એકાદશ અધ્યાય: વિશ્વરૂપદર્શનયોગ શ્ર્લોક નં ૪૫ થી ૫૫
અદૃષ્ટપૂર્વં હૃષિતોસ્મિ દૃષ્ટ્વા ભયેન ચ પ્રવ્યથિતં મનો મે।
તદેવ મે દર્શય દેવ રૂપં પ્રસીદ દેવેશ જગન્નિવાસ।।૪૫।।
ગુજરાતી ભાંષાન્તર ઃ મારા માટે અભૂતપૂર્વ એવા આપનાં આ વિશ્વરૂપનાં દર્શન કરીને હું આનંદવિભોર થયો છું, પરંતુ તેની સાથે સાથે મારું મન ભયથી વિચલિત પણ થયું છે. હે દેવેશ, હે જગદાધાર આપ મારી ઉપર પ્રસન્ન થાઓ અને મને પુરુષોત્તમ પરમેશ્વર રૂપે આપનાં ભગ્વત્સ્વરૂપનાં પુન: દર્શન આપો. ||૪૫||
કિરીટિનં ગદિનં ચક્રહસ્ત- મિચ્છામિ ત્વાં દ્રષ્ટુમહં તથૈવ।
તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે।।૪૬।।
ગુજરાતી ભાંષાન્તર ઃ હે વિશ્વરૂપ, હે હજાર ભુજાઓવાળા પ્રભુ, હું આપના મુકુટધારી ચતુર્ભુજ સ્વરૂપનાં દર્શન કરવા ઈચ્છું છું કે જેમાં આપ મસ્તકે મુકુટ અને આપની ભુજામાં શંખ, ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરો છો. તે જ રૂપનાં દર્શન કરવાની મને અભિલાષા છે. ||૪૬||
શ્રી ભગવાનુવાચ
મયા પ્રસન્નેન તવાર્જુનેદં રૂપં પરં દર્શિતમાત્મયોગાત્।
તેજોમયં વિશ્વમનન્તમાદ્યં યન્મે ત્વદન્યેન ન દૃષ્ટપૂર્વમ્।।૪૭।।
ગુજરાતી ભાંષાન્તર ઃ પરમેશ્વર બોલ્યા : મેં પ્રસન્ન થઈને, મારી અંતરંગ શક્તિ દ્વારા તને આ ભૌતિક જગતમાં મારા આ પરમ વિશ્વરૂપનાં દર્શન કરાવ્યાં છે, આની પૂર્વે અન્ય કોઈએ આ અનંત તથા દેદીપ્યમાન તેજોમય આદ્ય રૂપને ક્યારેય જોયું નથી. ||૪૭||
ન વેદયજ્ઞાધ્યયનૈર્ન દાનૈ- ર્ન ચ ક્રિયાભિર્ન તપોભિરુગ્રૈઃ।
એવંરૂપઃ શક્ય અહં નૃલોકે દ્રષ્ટું ત્વદન્યેન કુરુપ્રવીર।।૪૮।।
ગુજરાતી ભાંષાન્તર ઃ હે કુરુવીર શ્રેષ્ઠ, તારાથી પૂર્વે મારા આ વિશ્વરૂપને કોઈએ કદી જોયું નથી, કારણ કે આ ભૌતિક જગતમાં મારાં આ રૂપનું દર્શન ન તો વેદાધ્યયનથી કે ન તો યજ્ઞ કરવાથી કે ન તો દાનથી કે સત્કર્મ કરવાથી અથવા ન તો કઠોર તપ કરવાથી પણ થઇ શકે છે. ||૪૮||
મા તે વ્યથા મા ચ વિમૂઢભાવો દૃષ્ટ્વા રૂપં ઘોરમીદૃઙ્મમેદમ્।
વ્યપેતભીઃ પ્રીતમનાઃ પુનસ્ત્વં તદેવ મે રૂપમિદં પ્રપશ્ય।।૪૯।।
ગુજરાતી ભાંષાન્તર ઃ તું મારા આ ભયાનક રૂપને જોઇને અત્યંત વ્યથિત થયો છે તથા મૂંઝાઈ ગયો છે. હવે તે ભલે સમાપ્ત થાય. હે મારા ભક્ત, સર્વ વ્યથામાંથી તું મુક્ત થા. હવે તું શાંત મનથી, તને ગમતા મારાં સ્વરૂપનું દર્શન કરી શકે છે. ||૪૯||
સઞ્જય ઉવાચ
ઇત્યર્જુનં વાસુદેવસ્તથોક્ત્વા સ્વકં રૂપં દર્શયામાસ ભૂયઃ।
