બધાં દ્વિદળ ધાન્યોમાં (કઠોળમાં) મગ સૌથી શ્રેષ્ઠપ અને પથ્ય છે. એ માંદા માણસોનો તો ખાસ ખોરાક ગણાય છે. ગુજરાતી ભાષામાં મગ વિશે લોકોક્તિ છે :
‘મગ કહે હું લીલો દાણો, મારે માથે ચાંદું,‘
બે-ચાર મહિના ખાય તો, માણસ ઉઠાડું માંદું.‘
મગ ભારતમાં બધે ઠેકાણે થાય છે. સામાન્ય રીતે મગ દરેક જાતની જમીનમાં થાય છે, છતાં તેને હલકી, ગોરાડુ કે મધ્યમ, કાળી અને સારા નિતારવાળી જમીન વધુ માફક આવે છે. વરસાદની શરૂઆતમાં ચોમાસુ પાક તરીકે તેને વાવવામાં આવે છે. બાજરી સાથે મિશ્રપાક તરીકે પણ તે વવાય છે. તેના છોડ આશરે દોઢ-બે હાથ ઊંચા થાય છે. તેનાં પાન બીલીના પાનની જેમ ત્રિદલ, જરીક નાનાં અને ગોળ હોય છે. તેના છોડ અડદના છોડ જેવા જ હોય છે. મગના છોડ, પાન અને શીંગોનો રંગ લીલો હોય છે. તેની ડાળીઓને પીળાં ફૂલ આવી શીંગો બેસે છે.
મગ કાળા, લીલા, પીળા, ધોળા અને રાતા એમ ઘણી જાતના થાય છે. તે મઠ કરતાં ઓછા વાતલ ગણાય છે. કાળા મગ પચવામાં હલકાં હોય છે. લીલા મગ ખૂબ સ્વાદિષ્ટા લાગે છે. તે વધુ ગુણકારી અને ઉત્તમ ગણાય છે. જંગલી મગ કરીને મગની એક જાત પણ થાય છે. મગની ખીચડી, દાળ વગેરે વાનગીઓ બને છે. તેના લોટનું મગદળ પૌષ્ટિક અને અતિ સ્વાદિષ્ટી બને છે. એ ચણાના લોટના મગદળ કરતાં ગુણમાં ચઢિયાતું હોય છે. મગની દાળ માંદા માણસોને પથ્ય ખોરાક ગણાય છે. મગ કરતાં મગનું ઓસામણ વધારે પથ્ય ગણાય છે. આખા મગ કંઇક અંશે વાયુ કરે છે પરંતુ મગનું ઓસામણ બિલકુલ વાયુ કરતું નથી. એટલા માટે જીર્ણ અને વધી ગયેલા રોગોમાં મગનું ઓસામણ ખાસ આપવામાં આવે છે. મગનું ઓસામણ કેટલેક અંશે દુધની ગરજ સારે છે. તેથી નવા ત્રિદોષજ્વરમાં જ્યાં દૂધ નિષિદ્ધ હોય ત્યાં મગનું ઓસામણ બેધડક આપી શકાય છે. જ્વરમુક્તિ પછી પણ મગનું ઓસામણ આપવાની વૈદ્યો ખાસ ભલામણ કરે છે. મગનું ઓસામણ વાત, પિત્ત અને કફનું શમન કરે છે. તેથી માંદા માણસો માટે તે ખૂબ હિતકર ગણાય છે. મગની દાળ અને ભાત તથા ચોખા-મગની ખીચડી પણ માંદા માણસ માટે અતિ પથ્ય છે. મગની દાળના પાપડ, વડી ઇત્યાદિ પણ બને છે. આખા મગને બાફીને શાક પણ બનાવવામાં આવે છે. મગના પૌષ્ટિક લાડુ પણ બનાવવામાં આવે છે અને શિયાળામાં તેનું સેવન કરાય છે. આયુર્વેદમાં મગની ખૂબ જ પ્રશંસા કરવામાં આવેલી છે. મૃદ્દગ, બલાઢ્ય, મંગલ્ય, હારિત, શારદ, પિત્ત, પ્રચેત, બલાક અને માધવ એ મગનાં સંસ્કૃત નામો છે.