ઓખાહરણ-કડવું-૭૮

ઓખાહરણ-કડવું-૭૮    (રાગ: સાગર)

એ ભરવાડો એ પીંઢારો, ગોકુળમાં ચારી ગાય;
મારા આપ્યા હાથને, તે છેદીને ક્યાં જાય ?)

બડબડતા ગણેશ ચાલ્યા, ઉંદરડે અસવાર;
મોર ઉપર સ્વામી કારતિક, ચાલ્યા શંકરના કુમાર.

સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય;
સેના બહુ ભેળી કરી, કહું તેહ તણો મહિમાય.
ડાકણ શાકણ ભૂત પ્રેત, પિશાચ વંતર માત્ર;
દડુક ચાલે ભૂતડાં, જેનાં હાલ્લાં સરખાં ગાત્ર.

હરિ જઈ કૃતવર્માને કહે છે, મહાદેવને સમજાવો;
આ શું ઉપરાણું કરી, જોગીડો વઢવા આવ્યો.

શંકર મુખેથી બોલ્યા; આવી લાગી ઝાળ;
સન્મુખ આવી ઊભા રહી, માંહે ભાંડે ગાળ.
હે કાળા અરજુનના સાળા, ભર્યા ઉચાળા જેહ;
મધ્યરાતે મથુરાથી નાઠો, ગયો વિસરી તેહ.

મારી માસી પુતના ને, દહીંના લીધાં દાણ;
મોસાળનું છેદન કરીને, થઈ બેઠો રાજન.

તું આહિરડામાં અવતર્યો, નથી વાત મારી અજાણી;
ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને, બોલ્યા સારંગપાણી.

મડે મસાણે ફરતો હિંડે, રાખ ચોળે અંગ;
આક ભાંગ ધંતુરો ચાવે, નફટ તારા ઢંગ.

ડાકણ શાકણ ભૂત પ્રેત, નીચે સપરો જોડો;
બળદ ઉપર ભાર કર્યો, તારા ઘરમાં ન મળે ઘોડો.

રાત દહાડો બાવો થઈ ફરતો, તારા ઘરમાં રોતી નારી;
ત્યારે કૃષ્ણ પ્રત્યે કોપ કરીને, બોલ્યા છે ત્રિપુરારિ.
અલ્યા છોકરીઓમાં છાશ પીતો, મરદ મટી થયો મહિયારી;
જગતમાં એવું કહેવાયું, જે કાનુડે કાંચળી પહેરી.

પરનારી શું ક્રીડા કરતો, કહેવાયો વ્યભિચારી;
ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને, બોલ્યા દેવમોરારી.

ભગવાને કહે હું વ્યભિચારી, મુને બધા વિશ્વે જોયો;
તું એવો સાધુ હતો, ત્યારે ભીલડીશું કેમ મોહ્યો?

વચન એવું સાંભળીને, કોપીઆ શિવરાય;
કડાક દઈને ત્રિશુળ માર્યું, થનાર હોય તે થાય.

ત્યારે શ્રીકૃષ્ણે મૂક્યું સુદર્શન, આવ્યા ચપટ ધાય;
માંહે માંહે યુદ્ધ કરે છે, બળ કહ્યું નવ જાય.

ગણપતિ ને કુંવર પ્રદ્યુમન; વઢતા બંને કુમાર;
વસુમાન ને બટુક ભૈરવ, કરતા મારામાર.

વીરભદ્ર ને બળરામ સામા; યુદ્ધ કરે માંહેમાંહે;
શિવ ને શામળિયો વઢે; ત્યાં જોવા સરખું થાયે.

કાળભૈરવ કપાળભૈરવ, તૈક્ષણભૈરવ સાર;
સંહારભૈરવ ક્રોધભૈરવ, દંભભૈરવનો સાથ.

ઉગ્રસેન વીરસેન, બે જોદ્ધા કહેવાય;
આપ આપના ભીરુ લઈ નેં, યુદ્ધ કરે રણમાંય

ભૂત પ્રેત પિશાચ વંતર, ડાકણ વળગે ચૂસે;
અવળા પગે જેને ચુડેલ કહીએ, રુધિર સહુનું ચૂસે.

કૃષ્ણ કેરા મારના ભાલા, વાગે ભચોભચ;
તલવારોની ધારોએ, કોનાં નાક વાઢ્યાં ટચ.

