ખાદી એ વસ્ત્ર નથી. પણ વિચારધારા છે. આ શબ્દ મહાત્મા ગાંધીના હતા. જ્યારે અંગ્રેજોનું સામ્રાજ્ય આખા દેશમાં ચાલવા લાગ્યું ત્યારે વિદેશની મિલોનાં સસ્તાં અને ટકાઉ તથા સુંદર વસ્ત્રો ભારતમાં આવવાં લાગ્યાં. જેથી ભારતનો કાપડ ઉદ્યોગ દિવસે દિવસે તૂટવા લાગ્યો.વણકર લોકો બેકાર થવા લાગ્યા. આ જોઈ ગાંધીજીનું હૈયું હચમચી ગયું. તેમણે એક જ હાકલ કરતાં દેશમાં ઠેરઠેર વિદેશી વસ્ત્રોની હોળી થવા લાગી.અંગ્રેજો ચિંતામાં મુકાયા. ગાંધીજીએ કાપડ ઉદ્યોગ ફરીથી બેઠો કરવા ‘ખાદી પહેરો’નું આંદોલન ઉપાડી જાતે ખાદી પહેરવાનું શરૂ કર્યું. જે સમાજના તમામ વર્ગે અપનાવી લીધું. ખૂબ પૈસાવાળાં સ્ત્રી-પુરુષો પણ ખાદી પહેરવા લાગ્યાં. ગાંધીજીએ ખાદી ઉદ્યોગને બેઠો કરવા માટે ખૂબ સુંદર પગલાં લીધાં તેમણે કેટલાક વણકર કુટુંબને પોતાનાં આશ્રમમાં વસાવી ખાદી ઉદ્યોગને જીવતો રાખ્યો. ગાંધીજીની હાકલને દેશવાસીઓએ દિલથી અપનાવી લીધી. મોટામોટા મિલમાલિકોનાં કુટુંબોએ તથા પૈસાદાર સ્ત્રીઓ પણ ખાદી પહેરવા લાગી. સાચા અર્થમાં લાખો લોકોને રોજગારી મળવા લાગી. ઈંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિથી ત્યાં ઉત્પાદિત તથા કાપડને ભારતમાં વેચવા માટે અંગ્રેજ સરકારે ભારતના વસ્ત્ર ઉદ્યોગ પર ૭૦થી ૮૦ ટકા કર લાદી દીધો. જેથી દેશી કાપડ મોંધું બન્યું. અને વિદેશી કાપડ સારું, સસ્તું બનતાં લોકો તે લેવા લાગ્યા પરિણામે ભારતનો કાપડ ઉદ્યોગ પડી ભાગ્યો. જે ગાંધીજીની પ્રયત્નોથી ખાદી ઉદ્યોગ જીવંત બનતાં આજે ભારત પણ કાપડઉદ્યોગ તથા ખાદીક્ષેત્રમાં ઘણી નામના ઘરાવે છે.