ઐતિહાસિક ગુજરાતી પાત્ર- રાજા સિદ્ધ્રારાજ જયસિંહ

રાજા સિદ્ધ્રારાજ જયસિંહ ગુજરાતના પ્રતાપી રાજાઓમાંના એક છે.સિદ્ધરાજ જયસિંહ ગુજરાતના તમામ ઐતિહાસીક રાજાઓમાં સૌથી વધુ મહત્વ ધરાવતો રાજા છે. સોલંકી વંશના કર્ણદેવનો પુત્ર અને ભીમદેવનો તે પૌત્ર હતો. તેણે ગુજરાત રાજ્ય પર ૧૦૯૪ થી શરુ કરીને ૪૭ વર્ષ સુધી રાજ્ય કર્યુ હતુ. અણહીલવાડ પાટણ તેની રાજધાની હતી.
ઇ.સ. ૧૦૯૪માં ૧૩ વર્ષની નાની ઉંમરે પિતા કર્ણદેવનું બિમારીના લીધે મૃત્યુ થવાથી, સિદ્ધરાજ ગુજરાતની ગાદી પર આવ્યો. મહમદ ગઝની ના ગુજરાત પરના આક્રમણને હજુ ભૂલાયું ન હતુ અને ગુજરાતની ત્યારના શક્તિશાળી રાજ્ય માળવા (અવંતી) સાથે દુશ્મની પ્રખ્યાત હતી. વળી ગુજરાતમાં જ જુનાગઢના રાજવી રા\’નવઘણે કર્ણદેવના મૃત્યુ પછી ગુજરાત સામે સ્વતંત્રતા ઘોષિત કરી હતી. આવા પ્રતિકૂળ સમયમાં તેણે રાજ્ય કારભાર સંભાળ્યો.
સિદ્ધરાજ જયસિંહનો કાર્યકાળ ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે. તેની ફેલાના રાજવીઓ મુળરાજ, ભીમદેવ, કર્ણદેવ વગેરે ચક્રવતી ન થયા. પણ સિદ્ધરાજે તે પદ મેળવ્યું હતું. તેની આ સિધ્ધિમાં તેનાં મંત્રીઓ મુંજાલ મહેતા, દાદક, મહાદેવ, શાંતનુ વગેરે એ ખુબ મોટો ભાગ ભજવ્યો હતો. આ ઉપરાંત તેના કાકાના દિકરા ત્રિભુવનપાળ, સેનાપતી કેશવ તેનાં રાજ્યસત્તાના અણનમ સ્તંભ હતાં. તેનાં ઉછેરમાં તેની માતા મીનળદેવીનો ખુબ મોટો ભાગ હતો.
સિદ્ધરાજ પ્રજાવત્સલ રાજા હતો. તેને ગુજરાતની પ્રજાને વીર વિક્રમની રાજ્યવ્યવસ્થાનું દર્શન કરાવ્યું હતું. મધરાતે વેશબદલી નગરછર્યા જોવા જવું, નિષ્પક્ષ ન્યાય આપવો જેવાં કૃત્યોએ તેને દંતકથાનું પાત્ર બનાવી દીધેલ છે.
તેની લશ્કરી કારર્કિર્દીનો પ્રારંભ થયો બર્બરકને હરાવીને. દંતકથામાં બાબરાભૂત તરીકે ઓળખાતા ઉત્તર ગુજરાત નજીકના આદિવાસી રાજા બર્બરકને હરાવી તેણૅ બર્બરકજષ્ણુનુ બિરુદ હાંસલ કર્યુ. એટલુ જ નહી, આ બર્બરક જયસિંહના જમણાં હાથની ફરજ સારીને તેને અનેક પ્રસંગે મદદરૂપ થયો હતો.આ ઉપરાંત લોકોના મતે દૈત્ય મનાતા બરબરકને વશ કરવા બદલ લોકો જયસિંહ પાસે કોઇ દૈવી શક્તિ હોવાનું માનવા લાગ્યા હતાં. આજે પણ રાજા જયસિંહ તેના મૂળ નામ કરતાં સિદ્ધરાજના નામે જ વધુ પ્રખ્યાત છે. સિદ્ધરાજ અને બાબરાની જોડી ઇતિહાસમાં પ્રખ્યાત વિક્રમ-વેતાલની જોડી સમાન ગણાય છે.
