આ આંતરિક સૌંદર્યના પરમતેજે તમે કેવી રીતે પહોંચશો ?
સૌંદર્ય ચામડીમાં નથી હોતું, એ વ્યક્તિના વાણી-વર્તન અને મસ્તિષ્કમાં હોય છે. પણ માણસે ચામડીના સૌંદર્યને જ સર્વસ્વ માની લીધું છે. એના જ કારણે એ જેટલું ધ્યાન પોતાના બાહ્ય સૌંદર્ય પર આપે છે, એટલું આંતરિક સૌંદર્ય પર નથી આપતો. જેનું આંતરવિશ્વ સુંદર હોય એનો ચહેરો-મહોરો આકર્ષક ન હોય તો પણ એ સુંદર લાગે છે.
જેનું આંતરિક તેજસ જાગ્રત થઈ જાય એનું આભામંડળ પણ એટલું જ તેજોમય થઈ જાય અને એ શક્તિ પણ પ્રાપ્ત કરી શકે. આ તેજસ શક્તિને વિકસાવવાના કેટલાંક ઉપાયો છે.
તપ-સાધના :
તપમાં અલૌકિક શક્તિ હોય છે અને એ મનુષ્યના વ્યક્તિત્વને નિખાર આપે છે. એ ફક્ત બીજાને નહીં, જાતને પણ શક્તિ પ્રદાન કરે છે. તપ દ્વારા પેદા થયેલી ઊર્જા જ્યારે આપણો માનસિક તેમ જ આધ્યાત્મિક રીતે વિકાસ કરે છે ત્યારે આપણામાં આંતરિક સૌંદર્ય નિખરે છે. જ્યારે આ આંતરિક સૌંદર્ય પ્રગટ થાય છે ત્યારે જીવન પણ શક્તિથી છલોછલ તેમ જ તેજોમય બન્યું હોય એવી અનુભૂતિ થાય છે.
મંત્રનું લયબદ્ધ ઉચ્ચારણ :
ધ્વનિ-તરંગોમાં સૂક્ષ્મ અને અદ્દભુત શક્તિ છુપાયેલી હોય છે. જ્યારે આપણે કોઈ શબ્દ ઉચ્ચારીએ ત્યારે એની પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ અસર થતી હોય છે. ઉચ્ચારણની લયબદ્ધતા માણસની તેજસ શક્તિમાં વધારો કરે છે. આ તેજસ શક્તિનો વિકાસ જ માણસના આંતરિક સૌંદર્યને જન્મ આપે છે અને એને શક્તિ તેમ જ આનંદનો અનુભવ કરાવે છે.
રંગની અસર :
રંગ આપણી વિચારધારાને બદલી શકે છે. રંગોની હોળી રમતો માણસ જો પોતાના ભાવવિશ્વમાં પણ જુદા જુદા રંગો સાથે રમતાં શીખી જાય તો એનો વ્યવહાર-સ્વભાવ બદલાઈ શકે છે. આપણાં વાણી-વર્તનમાં પણ બદલાવ આવી શકે છે અને આવેગ-આવેશ પર પણ નિયતંત્રણ મેળવી શકાય છે.
સૂર્યસ્નાન :
પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે સૂર્યકિરણોની આવશ્યકતા હોય છે. જો માણસ રોજ સૂર્યસ્નાન કરે તો એ પોતની તેજસ શક્તિને જાગ્રત કરી શકે, એ ઊર્જાશક્તિ પ્રાપ્ત કરી શકે. બીજા શબ્દોમાં કહીએ તો સૂર્યસ્નાન દ્વારા માણસ પોતાની ભીતરની શક્તિઓને જાગ્રૃત કરીને આંતરિક સૌંદર્ય મેળવી શકે છે.
પ્રાણાયામ :
આપણા આંતરિક સૌંદર્યને જાગ્રત કરવાનો એક મહત્વપૂર્ણ માર્ગ છે પ્રાણાયામનો. આ એક એવી સંજીવની છે, જેના દ્વારા તમારા પ્રાણને સંયમિત તથા શિસ્તબદ્ધ રાખી શકો છો. સામાન્યરીતે, પ્રાણાયામ શારીરિક સ્વાસ્થ્યને જાળવી રાખવા ઉપરાંત આપણાં સ્નાયુતંત્રને મજબૂત બનાવે છે અને આંતરિક સૌંદર્ય પણ પ્રગટ કરે છે.