પંચ મહાલોના પ્રદેશ તરીકે ઓળખાતા પંચમહાલ જિલ્લામાં આવેલું આધશકિત પીઠ ધામ પાવાગઢ અને ગુજરાતની પ્રાચીન રાજધાની ગણાતી કિલ્લેબંધ નગરી ચાંપાનેર ઉપરાંત પ્રાચીન શિલ્પ-સ્થાપત્ય કલાને ઉજાગર કરતા પુરાતન મંદિરો અને તેના અવશેષો અકબંધ અને અડીખમ ઉભા ગુજરાતને ગૌરવ બક્ષે છે.
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાથી ઉત્તરે આશરે ૭૦ કિ.મી. દૂર ખાનપુર તાલુકાના લવાણા ગામ પાસે આવેલ કલેશ્વરી ધામ શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ પુરાતત્વવિદો અને પ્રાકૃતિક સૌંદર્યને માણનાર સહેલાણીઓમાં અનોખું આકર્ષણ જન્માવે છે. કલેશ્વરી કે કલેહેશ્વરી નાળ તરીકે જાણીતા આ વિસ્તારમાં ઇશુની ૧૦ મી સદીથી લઇને ૧૭મી સદી સુધીના શિલ્પ સ્થાપત્યો નિહાળવા મળે છે. ચો-તરફ વનરાજી, ટેકરીઓ અને ખીણ પ્રદેશમાં વિસ્તરેલ આ કલેશ્વરી ધામમાં પ્રાચીન શિલ્પ-સ્થાપત્ય કલાના સાક્ષી સમા સાસુ અને વહુની વાવ, પ્રાચીન કુંડ, શિકારમઢી, પ્રાચીન મંદિર, ભીમચોરી અને અર્જુનચોરી વગેરે સ્થાપત્યો મહાભારત કાળની સ્મૃતિઓ રૂપ બની રહેલ છે.
અહીં એક બીજાની સમીપે આવેલ સાસુની વાવ અને વહુની વાવ એ પ્રાચીન કાળથી લોકપ્રિય સામાજિક પાત્રો સાસુ-વહુના સબંધો જાણે તાદૃશ બનાવે છે. ૧૪ મી કે ૧૫ મી સદીમાં નિર્માણ પામી હોવાનું મનાતી આ બંને વાવ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ નંદા પ્રકારની ગણાય છે. સાસુની વાવમાં આવેલ ગોખમાં નંદિશ્વરનું શિલ્પ તથા શેષશાયી વિષ્ણુ અને વૈષ્ણવીની પ્રતિમાઓ દશ્યમાન થાય છે જ્યારે વહુની વાવમાં દેવ પ્રતિમા અને શેષશાયી વિષ્ણુ તેમજ જળદેવકાનનાં શિલ્પો જોવા મળે છે. અહીં આવેલ કેવૃ મંડપના સ્વરૂપમાં સ્તંભ ઉપર ટેકવેલું સ્મારક સમું મંદિર કલેશ્વરી મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરના દિવાલના ગોખમાં નટરાજની પ્રતિમા પ્રસ્થાપિત થયેલ છે, જેનું શ્રધ્ધાળુઓ કલેશ્વરી માતા તરીકે પૂજન અર્ચન કરે છે. આ મંદિરના એક સ્તંભ ઉપર ઇ.સ.૧૫૪૭માં જૂના લુણાવાડા રજવાડાના યુવરાજ માલો રાણોએ જિણોદ્ધાર કર્યો હોવાના શિલાલેખ કોતરાયેલ જોવા મળે છે. આ શિલાલેખવાળા મંદિરની સન્મુખ ૧૦ મી સદીની આસપાસમાં નિર્માણ પામેલ હોવાનું મનાતા ધુમ્મટવાળા મંદિર તરીકે ઓળખાતા એક પ્રાચીન મંદિરના ભગ્નાવશેષો અહીં તહીં વેરાયેલા પડેલ છે. આ મંદિરનો જિણોદ્ધાર પણ લુણાવાડા રાજવી વખતસિંહજીએ ઇ.સ. ૧૭૩૫ થી ૫૭ ની આસપાસ કરાયો હોવાનું માનવામાં આવે છે.
