ગીરની તળેટીમાંથી સમુદ્ર સુધીના દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વિસ્તરેલું ગીરનું જંગલ વિખ્યાત જંગલોમાંનું એક છે. ત્રિભુવન કવિએ ‘ગાજે જંગલ ગીર તણાં‘ કહી જેનું મસ્ત વર્ણન કરેલું તે અત્યંત સઘન અડાબીડ વિશાળ જંગલ તો હવે ઓછું થઈ ગયું – કુદરત અને મનુષ્ય બંનેના વાંકે. પણ હજી તે જંગલ તરીકે જોવાલાયક છે. તોતિંગ વૃક્ષોની છાયામાં ઊછરેલાં અનેક વન્યપશુઓ સાથે સૌરાષ્ટ્રના માલધારીઓનાં પણ અહીં થાણાં છે. જ્યારે સૌરાષ્ટ્રમાં દુકાળ પડે છે ત્યારે તો માલધારીઓ પોતાનાં ઢોરઢાંખર લઈ ગિરનારને જ ખોળે જાય છે, એટલે માલધારીઓ તો તેને ‘ઢાંક્યું સાંપડ‘ માને છે. સિંહની વસ્તી હવે તો દુનિયાભરમાં રહી છે. માત્ર આફ્રિકામાં અને ભારતમાં અને ભારતમાં પણ માત્ર ગુજરાતના ગીરમાં.
ગીરના પશ્ચિમ તરફને છેડે સાસણગીરમાં જંગલખાતાનું અતિથિગૃહ છે તેમજ પ્રવાસીખાતાનું ગેસ્ટ હાઉસ છે. સાસણ, વિસાવદર – તલાલા રેલવેલાઈન પર સ્ટેશન પણ છે. અહીં જંગલમાં રાત્રિનિવાસ કરવાનો આનંદ માણી શકાય છે. તેમજ સરકાર દ્વારા સિંહદર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. સિંહને તેના કુદરતી સ્વરૂપમાં-સ્વતંત્ર દશામાં ખૂબ નજીક જઈને જોઈ શકાય છે.
અહીંના વન્ય પશુઓમાં સિંહ, જેને સ્થાનિક લોકો ‘સાવજ‘ કહે છે તે મુખ્ય છે. આમ તો આ સિંહો આખા વનમાં વિચરી શકે છે પણ જાણે પોતાનો વિસ્તાર વહેંચી લીધો હોય તેમ બધા સિંહ પોતાના કુટુંબને લઈ અમુક વિસ્તારમાં જ ફરતા હોય છે. ગીરનું બીજું નોંધપાત્ર પ્રાણી છે. ગીરની ભેંસ. મોટાં શિંગડાંવાળી આ ભેંસ ખૂબ જ બળવાન અને હિંમતબાજ હોય છે. તેને સિંહનો પણ ભય હોતો નથી. વખત આવ્યે તે સિંહ સાથે પણ જંગમાં ઊતરે છે. સિંહોના આ પ્રદેશ વચ્ચે જંગલની વચ્ચોવચ ખુલ્લી જગા કરી માલધારીઓ નિર્ભયતાથી પડાવ નાખીને સહકુટુંબ રહે છે – પોતાના પશુઓ સાથે. જેમ જેમ જંગલો કપાતાં ગયાં તેમ તેમ સિંહો ગાઢાં જંગલ તરફ જતા ગયા અને હવે તો સિંહો માત્ર ગીરમાંજ રહ્યા છે. તેમના બેસુમાર શિકારને કારણે પણ તેમની વસ્તી ઘટી ગઈ છે. અત્યારે તો સિંહના શિકાર પર પ્રતિબંધ છે અને તેમની વસ્તી જાળવણી માટે સરકાર દ્વારા ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે. સાસણ ગીરમાં સિંહોનું અભયારણ્ય બનાવવામાં આવ્યું છે. તે વિસ્તાર ફરતે પથ્થરની દીવાલ કરવામાં આવી છે ને વચમાંથી પસાર થતા માર્ગની બંને બાજુએ કાંટાળી વાડ કરી લેવામાં આવી છે. 176 કિલોમીટરના આ વિસ્તારમાંથી પશુ બહાર ન જાય કે બહારથી કોઈ પશુ કે શિકારી અંદર પ્રવેશે નહીં તેની કાળજી રખાય છે.
ગીરમાં હરણાંઓ વગેરે અન્ય પ્રાણીઓ ઉપરાંત અનેક પ્રકારનાં સુંદર પક્ષીઓ, ને દસ-પંદર પ્રકારના સર્પો પણ જોવા મળે છે. અલબત્ત, તેમાં મુખ્ય પાલતુ પ્રાણી તો ભેંસ જ છે. વાંકાં મોટાં શિંગડાં ને શરીર પરનાં ધાબાં પરથી, ચામડીના રંગ પરથી કે માથાના આકાર પરથી આ ભેંસોની જુદી જુદી જાતો છે.