટેશનથી ગામ 6 કિલોમીટર દૂર છે.
આ સ્થળને રાજ્ય તરફથી વિહારધામ તરીકે વિકસાવાયું છે અને પર્યટન પર આવનારાઓ માટે સગવડ કરવામાં આવી છે. જૂનાગઢના જૂના નવાબના બંગલામાં દરેક પ્રકારની સગવડ અને કિનારાની બાજુમાં જ સ્વીમીંગ પુલ છે. એવા આ બંગલામાં કેટલાક ફેરફાર કરી પર્યટનાર્થીઓને માટે સગવડ ઊભી કરવામાં આવી રહી છે. તેમાં પૂરેપૂરી સગવડ થઈ રહેતાં એક સાથે ૨૫૦ માણસો રહી શકે તેવી સગવડ થશે. આવી સગવડવાળું ગુજરાતમાં આ મોટામાં મોટું સ્થળ હશે.