જે ધનવાન બનવાના ત્રીજા સ્ટેપની વાત કરવાની છે: ‘જે જોઇએ છે, તેનો જ વિચાર કરો.’ આકર્ષણનાં નિયમ મુજબ એક વિચાર એના જેવા બીજા અસંખ્ય વિચારોની શ્રંખલાને ખેંચી લાવે છે. જે બાબતનાં આપણે વધુ વિચાર કરીએ છીએ એને આપણે જાણ્યે-અજાણ્યે વધુ ઊર્જા આપીએ છીએ, એનર્જી આપીએ છીએ અને આપણે જેને એનર્જી આપીએ છીએ તે વધે છે, વિસ્તરે છે.મોટાભાગના લોકોને સૌથી વધુ વિચાર જે બાબત નથી જોઇતી એના જ આવતા હોય છે.
જોઇએ છે સ્વચ્છતા પણ મનમાં વિચાર એવો ચાલતો હોય કે ‘ગંદકી ન હોય તો સારું’. સોદો
સારી રીતે પાર પડે તેવી ઇચ્છા હોય, પણ વિચાર એવો આવતો હોય કે ‘હું છેતરાઇ ન જાઉ તો
સારું.’તંદુરસ્તી જોઇતી હોય પણ વિચાર એવો ચાલતો હોય, ‘વાતાવરણ ખરાબ છે,
માંદા ન પડાય તો સારું.’ બિઝનેસ ધમધોકાર ચાલે તેવી ઇચ્છા હોય પણ વિચાર એવો આવે કે
‘મંદી ન આવે તો સારું’. વર્ષનાં અંતે સારું બોનસ મળે એવી ઇચ્છા હોય પણ વિચાર એવો
આવે કે ‘પગાર ન કપાઇ જાય તો સારું’. ઇચ્છા એવી હોય કે ઇન્વેસ્ટમેન્ટનું શ્રેષ્ઠ
વળતર મળે પણ મનમાં વિચાર એ ચાલતો હોય કે ‘રૂપિયા ફસાઇ ન જાય તો સારું’.
આ
દરેક ઉપવાસમાં ઇચ્છા સારી જ છે પણ એને રજૂ કરતો વિચાર વિપરીત છે. મંદી ન નડે તો
સારું એવો વિચાર કરવાથી વિચારનું ફોકસ ‘મંદી’ પર જાય છે. જે મંદીના બીજા અનેક
વિચારને ખેંચી લાવે છે, મંદીને જબરદસ્ત ઊર્જા મળવા લાગે છે અને મંદી નડવા લાગે છે –
માર્કેટમાં મંદી ન હોય તો પણ એ વ્યક્તિ પૂરતી મંદી જન્મ લે છે. સ્પેશ્યલ મંદી!
વણજોઇતી પરિસ્થિતિમાં વિચારથી બચવું જરૂરી છે અને જે જોઇએ છે તેનાં વિચાર
કરવા જરૂરી છે. વણજોઇતી પરિસ્થિતિના વિચારથી બચવા માટે એટલું ખાસ સમજી લો કે, એ
પરિસ્થિતિ ન ગમતી હોવાં છતાં આપણાં જીવનમાં ઊભી થાય છે એની પાછળ ચોક્કસ કારણો હોય
છે – યોગ્ય કારણો હોય છે.
સૃષ્ટિનાં નિયમોને આધિન જ એ ઘટનાઓ બનતી હોય છે.
દુનિયાની કોઇ જ ઘટના આપણને નુકસાન કરવા માટે નથી બનતી. આપણે જે હજુ સુધી નથી શીખી
શક્યા, તે શીખવવા માટે એ બને છે. હવે જે જોઇએ છે તેનાં જ વિચાર કરવા માટે બે આદત
કેળવો.
આદત-૧ : મનને પ્રશ્નો પૂછો
જો તમને જોબ ન મળતી હોય,
અને એના કારણે બેકારીના અથવા નિરાશાના વિચાર આવ્યા કરતા હોય તો મનને સવાલ પૂછો,
‘કેવી જોબ સારી?’ તમારું મન તરત જ જુદા પ્રકારનાં વિચારમાં પરોવાઇ જશે, અને તમારે
જે જોઇએ છે તેવી જોબના વિચાર બહાર આવવા લાગશે.
જો તમારા વ્યવસાયથી કંટાળી
ગયા હો અને એ વ્યવસાયમાં શી તકલીફો છે એનાં જ વિચાર ચાલ્યા કરતા હોય તો મનને પ્રશ્ન
પૂછો ‘બિઝનેસ કેવો હોય તો મજા આવે?’ જવાબમાં જે વિચાર આવશે તે તમારે જોઇતી
પરિસ્થિતિનાં હશે.
જો આવક ઓછી હોય અને એના કારણે આવનારી તકલીફોનાં વિચાર
મનનો કબજો લઇ લેતા હોય તો મનોમન સવાલ કરો કે ‘મારી વાર્ષિક આવક એકજેટલી કેટલા
રૂપિયાની હોય તો સારું?’ અને મન તમને નવા જ વિચાર આપશે.
ઉપરના તમામ સવાલોના
જવાબ તમારા મનને એવી વસ્તુ, ઘટના કે પરિસ્થિતિના વિચાર કરવા માટે પ્રેરશે કે જે
તમારે જોઇએ છે.
આદત-૨ : મન પાસે હિસાબ માગો
એક વાર મનોમન એવું
ધારી લો કે ‘મારું મન જયારે જોઇતી વસ્તુનો એક વિચાર કરે છે ત્યારે મારા આંતરિક
ખાતામાં ૧૦૦/- રૂપિયાની આવક થાય છે અને જયારે વણજોઇતી વસ્તુનો એક વિચાર કરે ત્યારે
એ ખાતામાંથી ૧૦૦/- રૂપિયાની જાવક થાય છે.’ શાંત ચિત્તે એક વાર આવી ધારણા કરી લો.
પછી દરેક વિચાર વખતે હિસાબ કરવા બેસવાની જરૂર નથી, માત્ર રોજ રાત્રે સૂતી
વખતે મન પાસે હિસાબ માગજો. એને પૂછજો- ‘બોલ આજનું સરવૈયું શું છે? દિવસભર ચાલતા
તમારા દરેક વિચાર સાથે રૂપિયાની આવક-જાવક ચાલુ થઇ જશે. ભલે એ કાલ્પનિક હોય પણ મન
સજાગ થઇ જશે. જે નથી જોઇતું એનો વિચાર ઓટોમેટીક ઓછો થવા લાગશે. (રૂપિયા ગુમાવવા
કોને ગમે!)
આ ખેલની મોટી મજા એ છે કે જયારે જોઇતી વસ્તુનો વિચાર મનમાં
ચાલતો હશે ત્યારે એ વિચાર તો ફાયદો કરશે જ પણ સાથે સાથે આંતરિક બેલેન્સ વધવાનો આનંદ
પણ હશે. વણજોઇતી પરિસ્થિતિને જેટલી ગંભીરતાથી લેવામાં આવે છે એટલી ગંભીરતા જોઇતી
પરિસ્થિતિ પ્રત્યે જો દાખવવામાં આવે તો દરેક વ્યક્તિ પોતાનાં સપના ખૂબ સારી રીતે
સાકાર કરી શકશે.
સોનામહોર : આપણો દરેક વિચાર, આપણી અદ્રશ્ય વાસ્તવિકતા છે.
રાજીવ ભાલાણી