કવિ તથા વિવેચકઃનિરંજન ભગત

નિરંજન નરહરિભાઈ ભગતનો જન્મ અમદાવાદમાં એમને મોસાળ ઈ. ૧૯૨૬ના મે માસની ૧૮મી તારીખે થયો હતો. માતાનું નામ મેનાબહેન. તેમના દાદા તેજાનાનો વેપર કતા તેથી મૂળ અટક ગાંધી હતી પરંતુ દાદા ઉત્તરજીવનમાં ભજન-કીર્તન કરવા લાગ્યા આથી ભજનમંડળીઓમાં તે ‘ભગત‘ તરીકે ઓળખાતા. નિરંજનભાઈને આ રીતે ‘ભગત‘ અટક દાદા તરફથી વારસામાં મળી છે. પિતા નરહરિભાઈ અમદાવાદના સંસ્કારી અને ધનાઢ્ય કસ્તુરભાઈની પેઢીમાં કામ કરતા.
નિરંજનભાઈએ પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં જ મેળવ્યું. ઈ. ૧૯૪૨ની સ્વાતંત્ર્ય – ચળવળમાં જોડાવાની એમની તીવ્ર ઇચ્છા હોવા છતાં કૌટુંબિક પરિસ્થિતિને કારણે તેમણે એ ચળવળથી અલિપ્‍ત રહેવાનું નક્કી કર્યું. ગાંધીજીએ સંસ્કૃત ભાષાના અભ્યાસ પર મૂકેલા ભારથી પ્રભાવિત થઈ નિરંજનભાઈએ સંસ્કૃત અભ્યાસ શરૂ કર્યો. આ વર્ષોમાં જ તેમના કાવ્ય-સંસ્કારો પણ આકાર લઈ રહ્યા હતા. સંસ્કૃત શીખવાનું શરૂ કર્યું તે પહેલાં તેમણે ફ્રેન્ચ ભાષાનો અભ્યાસ કર્યો હતો. શ્રેષ્‍ઠ સાહિત્ય ધરાવતી એ ભાષાના જ્ઞાને નિરંજનભાઈનો સાહિત્યપ્રવેશ સરળ બનાવ્યો. બંગાળી ભાષાનો અભ્યાસ કરી રવીન્દ્રનાથ ટાગોરનાં કાવ્યોનો આસ્વાદ માણ્યો. કવિ રાજેન્દ્ર શાહ આ ગાળામાં એમના મિત્ર. બંનેએ ગુજરાતી કાવ્યોનું અધ્યયન શરૂ કર્યું. પ્રહલાદ પારેખના ‘બારી બહાર‘ તથા બાલાશંકર કંથારિયા વિષે લખાયેલા પુસ્તક ‘ક્લાન્ત કવિ‘ એ નિરંજનભાઈ પર ઘેરી અસર કરી.
કૉલેજ‍-શિક્ષણ દરમિયાન અંગ્રેજી સાહિત્ય પ્રતિ આકર્ષાયા. ઈ. ૧૯૪૮માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયા. ત્યાર પછી તેઓ અમદાવાદ આવ્યા. એલ.ડી. આર્ટસ કૉલેજમાં જોડાયા અને ઈ. ૧૯૫૦માં એમ.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. એ જ વર્ષના જૂન માસથી તેઓ એલ.ડી. આર્ટસ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાયા. ઈ. ૧૯૫૮ થી તેમણે ગુજરાત લૉ સોસાયટી સંચાલિત આર્ટસ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી.
શિક્ષકમાં જોવા મળતી આદર્શપ્રિયતા, તર્કશક્તિ અને દલીલશક્તિ તેમનાં લખાણોમાં અને જીવનમાં સ્પષ્‍ટપણે તરી આવે છે. સ્વભાવથી જ તેઓ શિક્ષક છે. એમના જીવનનો મોટો ભાગ અધ્યયન અને અધ્યાપન પાછળ વ્યતીત થયો છે. ઈ. ૧૯૪૨માં એમણે સર્જન-પ્રવૃત્તિની શરૂઆત કરી. ઈ. ૧૯૪૯માં તેમણે પોતાનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘છંદોલય‘ પ્રકાશિત કર્યો. છંદોલયમાં રજૂ થયેલાં કાવ્યોએ ગુજરાતી કાવ્યસાહિત્યને એક નવું જ દિશાસૂચન કર્યું. એ જ વર્ષ એમના કાવ્યસંગ્રહને પારિતોષિકથી નવાજવામાં આવ્યો હતો. ઈ. ૧૯૪૯માં એમને ‘કુમાર‘ ચન્દ્રક આપવામાં આવ્યો.