જુનાગઢના રા\’ નવઘણના અવસાન બાદ ગાદી પર આવેલા રા\’ખેંગારે પાટણ સામે બંડ પોકાર્યુ. એટલુ જ નહીં, જ્યારે સિદ્ધરાજ યાત્રા પર હતો ત્યારે પાટણના કિલ્લાનો દરવાજો તોડી ભાગી જવાનુ દુસાહસ કર્યું. એની સજારૂપે સિદ્ધરાજે જૂનાગઢ સામે યુધ્ધ જાહેર કર્યુ. જો કે જૂનાગઢનો કિલ્લો જીતવો મુશકેલ હતો. પણ રા\’ના જ ભાણેજે ગદ્દારી કરતાં, સોલંકી સૈન્ય કિલ્લામાં દગાથી પ્રવેશ્યુ અને જૂનાગઢ સર કર્યું. આ યુદ્ધમાં સિધ્ધરાજે રા\’ખેંગારને જીવતો પકડ્યો હતો. (આ બાબત પર એક દંતકથા બહુ જ પ્રચલીત છે કે ખેંગાર સિદ્ધરાજની પ્રેમિકા રાણકદેવીને ઉઠાવી નાસી ગયો હતો અને તેનુ વેર વાળવા સિદ્ધરાજે જૂનાગઢ ભાંદ્યુ, તેમજ રા\’ અને તેનાં નાના નાના બે પુત્રોનો વધ કર્યો. એટલુ જ નહીં ખેંગારની પત્ની બની ગયેલી પોતાની પ્રેમિકા રાણકને પોતાની સાથે લગ્ન કરવા બળજબરી પણ કરી. આખરે રાણક વઢવાણ પાસે સતી થઇ. જો કે આ માત્ર દંતકથા જ છે. તેને કોઇ ઐતિહાસિક પ્રમાણ મળ્યું નથી. પણ સૌરાષ્ટ્રમા તે બહુ જ પ્રચલીત છે. તે કદાચ સિદ્ધરાજે સૌરાષ્ટ્રના રાજવીને હરાવ્યો તેથી સિદ્ધરાજનુ ચારિત્ર્યખંડન કરી હલકો ચિતરવાનો પ્રયાસ હોય.)
આ ઉપરાંત સિદ્ધરાજે લાટ (હાલનું દક્ષિણ ગુજરાત) સાથે વિગ્રહ ખેલી તે તરફની કનડગતનો કાયમ માટે અંત આણ્યો હતો. સિદ્ધરાજે કોંકણના રાજાને પણ યુદ્ધમાં હાર આપી પોતાનો સામંત બનાવ્યો હતો. ઉત્તરમાં અર્બુદામંડળ (આબુ), નડૂલ વગેરેને કાયમ માટે ગુજરાતમાં ભેળ્વી દીધા હતાં. ઉપરાંત શાકંભરી (સાંભાર કે અજમેર)ના અર્ણોરાજને પણ પોતાના તાબા હેઠળ લાવ્યો હતો. પોતાની પુત્રી કાંચનદેવીના લગ્ન તેની સાથે કરાવી પોતાનો જમાઇ બનાવ્યો હતો. (આ કાંચનદેવી નો પુત્ર તે સોમેશ્વર કે જેણે ગુજરાતની મદદથી રાજગાદી મેળવી હતી. અને આ સોમેશ્વરનો પુત્ર એટલે ભારતપ્રસિદ્ધ પૃથ્વીરાજ ચૌહાણ. આમ પૃથ્વીરાજ સિદ્ધરાજનો પ્રપૌત્ર થાય.)
