આગિયા માટે અંગ્રેજીમાં ફાયરફલાય શબ્દ વપરાય છે, પરંતુ તે માખી નથી. બીટલ એટલે કે ઢાલિયાં જીવડાંનો તે પ્રકાર છે. આશરે ૨,૦૦૦ જાતનાં ઢાલિયાં જીવડાંને કુદરતે ‘ટોર્ચ‘ વડે સજ્જ કર્યા છે. તે સૌને આગિયા કહી શકાય. કોઈનો પ્રકાશ કેસરી હોય છે, કોઈનો પીળો, તો કોઈનો લીલો હોય છે. આમ છતાં તેઓ પોતપોતાના ઝબકારા તો લગભગ સરખી રાસાયણિક ક્રિયા વડે જ પેદા કરે છે. શરીરમાં રહેલા લ્યુસિફરિન નામના રસાયણને લ્યુસિફરેઝ નામના કિણ્વ (એન્ઝાઈમ) સાથે ભેળવે એટલે ટચુકડા ફલોરોસન્ટ બલ્વ જેવો પ્રકાશ આપોઆપ જન્મે ! વીજળીનો બલ્બ પ્રકાશ ભેગી ગરમી પણ ખાસ્સી પેદા કરે, પરંતુ આગિયાનો પ્રકાશ એકદમ ઠંડો છે ! કોઈ ટચૂકડી મીણબત્તી ધારો કે આગિયા જેટલું જ અજવાળું ફેલાવતી હોય તો તેની ગરમી આગિયાની ગરમી કરતાં ૮૦,૦૦૦ ગણી વધુ હોય છે ! આશ્ચર્યની બીજી વાત એ કે નર આગિયા હંમેશ ૫.૮ સેકન્ડના ઈન્ટરવલે ઝબકારા કરે છે અને માદા ૨.૧ સેકન્ડના ઇન્ટરવલે ઝબકે છે. આ સમયમાંય કદી ફરક પડે નહિ !