આંખ ઉપર કામનો વધુ પડતો બોજો ન આવે તેમ સંભાળો.ભારે પ્રકાશ કે પૂરતા પ્રકાશ વિના વાંચશો નહીં.રાતના ઉજાગરા, ચાલુ ગાડીએ વાંચવાની ટેવ, ધુમાડિયું વાતાવરણ, મેલાગંદા ટુવાલ કે રૂમાલનો આંખ લુછવામાં ઉપયોગ ન કરવો. વધુ પડતી ફિલ્મો અને ટી. વી. જોવાથી આંખ જરૂર બગડે છે.આંખ જેવા નાજુક અવયવમાં ગમે તેવા સુરમા, બજારૂ કાજલ, મેશ, મોરથુથુ, કેલોમસ – પાટો, સિંદુર વગેરે આંજશો નહીં.આંખની પાંપણ પૂરા પલકારા માર્યા સિવાય એકીટશે કોઈ વસ્તુને જોયા કરવાની ટેવથી પણ આંખો ખરાબ થાય છે.બિનજરૂરી શોખનાં ચશ્માથી પણ આંખો બગડે છે.ધૂળ – કચરો કે કાંકરી પડે તેવું લાગે ત્યારે ગોગલ્સ પહેરવા.લીલોતરી, હરિયાળો પટ જોવાની ટેવ પાડો, આંખનું તેજ ટકશે.નજીકનું વંચાય નહીં કે કાળા પાટિયા ઉપરનું બરાબર દેખાય નહીં તો તરત આંખના ડૉકટરની સલાહ લેવી.વાંચતા લખતા આંખ થાકી જાય ત્યારે થોડી વાર આંખ બંધ કરીને તેને આરામ આપો.આંખને હંમેશા ઠંડા પાણીથી ધોવાની ટેવ પાડો.સૂર્યગ્રહણ સામે જોવાથી ક્યારેક કાયમી દ્રષ્ટિ જતી રહે છે.આંખની બરબાદી અટકાવવા પેટ સાફ આવે તેવી ચીવટ રાખો.હોજરીમાં ગરમી કે ખટાશ વધી જવાથી આંખો ઉઠી આવે છે.આંખમાં દાહ, વેદના સાથે પાણી ટપકતું હોય, આંજણી, ખીલ કે અન્ય ફરિયાદ હોય ત્યારે આંખમાં દવાઓ ઠાલવવાને બદલે પાચનક્રિયા સુધારવા તરફ ખાસ ધ્યાન આપો.લીલા શાક, કચુંબર, ભાજીઓ, મગ, મગની દાળનું ઓસામણ અને ભાત જેવો હળવો ખોરાક લેવો.બને તો એક-બે ઉપવાસ કરવાથી પણ ફાયદો થાય છે.