ગુજરાતી રંગભૂમિ તથા ચલચિત્રની જાણીતી અભિનેત્રી અરૂણા ઈરાની
ગુજરાતી રંગભૂમિ તથા ચલચિત્રની જાણીતી અભિનેત્રી અરૂણા ઈરાની
ગુજરાતી રંગભૂમિ તથા ચલચિત્રની જાણીતી અભિનેત્રી
ફરેદૂન ઈરાની એટલે ઈરાની પરિવારના સભ્ય, ભૂતકાળના લક્ષ્મીકાન્ત નાટક સમાજ તથા દેશી નાટક સમાજના સંચાલક અને વર્ષો સુધી જૂની ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા સદ્દગૃહસ્થ. તેમને ઘેર ઈ. ૧૯૪૮માં પુત્રીજન્મ થાય છે. પુત્રીનું નામ અરુણા રાખવામાં આવે છે. આ અરુણા અભિનયક્ષેત્રે અરુણ સમ પ્રકાશિત બનશે એવો ખ્યાલ તેમના જન્મસમયે કોઈને નહિ હોય.
બાર વર્ષની ઉંમરથી શરૂ કરી અરુણાએ હિંદી ફિલ્મોમાં સહાયક પાત્રો તરીકે અભિનય આપવાનું શરૂ કર્યું જેમાં તેમણે અભિનય આપ્યો છે તેવી ફિલ્મોમાં ‘જવાબ‘ અને ‘ગરમ મસાલો‘ નો સમાવેશ થાય છે. ક્યારેક અરુણાએ ખલનાયિકાની ભૂમિકા પણ ભજવી હતી. હિન્દી ફિલ્મક્ષેત્રે આમ તેમણે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું. ‘બોમ્બે ટુ ગોવા‘ નામની ફિલ્મમાં તેમણે અમિતાભ બચ્ચન સાથે નાયિકાની ભૂમિકા પણ કરી છે.
ઈ. ૧૯૭૩માં આર. કે. ફિલ્મ્સના નેજા હેઠળ તૈયાર કરવામાં આવેલી ‘બૉબી‘ ફિલ્મમાં નાનકડી ભૂમિકામાં પણ અરુણાએ પોતાની અભિનયશક્તિની ખાતરી કરાવી આપી હતી. અરુણામાં સંવેદનશીલ અભિનયની ક્ષમતા છે. જે પાત્રનો અભિનય અદા કરવાનો હોય છે તેની ઊંડી સમજ તે કેળવે છે. અમોલ પાલેકર જેવા ઉત્કૃષ્ટ કલાકાર સાથે \”ટેક્સી ટેકસી\” માં તેમણે ભૂમિકા ભજવી છે. ઓછે ખર્ચે તૈયાર કરેલી આ ફિલ્મમાં અરુણાને ભાગે તો ઘણું ઓછું કામ આવે છે પરંતુ કાળજીપૂર્વક ભૂમિકાને ન્યાય આપી પોતાની અભિનયશક્તિનું દર્શન તેમણે કરાવ્યું છે.
ગુજરાતી ચલચિત્રોના સર્જનને પ્રોત્સાહન મળે એ હેતુથી ગુજરાત સરકારે કરમુક્તિની નીતિ અપનાવી હતી. આ નીતિ અમલી બની નહોતી ત્યારે અને આ યોજના હેઠળ અરુણાએ ગુજરાતી બોલપટોમાં અભિનય આપ્યો હતો અને તે ક્ષેત્રે પણ સુકીર્તિ સંપાદિત કરી હતી. જે ગુજરાતી ફિલ્મોમાં અરુણાએ અભિનયકળા પીરસી છે તેમાંની કેટલીક છે પાનેતર, ગુજરાતણ, વિધિના લેખ, સંતુ રંગીલી, મારી હેલ ઉતારો રાજ, રંગીલી ગુજરાતણ, જોગ સંજોગ, વેરનાં વળામણા તથા કંચન અને ગંગા.
ઈ. ૧૯૭૫માં રૂપેરી પર્દે રજુ થયેલી ‘સંતુ રંગીલી‘માં અરુણાએ સંતુની ભૂમિકા ભજવી હતી. રસ્તે ફૂલ વેચનારી સંતુ એક સંસ્કારી ગુજરાતી સન્નારી બને છે એ હકીકત અરુણાએ અભિનયશક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરી સફળતાપૂર્વક બતાવી આપી હતી. ‘સંતુ રંગીલી‘ની ફિલ્મ જ્યૉર્જ બર્નાર્ડ શૉના ‘ પિગ્મેલિયન‘ નામના નાટક પરથી રૂપાંતરિત થયેલી કથા ધરાવે છે. આમ સહાયક અભિનેત્રી તરીકે કે મુખ્ય નાયિકા તરીકે અનેક ફિલ્મોમાં કામ કરી સારી સંખ્યામાં પારિતોષિકો પણ પ્રાપ્ત કર્યાં છે. રાજ્યકક્ષાએ અપાતું શ્રેષ્ઠ અભિનેત્રીનું પારિતોષિક તેમને મળ્યું હતું. ઈ. ૧૯૮૫માં ગુજરાત રાજ્ય ચલચિત્ર વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી. આ નિગમના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સમાં અરુણાની નિયુક્તિ કરવામાં આવી હતી. અરુણાની ઉંમર ત્યારે કેવળ ૩૮ વર્ષની હતી.
જેમ પિતા ફરેદૂન અભિનયક્ષેત્રે લાંબો સમય સંકળાયેલા રહ્યા હતા તે જ રીતે અરુણાના બે ભાઈઓ ફિરોઝ અને અદી ગુજરાતી અને હિંદી ફિલ્મોમાં અભિનય આપે છે અને કળા-વારસાને જાળવી રાખ્યો છે.