મેળા આમ ગુજરાતી પ્રજાનું એક અભિન્ન અંગ બની ગયા છે. આપણા દેશમાં એક માત્ર ગુજરાત જ એવું રાજય છે જયાં વર્ષ દરમિયાન ૨,૦૦૦થી વધુ મેળા કે લોકમેળા યાજાય છે. જેમાં મુખ્ય મુખ્ય મેળા આ મુજબ છે. ભવનાથ, તરણેતર, અંબાજી, શામળાજી, ડાંગ દરબાર, રવેચીનો મેળો, કવાંટનો મેળો. આ તમામ મેળામાં માત્ર ગુજરાતીઓજ નહીં દેશ-વિદેશથી લોકો ઊમટી આવે છે. દરેક મેળાનું ગુજરાતમાં આગવું મહત્વ છે. આ મેળાઓમાં માનવ મહેરામણ હૈયુ હૈયું દ.. એમ ઊમટી પડે છે. મેળામાં ઊંચ-નીચ,અમીર-ગરીબ નાત-જાતનો કોઈ ભેદભાવ જોવાતો નથી. યુવાન-યુવતીઓ માટે તો મેળો એટલે તેમનાં હૈયાંની ઘડકન. મેળાની રાહ તો લોકો કાગડોળે જોતા હોય છે. મેળો એટલે માત્ર આનંદ અને આનંદ લોકગીતો ગવાતાં હોય, ચકડોળ, ચકરડીના અવાજ, પીપૂડાં, ગામઠી વસ્તુની હાટડીઓ વગેરે વગેરે મેળામાં જોવા મળે છે. ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી પન્નાલાલ પટેલની મળેલા જીવ નવલકથામાં જીવલી ઘાંયજણ અને કાનજીનો પ્રેમ મેળામાંથી જ શરૂ થયો હતો. તેમ દર્શાવ્યું છે. મેળામાંથી શરૂ થયેલા પ્રેમની સોડમ આખી નવલકથામાં પનિપાના ઉપર આવે છે. જીવન સુખમાં, જીવલીમાં, કાનજીની ઉદાસીનતામાં, જગતની ભક્તિમાં, એકે એક પાત્રમાં મેળાની રંગત ઊડતી જોવા મળે છે. મેળાનું અદ્ભુત વર્ણન પન્નાલાલ ભાઈએ બહુ ખૂબી કર્યું છે. આ નવલકથા ખરેખર ગુજરાતની શિરમોર નવલકથા છે. વાત છે અહીં લોકમેળાની. મેળા ઉપર પણ ગુજરાતીમાં ઘણાં ગીતો લખાયાં છે. તેમાનું એક પ્રખ્યાત ગીત હુ તો ગઈ તી મેળે, મેળે, મેળે મન મળી ગયું એની મેળે મેળામાં હૈયું હણાયુંને ગયું તણાઈ જોબનના રેલામાં હું તો ગઈ તી મેળે મેળે મેળે…. આજના ટી.વી. કલ્ચરમાં પણ મેળાએ તેનું મહત્વ ગુમાવ્યું નથી. ગુજરાતના કેટલાક પ્રસિદ્ધ મેળા – (૧) અમદાવાદનો પાણીપૂરીનો મેળો – દેવદિવાળીના દિવસે સારંગપુર દરવાજાથી પાંચકૂવા દરવાજા સુધી પાણીપૂરીનો મેળો ભરાય છે. પહેલાં અહીં મોટા મોટા મંડપ બંધાતા હતા. તે વખતે અહીં ચકડોળ ચકરડી વાળા આવતા હતા. હવે માત્ર પાણીપૂરી ખાવાના શોખીનો જ આવે છે. (૨) તરતેણતરનો વિશ્વપ્રસિદ્ધ મેળો – ગુજરાતનો આ મેળો વિશ્વ પ્રસિદ્ધ છે. તેનું મુખ્ય આકર્ષણ ભરતકામવાળા પોશાક, ભરતકામવાળી છત્રીઓ છે. ત્રણ દિવસ અહીં ભગવાન ત્રિનેત્રેશ્વરના સાંનિધ્યમાં લોકમેળો ભરાય છે. લોકો દેશ-વિદેશથી અહીં મેળો નિહાળવા આવે છે. અહીં મેળાના દિવસમાં ગંગાજી સ્વ્યં પ્રગટ થાય છે. વળી ખાસ વાત એ છે કે અહીં અર્જુને મત્સ્યવેધ કરી દ્રોપદી સાથે લગ્ન કર્યાં હતાં. (૩) નડિયાદના સંતરામ મંદિરનો મેળો નડિયાદના સંતરામ મંદિરમાં અહીં દર વર્ષે મહા મહિનાની પૂનમે મેળો ભરાય છે. ત્યારે લોકો ગામે ગામથી ઊમટી પડે છે. આ મેળાનું ખાસ મહત્વ અહીં જેમનાં બાળકો બોલતાં ન હોય કે તોતડાં હોય તેના નામે બોર-સાકર ઉછાળવામાં આવે છે. સંતરામ મહારાજના સંતના પ્રભાવે તે બાળકની જીભ ખૂલી જાય છે. બીજા મહત્વ ના મેળા (૧) અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો. (૨) જૂનાગઢનો ભવનાથનો મેળો (શિવરાત્રીનો) (૩) વૌઠાનો ગધેડાનો મેળો. (૪) રાજકોટમાં જન્માષ્ટમીનો સાત દિવસનો મેળો. (૫) સિદ્ધપુરનો કાર્તિકી પૂનમનો મેળો.