અફીણ એ એક જાતના ફળ ઉપર ચીરા પાડી તેમાંથી જે રસ ઝરે તેને સૂકવીને બનાવાય છે. ફળના ઝીણા ઝીણા બી તે ખસખસ. અફીણ માદક છે. ખસખસ માદક નથી.
ખસખસ સ્વાદે મધુર, તાસીરે ગરમ, પચવામાં ભારે, મળને રોકનાર, વાતશામક, પિત્તશામક અને કફકર છે. તે બળવર્ધક, વાજીકર, વીર્યવર્ધક, કાંતિપ્રદ છે.
બાળકને ખૂબ ઝાડા થયા હોય, મરડાને લઈને મળમાં ચીકાશ અને લોહી પડતું હોય, અપચાના કાચા ઝાડા થયા હોય તો ખસખસને દૂધમાં સારી પેઠે લસોટી એકરસ કરી પાવું જોઈએ.
માથામાં ખૂબ ખોડો હોય, કેમેય કરીને જતો ન હોય તો દૂધમાં ખસખસને પીસીને માથે ચોપડવી. તે સુકાયા પછી ગરમ પાણીથી માથું ધોવું.
સુકલકડી, કૃશ, દુર્બળ બાળકોને પોષણ માટે ખસખસની ખીર પીવરાવવી. ખીરમાં ખાંડને બદલે સાકર નાખવી.
લાડુ જેવા ભારે ખોરાકના પાચન માટે તેના ઉપર ખસખસ લગાડવામાં આવે છે. તેથી દેખાવ સુંદર બને છે, પચવામાં સરળતા રહે છે.
તલ અને ખસખસ વાટી, દૂધમાં ઉકાળી લેવાથી અવાજ ઉઘડે છે.