કોઈને અધમુવા કીધા, હાથ તણી લપડાકે;
કોઈને માર્યા પાટુ પાની, ભોંગળને ભડાકે.
જાદવ કેરા મારથી, બહુ ઝોળીએ ઘાલ્યા જાય;
કોને રણમાં રોળીએ, તેની થરથર ધ્રુજે કાય.

પરીઘ ત્રિશુળ તંબુર ફરશી, નાળ છૂટે સરસરાટ;
ગડગડતા ગોળા પડે, થાય બહુ ખડખડાટ.

અસ્થિ ચર્મ ને માંસની બે, પાળ બંધન થઈ;
સાગર શું સંગમ મળ્યો, એમ રક્ત જ કેરી સરિતા વહી.

પાંડુરોગને હૈયે હોળી, ભગંદર કેરી જાત;
હરસ નારું ને પાઠું કરીએ, કરણ તુલ્ય સનેપાત.

રોગતણો માર બહુ દેખી, જાદવ નાસી જાય;
રોગના વરસાદથી કોઈથી; ઊભું નવ રહેવાય.

રોગના વરસાદથી, ચઢી હરિને રીસ;
તાવની ટોળી બાંધીને, છેદવા માંડ્યા શીશ.

તાવ વાણી બોલીઆ, રહેવાને આપો ઠામ;
તમે મુજને પેદા કરીને, ક્યાં મારો ભગવાન ?

પાપી તમે મૃત્યુલોકના, માનવીના લ્યો પ્રાણ;
તાવ કહે આ કથા સાંભળે, હરિહર કેરું જ્ઞાન.

મહારાજ ત્યાં અમે નહિ જઈએ, સાંભળો અશરણશરણ;
ચૈતર માસમાં સાંભળે, જે કોઈ ઓખાહરણ.

તેનાં સ્વપ્નાંતરમાં જાશો, તો છેદી નાખીશ શીશ;
તાવની વાણી સાંભળીને, બોલ્યા શ્રી જગદીશ.

ઓખાહરણ ન સાંભળે, મન ભાવ કરીને જેહ;
તેને પીડે મારી નાખું, એમાં નહિ સંદેહ.

તાવ કહે એકવાર સાંભળે, તે વરસમાં ન જાવું;
બે વાર સાંભળે તેને, દીઠેથી નાસી જાઉં.

ત્રણવાર જે સાંભળે, તમારું જે જ્ઞાન;
તેને જન્મારે નવ પીડું, તમે સાંભળો ભગવાન.

ઓખાહરણ જે સાંભળે, તેનું ન લઈએ નામ;
કોલ દઈને સંચર્યો, ગયો કૈલાસ ધામ.

શુકદેવ કહે પરીક્ષિતને, તમે સાંભળો કહું રાય;
વળતી ભાથા ભીડીઆ, કૈલાસ કેરે રાય.

શસ્ત્ર એવાં કહાડીઆં, તેનો કોઈ ન પામે પાર;
ઇશને જગદીશ વઢતાં, કોઈ ન પામે હાર.

વજ્રાસ્ત્ર ત્યાં મેલિયું, પોતે શ્રી ત્રિપુરાર;
ત્યારે મોહાસ્ત્ર મેલિયું, સામા રહી દેવ મુરાર.

નાગાસ્ત્ર ત્યાં મેલિયું, સામા રહી ઉમિયાઇશ;
ગરુડાશસ્ત્ર ત્યાં મેલિયું, પોતે શ્રી જગદીશ.

પર્વતાસ્ત્ર ત્યાં મેલિયું, સામા રહી શિવરાય;
ત્યારે વાવાસ્ત્ર ત્યાં મેલિયું, તેનું જોર કહ્યું નવ જાય.

સુદર્શન ત્યાં કહાડિયું, ક્રોધ કરી જગદીશ;
ત્યારે ત્રિશુલને લઈ, રહ્યા પોતે ઉમિયાઇશ.

એકે લીધો પોઠિયો ને, એકે લીધો ગરુડ;
ત્રિશુળને સુદર્શન વળગ્યાં, તે આવ્યાં કડાઝુડ.

તેમાંથી અગ્નિ વરસે, તે બ્રહ્માંડ પ્રલય થાય,
શેષનાગ સળકવા લાગ્યા, ભાર ન ખમે ધરાય.

બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને, તમે સાંભળો મારા નાથ,
શિવ ને શામિળિયો વઢે, નારદે કીધો ઉત્પાત.

રાડ જઈને ચૂકવો, તેમાંથી થાય કલ્યાણ;
હંસે ચઢીને બ્રહ્માજી આવ્યા, વિચારીને જ્ઞાન.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors