જાણો ‘કફ પ્રકૃતિ’ વાળી વ્યક્તિઓ કેવી હોય ?
આયુર્વેદમાં વાયુ, પિત્ત અને કફ આ ત્રણે પ્રકૃતિવાળી વ્યક્તિઓમાં કફ પ્રકૃતિવાળી વ્યક્તિઓને ઉત્તમ કહેવાય છે, કારણ કે ‘કફ પ્રકૃતિ’ વાળા મનુષ્યો બળવાન, ધનવાન, વિદ્યાવાન, ઓજસ્વી, શાંત, ઉદાર, માયાળુ અને દીર્ઘ આયુષ્યવાળા હોય છે.
કફ પ્રકૃતિવાળા મનુષ્યોના શરીરની સંધિઓ એટલે સાંધાઓ, અસ્થિઓ, માંસ અને સ્નાયુઓ દ્દઢ, સ્નિગ્ધ, પુષ્ટ અને શ્લિષ્ટ હોય છે. તેઓનો વર્ણ થોડો શ્યામ પિત્તાભ હોય છે? તથા ત્વચા મૃદુ, ચળકતી અને સ્નિગ્ધ હોય છે. કેશ ઘન અને કાળા તથા રોમ કોમળ, પિત્તાભ અને દીર્ઘ હોય છે. બાહુઓ પુષ્ટ અને દીર્ઘ તથા વક્ષસ્થળ વિશાળ પહોળા અને પુષ્ટ હોય છે.
કફ પ્રકૃતિવાળા મનુષ્યો સૌમ્ય અને શાંત હોય છે. તેઓ ક્ષુધા, તૃષા, દુ;ખ કલેશ, સંતોષ, તડકો અને શ્રમ સહન કરી શકે છે. તેઓ બુદ્ધિમાન, સાત્વિક, ગંભીર અને પ્રતિજ્ઞાનું પાલન કરનારા હોય છે.
આમ તો કફ તમોગુણ ધરાવે છે છતાં આયુર્વેદમાં કફ પ્રકૃતિવાળી વ્યક્તિઓને સાત્વિક કહેવાય છે, કારણ કે કફમાં માત્ર તમોગુણ જ નથી, પણ તેમાં જળ મહાભૂતના અધિકયને લીધે કફમાં સત્વગુણ વધારે રહેલો હોય છે. આ કારણને લીધે કફ પ્રકૃતિવાળાઓમાં સાત્વિકતા વધારે સંભવે છે.
તેઓ ધર્માત્મા જેવી ધાર્મિક વૃત્તિવાળા હોય છે. ખોટું, કટુ અને નિષ્ઠુર વચન બોલતા નથી.
તેઓ ઉત્તમ સ્મૃતિશક્તિવાળા અને વિનયી હોય છે. તેઓ લાલચુ, પ્રપંચી અને ધૃષ્ટ હોતા નથી.
મધુર એટલે કે ગળ્યા આહાર દ્રવ્યો તરફ રુચિ રાખનારા, ધૃતિમાન, સહિષ્ણુ, લાંબા સમય સુધી વાતને પકડી રાખનારા, શાસ્ત્ર, વિજ્ઞાન અને ધર્મના દ્દઢ વિચારવાળા હોય છે. લાંબા સમય સુધી વિચાર કરીને જવાબ આપનારા, દીર્ઘદર્શી, સુંદર સ્પષ્ટ બોલવાવાળા, શ્રદ્ધાળુ, ગંભીર, સરળ, શરમાળ અને દ્દઢ મૈત્રીવાળા હોય છે.
તેઓના નેત્રો શ્વેત અને વિશાળ, તેના વાળ ઘટ્ટ, લાંબા અને કૃષ્ણવાર્ણી હોય છે. તેના ચક્ષુઓની ઉન્મેષ નિમેષ ક્રિયા મંદ એવં અલ્પ હોય છે. દંત પંક્તિ બદ્ધ, લાંબા, દ્દઢ, શ્વેત અને ચમકતા હોય છે.