સિદ્ધરાજનો ઇતિહાસ પ્રસિદ્ધવિજય એટલે માળવાવિજય. વર્ષોથી પાટણના વેરી માળવાને તેણે સજ્જડ હાર આપી હતી. એટલું જ નહીં અવંતી(માળવાનું બીજું નામ)ના રાજા યશોવર્માને કાષ્ટના પિંજરમાં બેસાડી સમગ્ર પાટણશહેરમાં ફેરવ્યો હતો. અને તેને પદભ્રષ્ટ કરી પોતાના વિષ્વાસુ મહાદેવ મંત્રીને અવંતીનો દંડનાયક નિમ્યો હતો. અહીંયા એ બાબત ધ્યાનમાં લેવાં જેવી છે કે પરાજીત રાજાને પોતાનો સામંત બનાવી તેને ફરી રાજ આપવાની પરંપરાનો સિદ્ધરાજે અંત આણ્યો હતો. આમ તેનો રાજ્ય વિસ્તાર ઉત્તરમાં સાંભાર સુધી, દક્ષિણમાં કોંકણ, પૂર્વમાં અવંતી અને પશ્ચિમમાં સિંધ સુધી હતો. જો કે બુંદેલખંડના રાજા સાથેના યુધ્ધમાં તેનો પરાજય પણ થયો હતો. પણ તેનૉ કોઇ અસર તેનાં રાજ્ય પર પડી ન હતી.
સિદ્ધરાજ એક પ્રજાવત્સલ રાજા હતો. લોકોના દુઃખને જાણવા મધ્યરાત્રીએ વેશપલટો કરીને નગરચર્યા કરતાં હતાં. સિદ્ધપુરના રુઢ્રમાળનું પણ તેણે જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. પાટણમાં સહર્ત્રલીંગ તળાવ બંધાવ્યું. તેના ન્યાયની ખ્યાતી દૂરદૂર સુધી હતી. પોતાની માતાના એક શબ્દે સોમનાથની યાત્રા પરના વેરાને દૂર કરી ૭૨ લાખ જેટલી આવક જતી કરી હતી.
સિદ્ધરાજ સાહિત્યનો પણ શોખીન હતો. અનેક વિદ્વાનોને તેણે રાજ્યાશ્ર્ય આપ્યો હતો. અવંતીને હરાવીને તેની વિદ્વતાને ગુજારત તરફવાળિ છે. તેના સમયમાં થઇ ગયેલા મુનિ હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજની જ પ્રેરણાથી ગુજરાતી વ્યાકરણના નિયમોની રચના કરી. તેમના ગ્રંથ \’સિદ્ધહેમશબ્દાનુશાશન\’ને પોતાના રાજહસ્તિ પર મુકાવી સમગ્ર શહેરમાં શોભાયાત્રા કાઢી હતી. રાજા અને તેના મંત્રીઓ પગપાળા હતાં. સરસ્વતીની આવી પૂજા કે જે ગુજરાતે કરી તે ભૂતકાળમાં કોઇએ કરી ન હતી કે ભવિષ્યમાં કોઇ કરી શકશે.
જો કે આટલી બધી સિદ્ધિ હોવા છતાં, સિદ્ધરાજ અપુત્ર હતો. સંતાનમાં એક પુત્રી જ હતી, કાંચનદેવી. આથી તેના ઉત્તરાદિકારીની ચિંતા હમેશા તેને સતાતવતી હતી. આ ઉપરાંત તેને એક પ્રપન્ન પુત્ર નિલકદેવ હોવાની પણ માન્યતા છે. સિદ્ધરાજ અપુત્ર અવસ્થામાં જ મૃત્યુ પામ્યો, ત્યારે પણ તેના ઉત્તરાધિકારીનો પ્રશ્ન ઉકેલાયો ન હતો. આથી તેની પાદુકાને રાજસિંહાસન પરમુકી ૧૩દિવસ રાજ્ય ચલાવવામાં આવ્યું. તેના રાજ્યના વારસદારોમાં તેનો પ્રપન્નપુત્ર તિલકરાજ, દોહિત્ર સોમેશ્વર, ભત્રીજા મહિપાલ, કુમારપાળ વગેરે હતાં. આ સહુને પાછળ રાખી જૈનસમાજના આગેવાનોની મદદ મેળવી કુમારપાળે રાજ્યસત્ત ગ્રહણ કરી હતી. આ ઈતિહાસ ને માન આપે છેઃ દૉલતસિંહ જીલુભા સૉલંકી

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors