કુન્દનિકાનો જન્મ સૌરાષ્ટ્રના લીમડી ગામે ઈ. ૧૯૨૭ના જાન્યુઆરી માસની ૧૧મી તારીખે થયો છે. પિતાનુ; નામ નરોત્તમદાસ. કુન્દનિકાનું ઉપનામ ‘સ્નેહધન‘ છે. મકરંદ દવે સાથે લગ્ન કરી હાલ વલસાડથી ધરમપુર જવાના રસ્તે ‘નંદિગ્રામ આશ્રમ‘ સ્થાપી બંને પતિ- પત્ની આદિવાસી સમાજની સેવા કરી રહ્યાં છે. તેમણે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ પંચમહાલ જિલ્લાના ગોધરા ગામે લીધું. ઈ. ૧૯૪૮માં ભાવનગરમાંથી બી. એ. થયાં. તેમના વિષયો હતા રાજકારણ અને ઇતિહાસ. શાળાજીવન દરમિયાન તેમને સાહિત્ય પ્રત્યે અનુરાગ હતો. પરિણામતઃ ઉચ્ચ શિક્ષણ લીધા બાદ તેઓ ‘યાત્રિક‘ અને ‘નવનીત‘ નામનાં સામયિકોનાં સંપાદક બન્યાં. સંપાદક તરીકે તેમણે સમજપૂર્વક કામગીરી બજાવી હતી.
કુંદનિકાબહેનને જીવન પ્રત્યે ભરપૂર રસ છે. આથી જીવનને સ્પર્શ કરતો પ્રત્યેક સાહિત્યપ્રકાર તેમનો પ્રિય પ્રકાર છે. તેમનું રસક્ષેત્ર પણ વૈવિધ્યપૂર્ણ છે. તેમના વિશાળ ર્દષ્ટિકોણ પર એક તરફ શેક્સપિયર કે ઇબ્સન જેવા વિદેશી નાટ્યકારોનો પ્રભાવ દેખાય છે તો બીજી તરફ બંગાળી સાહિત્યસ્વામીઓનો રવીન્દ્રનાથ તથા શરદચંદ્રની અસર પણ તેમણે ઝીલી છે. ધૂમકેતુ જેવા ગુજરાતી લેખકોએ પણ કુન્દનિકાબહેનની રસરુચિને ચોક્કસ આકાર આપ્યો છે. તેમણે લખેલા વાર્તાસંગ્રહોમાં ‘પ્રેમના આંસુ‘, ‘વધુ ને વધુ સુંદર‘, ‘કાગળની હોડી‘ અને ‘જવા દઈશું તમને‘ નો સમાવેશ થાય છે. તેમના વાર્તાસંગ્રહોમાં માનવસંવેદન કોઈ ને કોઈ સ્વરૂપે છતાં આસ્વાદ્ય રીતે પ્રગટ થતું જોવા મળે છે. તેમનાં પાત્રો લાગણીશીલ હોય છે. અતઃ તેમનું સર્જન ચિંતન, પ્રેમ, સંગીત, પ્રકૃતિ જેવાં તત્વોથી સભર રહ્યું છે.
તેમણે લખેલી નવલકથાઓમાં ‘પરોઢ થતાં પહેલાં‘, ‘અગનપિપાસા‘, ‘સાત પગલાં આકાશમાં‘ વગેરેને મુખ્ય ગણાવી શકાય. ‘સાત પગલા આકાશમાં‘ નવલકથા દિલ્હીની સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થઈ છે. આ નવલકથામાં નારીશોષણની સામે સામાજિક વિદ્રોહની વાત કેન્દ્રમાં રહી છે. ધારાવાહિક રજૂ થતી આ નવલકથા પ્રારંભથી જ અનેક સ્ત્રીઓનું આકર્ષણ બની હતી. અનેક મહિલાઓએ જણાવ્યું હતું કે ‘પ્રસ્તુત નવલકથા જાણે મને જ કેન્દ્રમાં રાખી લખાઈ હોય તેવું લાગે છે.‘ દૂરદર્શન પરથી આ નવલકથા સફળતાપૂર્વક રજૂ કરવામાં આવી હતી.
તેમણે નિબંધલેખન પણ કર્યું છે. તેમના ભાવપૂર્ણ નિબંધો ‘ચંદ્ર, તારા, વૃક્ષ, વાદળ‘ નામે પ્રકાશિત થયા છે. પ્રકૃતિ, પંડ અને બ્રહ્માંડમાંથી સારવી લીધેલી કેટલીક ક્ષણોને અહીં હ્રદ્ય રીતે રજૂ કરવામાં આવી છે.
અનુવાદક્ષેત્રે પણ કુન્દનિકાબહેને અર્પણ કર્યું છે. લૉસ ઇંગ્લસ વાઇલ્ડર નામની લેખિકાની નવલકથાનું ભાષાંતર તેમણે ‘વસંત આવશે‘ નામથી પ્રગટ કર્યું છે. ‘દિલભર મૈત્રી‘ નામના અનુવાદમાં મેરી એલન ચેઝ નામની લેખિકાનાં બાલ્યાવસ્થાનાં સંસ્મરણો સંગ્રહાયેલાં છે. બંગાળી લેખિકા રાણી ચંદનાએ એક પ્રવાસ-પુસ્તક લખ્યું છે. કુન્દનિકાબહેને તે પ્રવાસવર્ણનનો અનુવાદ ‘પૂર્ણકુંભ‘ નામથી પ્રસિદ્ધ કર્યો છે.
પ્રકીર્ણ લેખો અને પ્રાર્થના-સંકલનના તેમના સંગ્રહો ‘દ્વાર અને દીવાલ‘ તેમજ ‘પરમ સમીપે‘ ખૂબ જ લોકપ્રિય નીવડ્યા છે. ઈ. ૧૯૮૫માં તેમને સાહિત્ય અકાદમી, દિલ્હીના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.