આ કલેશ્વરી નાળ સમુહમાં એક સમચોરસ પ્રાચીન કુંડ પુરાતનકાળના વિશિષ્ટ પ્રકારના સ્થાપત્ય શૈલીની ઝાંખી કરાવી જાય છે. વિશાળ જન સમુદાય આ કુંડના પાણીનો ઉપયોગ કરી શકે તે માટે ચારે બાજુએથી પાણી સુધી પહોંચવા પગથિયાં બનાવવામાં આવેલ છે. આ કુંડમાં આવતું પાણી ગળાઇને આવે તે હેતુથી ગૃણીની રચના પણ કરવામાં આવી છે. જળકુંડથી પૂર્વ તરફ એક શિકાર મઢી દશ્યમાન થાય છે. પ્રાચીન સમયમાં અહીં ગાઢ જંગલમાં શિકાર અર્થે આવતા લુણાવાડાના રાજવી વખતસિંહે રાત્રીરોકાણ માટે પ્રાચીન ભગ્નાવશેષોનો પુન-ઉપયોગ કરીને આ શિકાર મઢીનું નિર્માણ કર્યુ હોવાનું મનાય છે. આ શિકાર મઢીની દિવાલોમાં નૃત્ય ગણેશ, મહિષ મર્દીની, વિષ્ણુ, ચામુંડા, દર્પણ કન્યા અને રતિ-ક્રિડાનાં શિલ્પો જડવામાં આવેલ છે.
શિકારમઢીથી પૂર્વ દિશામાં થોડેક દૂર એક ઉંચી ટેકરી ઉપર ભીમચોરી, અર્જુનચોરી અને પ્રવેશદ્વારવાળુ મંદિર એમ ત્રણ પ્રાચીન સ્મારકો ઉભા છે. સ્થાપત્ય શૈલી પ્રમાણે ૧૪ કે ૧૫ મી સદીના નિર્માણકાળનું એક શીવાલય ભીમચોરી તરીકે ઓળખાય છે. આ ભીમ ચોરીની નજીકમાં જ ગર્ભગૃહ અને અલંકૃત દ્વારશાખવાળું મંદિર અર્જુન ચોરી તરીકે પ્રચલિત છે. આ ભીમ ચોરી અને અર્જુન ચોરીથી થોડુંક છેટે પ્રવેશદ્વાર વાળું એક મંદિર વિઘમાન છે. અહીં મોટા કદના બે પગલાંના અવશેષ જોવા મળે છે, જેને કેટલાક ભીમના અને કેટલાક રાક્ષસી હેડંબાના પગ તરીકે પણ ઓળખે છે. આ સંકુલમાં નટરાજ, ધંટાકર્ણી, ઇન્દ્ર, યમ, વરૂણ અને અપ્સરા વગેરેના શિલ્પો પણ અવશેષોના રૂપમાં પથરાયેલા જોવા મળે છે.
આ કલેશ્વરી નાળ વિસ્તારમાં પ્રતિ વર્ષે શિવરાત્રી અને શ્રાવણ માસમાં જન્માષ્ટમીના પાવન પર્વે લોકમેળો યોજાય છે. આ સંકુલનીં હાલ રાજય પુરાતત્વ વિભાગ સારસંભાળ લેવામાં આવી રહી છે, એટલું જ નહીં, આ વિસ્તારના વિકાસ માટે તથા પ્રવાસીઓને આકર્ષવા માટે રાજયના પ્રવાસન વિભાગ, વન વિભાગ તથા પંચમહાલ જિલ્લા પ્રશાસન દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.