શૃંગારનો ઉપયોગ જો પવિત્રતા અને દિવ્યતાના દ્રષ્ટિકોણથી કરવામાં આવે તો તે પ્રેમ અને અહિંસાનો સહાયક બની સમાજમાં સૌમ્યતાનો વાહક બની શકે છે. માટે જ તો ભારતીય સંસ્કૃતિમાં સોળ શૃંગારને જીવનનું મહત્વનું અને અભિન્ન અંગ માનવામાં આવે છે. આવો, જાણીએ શું હોય છે સોળ શૃંગાર અને કેવી રીતે તે કરવામાં આવે છે…
શૌચ- શરીરની આંતરિક અને બાહ્ય શુદ્ધિ.
સૌદર્ય પ્રસાધનો- હળદર, ચંદન, ગુલાબ જળ તથા અન્ય સુગંધિત પદાર્થોનું મિશ્રણ શરીર ઉપર લગાવવું.
સ્નાન- સ્વચ્છ, શીતળ કે ઋતુ પ્રમાણે જળની મદદથી શરીરને સ્વચ્છતા અને તાજગી પ્રદાન કરવી.
કેશ બંધન- કેશ એટલે વાળને સ્નાન બાદ સ્વચ્છ કપડાની મદદથી લૂછીને, સુકવીને ઋતુ અનુકૂળ તેલ અને સુગંધિત દ્રવ્યો લગાવી બાંધવા.
અંજન- આંખો માટે અનુકૂળ અને ઔષધિય ગુણોથી સંપન્ન પદાર્થ, જે પાંપણો પર લગાવવામાં આવે છે.
અંગરાગ(અત્તર-સુગંધિત પદાર્થ)- સુગંધિત પદાર્થ જે શરીરના અંગો પર લગાવવામાં આવે છે.
અલતો- હાથ અને પગમાં મહેંદીની જેમ જ લગાવવામાં આવતો સુંદર અને સુગંધિત રંગ.
દંતમંજન- દાંતોને સાફ કરવા અને ચમકીલા બનાવવા.
વસ્ત્ર- ઋતુ અનુકૂળ, દેશ, કાળ, વાતાવરણને ધ્યાનમાં રાખી વસ્ત્રો પહેરવામાં આવે છે.
ભૂષણ- શોભામાં ચાર ચાંદ લગાવી દેનારા સોના, ચાંદી, હીરાના આભૂષણો. મણી અને મોતીમાંથી બનેલા ઘરેણા પણ પહેરવામાં આવે છે.
સુગંધ- વસ્ત્રો ધારણ કર્યા બાદ શરીર પર સુગંધિત દ્વવ્ય લગાવવામાં આવે છે.
પુષ્પહાર- સુગંધિત પદાર્થ લગાવ્યા બાદ ઋતુ અનુસાર ફૂલોની માળા પહેરવામાં આવે છે.
કુમ-કુમ- વાળને ઓળ્યા બાદ સેંથાને સિંદૂરથી સજાવવામાં આવે છે.
તાંબુલ- સારી ગુણવત્તા વાળુ પાન, કેટલાક સ્વાદિષ્ટ અને સુગંધિક પદાર્થો મેળવીને મુખમાં રાખવું.
ભાલ તિલક- મસ્તક પર ચહેરાને અનુરુપ તિલક કે બિંદી લગાવવામાં આવે છે.
દાઢી પરની બિંદી- તમામ શૃંગાર થઇ ગયા બાદ કેટલાક લોકો દાઢી પર પણ કાળો ટીકો કે બિંદી લગાવે છે.