ઓખાહરણ-કડવું-૯૨
તારા બાપનો બાપ તેડાવ, છોગાળા દોરડો નવ છૂટે;
તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે.
તારી રૂક્ષ્મણી માત તેડાવ, છબીલા નવ છૂટે;
બ્રહ્માએ વાળી ગાંઠ, છબીલા નવ છૂટે
તારો બળભદ્ર કાકો તેડાવ, છબીલા નવ છૂટે;
તારી રેવતી કાકી તેડાવ, છબીલા નવ છૂટે
તેની રુદ્રે બાંધી ગાંઠ, છબીલા નવ છૂટે
તારો બાણાસુર તાત તેડાવ, હો લાડી.
તારી બાણમતી માત તેડાવ, હો લાડી.
તારો શંકર તાત તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે.
તારી પારવતી માત તેડાવ હો લાડી.
તારો ગણપતિ ભ્રાત તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે.
તારી શુધ બુધ ભોજાઈ તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે.
તારી ચિત્રલેખા ચોર તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે.
ઓખા છોડે દોરડો ને જાદવ જુવતી ગાય,
બેઠી ગાંઠ તે કેમ છુટી જાય, છબીલી દોરડો કેમ છુટે.