ઈ. ૧૯૪૬ પછી તેઓ વખતોવખત મુંબઈ વસવાટ કરતા હતા. શહેરના આ વસવાટને કારણે તેમની કવિતામાં શહેરી જીવનનો વ્યંગ અને વિશાદ ડોકાવા લાગ્યાં. ઈ. ૧૯૫૩માં ‘અલ્પવિરામ‘ નામે કાવ્યસંગ્રહ પ્રગટ થયો. નર્મદ સાહિત્ય સભાએ એમને ‘છંદોલય‘ માટે નર્મદ સુવર્ણચંદ્રક અર્પણ કર્યો હતો. ઈ. ૧૯૬૯માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. ઈ. ૧૯૯૭માં જ્યારે એમણે ૭૧ વર્ષ પૂરાં કરી ૭૨માં વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે તેમના આઠ વિવેચનસંગ્રહો (સ્વાધ્યાયલોક-ભાગ ૧ થી ૮) તથા તેમની સમગ્ર કવિતા ‘છંદોલય‘ની બીજી આવૃતિ પ્રસિદ્ધ કરવામાં આવ્યાં.
નિરંજનભાઈમની કવિતામાં બાનીનું માધુર્ય, લયનું મનોરમ સૌંદર્ય અને અભિવ્યક્તિની પ્રશિષ્‍ટતા જોવા મળે છે. કાવ્યબાની સુઘડ, સ્વચ્છ અને સુગ્રથિત છે. વિષયની વિવિધતાને બદલે નિરંજનભાઈની કવિતામાં અભિવ્યક્તિની વિવિધ લઢણી વિશેષ ધ્યાનાર્હ હોય છે. આમ તેઓ સભાનતા અને સંયમના કવિ છે. જગતસાહિત્યના તેઓ ઊંડા અભ્યાસી છે. એમણે કરેલા ગદ્યલેખનમાં ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા‘, ‘આધુનિક કવિતા‘, ‘કવિતા કાનથી વાંચો‘ અને કેટલીક ચરિત્રાત્મક પુસ્તિકાઓ પ્રસિદ્ધ થઈ છે.
તેમણે અનુવાદ પર પણ પોતાનો હાથ અજમાવ્યો છે. ટાગોરના ‘ચિત્રાંગદા‘નું ભાષાંતર ગુજરાતીમાં કર્યું તો ભાસના નાટક ‘સ્વપ્‍નવાસવદત્તા‘નો અનુવાદ સંસ્કૃતમાંથી અંગ્રેજીમાં કર્યો. તદુપરાંત અંગ્રેજી કાવ્યોનો પણ રસાળ અનુવાદ આપણને પ્રાપ્‍ત થયો છે. એમણે કરેલા અનુવાદોમાં એમની ચીવટ, સરળ અભિવ્યક્તિ અને મૂળના મર્મને પામી મૂળ જેવું જ વાતાવરણ કરવાનું કૌશલ જોવા મળશે. ફ્રેન્ચ કાવ્યોનો અનુવાદ પણ તેમણે કર્યો છે.
ગુજરાતી સાહિત્યના ઉપક્રમે તથા સેફાયર બિલ્ડીંગમાં તેઓ કવિ અને કવિતા વિષે નિયમિત વ્યાખ્યાનો આપે છે. નિરંજનભાઈ ગુજરાતની હરતીફરતી યુનિવર્સિટી સમાન ગણાય છે. તેમનું વ્યક્તિત્વ પારદર્શક છે, નિખાલસ છે, નિર્ભીક છે. તેજસ્વી વિચારક તરીકે પણ તેમણે નામના જમાવી છે.
ઈ. ૧૯૯૮થી બે વર્ષ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે તેઓ નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હતા.

તારી તે લટને લ્હેરવું ગમે
ઘેલા કો હૈયાને ઘેરવું ગમે

મંદ મંદ વાયુના મનગમતા છંદમાં
વેણીનાં ફૂલની વ્હેતી સુગંધમાં

ઠેર ઠેર વ્હાલને વિખેરવું ગમે
તારી તે લટને લ્હેરવું ગમે

એનું તે ઘેન કોઈ નેનમાં છવાય છે
તો ભોળું રે કોઈનું ભીતર ઘવાય છે

એ સૌ ઊલટભેર હેરવું ગમે
તારી તે લટને લ્હેરવું ગમે

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors