ઓખાને ચિત્રલેખા મંદિર માળિયામાં
ઓખાહરણ-કડવું-૧૭ (રાગ-સાખી)
ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માગે શીખ;
ને ઘેર પુત્રી લાડકવાયી, તેનાં મા બાપ માગે ભીખ.
બાળે અગ્નિ બધું વન દહે, છળવડે પર્વત કોરાય;
જો અબળા રૂઠી જે કરે, મણિધરે નવ કરાય.
મણિધર નારી ને ઋષિકુળ,નદી નૃપ ને કમલા,
એટલા અંત ન લીજીએ, જો ઇચ્છીએ કુશળક્ષેમ;
(રાગ:ઢાળ)
નગર થકી એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર;
ગોખ બારી ને અટારી, તેનો કહેતાં ન આવે પાર.
મરકત મણિમોતીએ જડ્યાં, માંહે પીરોજાના પાટ;
હયશાળા ગજશાળા જે, હીંચવા હીંડોળાખાટ.
દિવસ માસ ને વરસ ગયાં, કન્યા મોટી થાય;
ચિત્રલેખા સંગે રમતાં, ઉલટ અંગ ન માય.
સવાલાખ જોદ્ધા રખવાળે, મેલ્યા છે રાજન;
એમ કહેતાં ઓખાબાઈ ને, આવ્યું છે જોબન.
તમે રાત્રે જાગો, દિવસે જાગો, નવ મીચો લોચન રે;
ઓખા કેરા માળિયામાં, રખે સંચરે પવન રે.
શોણિતપુર પાટણ ભલુ,રાય બાણાસુરનું નામ;
ઓખા એની પુત્રી કહીએ,કરતી ઉત્ત્મ કામ.
ધડી ઓકમાં લાવે સોગઠાં,ધડી એકમાં પાટ;
નાના વિધની રમત રમે,ધડી એક હીડોળ ખાટ.
ધડ એકમાં ઢીગલી પોતિયા,રમતની હોડાહોડ;
હીડોળે હિંચવાને કાજે,રેશમ કેરી દોર.
ધમ ધમ ધુધરા ગાજે,ધુધરડીનો ધોર;
નાના વિધનું ગાણૂં ગાતાં,મધુર નીકળે શોર,
રમે જમે આનંદ કરે,પહેલા મંગલ ગાય રે;
જોવનવંતી થઈ છે ઓખા,મંદિર માળિયા માંયરે.