આશ્વાસયામાસ ચ ભીતમેનં ભૂત્વા પુનઃ સૌમ્યવપુર્મહાત્મા।।૫૦।।
ગુજરાતી ભાંષાન્તર ઃ સંજયે ધ્રુતરાષ્ટ્રને કહ્યું : અર્જુનને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણએ તેમનું સાચું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું, અને છેવટે પોતાનું દ્વિભુજ રૂપ દર્શાવી ભયત્રસ્ત અર્જુનને ઉત્સાહિત કર્યો. ||૫૦||
અર્જુન ઉવાચ
દૃષ્ટ્વેદં માનુષં રૂપં તવસૌમ્યં જનાર્દન।
ઇદાનીમસ્મિ સંવૃત્તઃ સચેતાઃ પ્રકૃતિં ગતઃ।।૫૧।।
ગુજરાતી ભાંષાન્તર ઃ જ્યારે અર્જુનને ભગવાન કૃષ્ણનું તેમના મૂળ રૂપમાં દર્શન થયું, ત્યારે તેણે કહ્યું : હે જનાર્દન, આપનું આ અત્યંત સુંદર, મનુષ્ય સમાન રૂપનું દર્શન કરીને હવે હું સ્વસ્થ ચિત્તવાળો થયો છું, અને મારી મૂળ પ્રકૃતિ મેં પુન:પ્રાપ્ત કરી છે. ||૫૧||
શ્રી ભગવાનુવાચ
સુદુર્દર્શમિદં રૂપં દૃષ્ટવાનસિ યન્મમ।
દેવા અપ્યસ્ય રૂપસ્ય નિત્યં દર્શનકાઙ્ક્ષિણઃ।।૫૨।।
ગુજરાતી ભાંષાન્તર ઃ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું : હે અર્જુન, તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે તેનાં દર્શન અતિ દુર્લભ છે. દેવો પણ આ અતિ પ્રિય રૂપનાં દર્શન કરવાનો અવસર સદૈવ શોધતા રહે છે. ||૫૨||
નાહં વેદૈર્ન તપસા ન દાનેન ન ચેજ્યયા।
શક્ય એવંવિધો દ્રષ્ટું દૃષ્ટવાનસિ માં યથા।।૫૩।।
ગુજરાતી ભાંષાન્તર ઃ તું દિવ્ય દ્રષ્ટિથી મારાં જે રૂપનાં દર્શન કરી રહ્યો છે, તે માત્ર વેદાધ્યયનથી કે કઠોર તપ કરવાથી કે દાનથી અથવા પૂજા દ્વારા પણ પામી શકાતું નથી. આ બધા ઉપાયો દ્વારા મનુષ્ય મને મારા મૂળ રૂપમાં જોઈ શકતો નથી. ||૫૩||
ભક્ત્યા ત્વનન્યયા શક્યમહમેવંવિધોર્જુન।
જ્ઞાતું દૃષ્ટું ચ તત્ત્વેન પ્રવેષ્ટું ચ પરંતપ।।૫૪।।
ગુજરાતી ભાંષાન્તર ઃ હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે કે જે રૂપમાં હું તારી સામે ઉભો છું અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. કેવળ આ જ રીતે, તું મારા વિષેના જ્ઞાનનાં રહસ્યોને પામી શકીશ. ||૫૪||
મત્કર્મકૃન્મત્પરમો મદ્ભક્તઃ સઙ્ગવર્જિતઃ।
નિર્વૈરઃ સર્વભૂતેષુ યઃ સ મામેતિ પાણ્ડવ।।૫૫।।
ગુજરાતી ભાંષાન્તર ઃ હે પ્રિય અર્જુન, સકામ કર્મ તથા માનસિક તર્કવિતર્કના સંસર્ગદોષથી રહિત થઈને જે મારી શુદ્ધ ભક્તિમાં પારાયણ રહે છે, જે મારે માટે જ કર્મ કરે છે, જે મને જીવનનું પરમ ધ્યેય માને છે અને જે જીવમાત્ર પ્રતિ મૈત્રીભાવ રાખે છે, તે નક્કી મને પામે છે. ||૫૫||
અધ્યાય અગિયારમો સંપૂર્ણ.