ઓખાનું ચિત્રાત્મક વર્ણન
ઓખાહરણ-કડવું-૨૧ (રાગ-સામેરી)
ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે,
ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે;
ઓખા તું ચાલે હંસની ચાલ રે,
ચોળીને રંગે ચુંદડી રે.
ઓખા તારે બાંયે બાજુબંધ રે,
ઓખા તારું મુખડું પુનમ ચંદ રે;
ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે,
ઓખા તારે કસબી કોરે સાળુડો રે.
ઓખા તારા શોભીતા શણગાર રે,
ઓખા તારા તેજ તણો નહિ પાર રે;
ઓખા તને વર્ષ થયાં દસ-બાર રે;
ઓખા તારે પાવલે નેપુર વાજતા રે.