પ્રાચીન કાલથી વિવાહ સંસ્કાર ગૃહ્યસૂત્રોમાં દર્શાવેલા વિધિ-વિધાનો અનુસાર કરવામાં આવતો. આ વિધિવિધાન તત્કાલીન નીરસ કૃષિ પ્રધાન જીવનમાં આનંદ પ્રમોદ માટેનાં મુખ્ય સ્ત્રોત સમાન હતાં. વિવાહની વિધિઓ પણ લાંબા સમય સુધી ત્રણ ચાર દિવસ સુધી ચાલતી. પરંતુ ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ અને પાશ્ર્વાત્ય સંસ્કૃતિની અસરને પરિણામે આધુનિક યુગમાં વિવાહ સંસ્કારમાં કેટલાક પરિવર્તન થયાં છે. આજે અધિકાંશ વિવાહોમાં વિવાહવિધિ એક જ દિવસમાં પૂરો થાય છે. વિવાહના અવસર પર મુખ્ય સંબંધીઓ એકઠાં થાય છે. તેમાં પણ વિભિન્ન પરિવારના પ્રતિનિધિ તરીકે એકાદ બે વ્યકિત ઉપસ્થિત રહે છે. આમ પારિવારિક સંમેલનમાં કેન્દ્રના રૂપમાં વિવાહનું મહત્વ ઘટયું છે. લગ્ન પ્રસંગે હવે સગાસંબંધીઓ ઉપરાંત મિત્રો અને પરિચિતોનું ય મહત્વ સ્થપાયું છે. પરિણામે સત્કારસમારંભ અને ભોજનસમારંભનું મહત્વ પ્રવર્તતાં વિવાહવિધિ ગૌણ બની ગઇ છે ને એ સમયે અતિનિકટના સગાં કે મિત્રો જ હાજરી આપે છે.
હિંદુ વિવાહોમાં કન્યાની માતા પિતાની પ્રતિષ્ઠા ખાતર દહેજ કે પહેરાનણીની પ્રથાનો રિવાજ હતો. દહેજ કન્યાદાનની દક્ષિણા સમજવામાં આવતું. દહેજની વસ્તુઓ પોતાના સસરાની કે પતિની જ મિલકત ગણાતી. આજે દહેજપ્રથા વર-કન્યાની પસંદગીમાં બાધક જણાવાથી તે રદ કરવા માટેના સક્રિય પ્રયાસો સામાજિક કલ્યાણની સંસ્થાઓ દ્વારા થઇ રહ્યા છે. જો કે ઉતર ભારતમાં અને ગુજરાતમાં કયાંક કયાંક બ્રાહ્મણ જ્ઞાતિઓમાં દહેજનો રિવાજ કે પહેરામણીનો રિવાજ ચાલુ છે. \’પલ્લા\’ ના રિવાજમાં \’સ્ત્રીધન\’ ની ભાવના હતી ને તેમાં કન્યાનો માલિકી હક રહેતો. સંકટ સમયે એ સ્ત્રીધન એને ઘણું કામ લાગતું.
વર્તમાન કાલમાં શિક્ષણના પ્રભાવ નીચે હિંદુ યુવક-યુવતીઓના વિવાહવિષયક દ્રષ્ટિકોણમાં મૌલિક પરિવર્તન આવ્યું છે. પ્રાચીન સમયમાં વિવાહને એક પવિત્ર ધાર્મિક સંસ્કાર માનવામાં આવતો. હાલ વિવાહની વૈયકિતમ પાસાને પ્રધાનતા અપાય છે. આજે વિવાહ એ વ્યકિતના વિકાસ અને પૂર્ણતા માટે, જીવનસાથીની પ્રાપ્તી અને સંતાનપ્રાપ્તી માટે, ઉતમ સ્વાસ્થય માટે અને જીવનને આનંદમય બનાવવા આવશ્યક મનાય છે. કવચિત આધુનિક કન્યા કન્યાદાનની વિભાવનાનો વિરોધ કરી વિવાહવિધિનું તે અંગ પડતું મૂકવા આગ્રહ ધરાવે છે. આજે કેટલાંક યુવક-યુવતીઓ સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકતા વિવાહબંધનને અનાવશ્યક સમજે છે. આર્થિક સ્વાતંત્ર્ય જાળવવા અને જનસંખ્યાની વુદ્ઘિને રોકવા વિવાહ નિરર્થક સમજે છે. યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકા જેવા પાશ્ર્વાત્ય દેશોમાં સ્ત્રીઓના સમાન હકની માગણી કરતી સ્ત્રીઓ સ્ત્રીસ્વાતંત્ર્ય પર તરાપ મારતા વૈવાહિક જીવનને વર્જ્ય ગણે છે. ગ્લોરીયા સ્ટાઇનમ જેવી કેટલી અપરિણિત સ્ત્રીઓ અને યુવતીઓ આજે સ્ત્રીસ્વાતંત્ર્યની હિમાયત કરતી Woman\’s Lib નામની સંસ્થા પણ ચલાવે છે.