સાબરમતી નદીએ કાંઈ કેટલાય રંગ જોઈ નાખ્યા. અમદાવાદ ઉપર સુલતાન, મોગલો, મરાઠા, અંગ્રેજો વગેરેનું રાજય આવ્યું અને ચાલ્યું પણ ગયું. જયારે અમદાવાદ ઉપર મરાઠાનું શાસન ચાલતું હતું ત્યારે શહેરમાં વારંવાર તોફાનો થતાં ઈ.સ.૧૭૫૫થી ૧૮૧૭ દરમિયાન મરાઠા પેશ્વાના સૂબા અને ગાયકવાડ એમ બે ભાગમાં વહેંચાયેલી મરાઠી સત્તામાં અમદાવાદના લોકોને મોટેભાગે વેઠવાનું જ આવ્યું. જાતજાતના શોખ પૂરા પાડવા મરાઠાઓ પ્રજાને કરવેરા નાખી નાખીને લૂંટતા. શહેરની કોઈ વ્યક્તિ ગુજરી જાય ત્યારે તેની વારસાઈ સંપત્તિ તેના પુત્ર પૌત્રોને મેળવવામાં પુષ્કળ તકલીફ પડતી. તે માટે ત્યારે કર ચૂકવવો પડતો. જેને વારસામાં માત્ર પુત્રીઓ જ હોય તેવા કુંટુંબને પિતાની મિલકત મળતી જ નહીં. પુત્રોને પણ વારસો મેળવવા ખૂબ કષ્ટ વેઠવું પડતું. વાત છે અંગ્રેજોની. તેમણે વડોદરાના ફતે સિંહ ગાયકવાડ સાથે સંધિ કરીને અમદાવાદ પર ચડાઈ કરી. પેશ્વાનો સૂબો હાર્યો. તે ખાનપુર દરવાજેથી નાઠો. તેથી સંધિ મુજબ અમદાવાદનો વહીવટ અંગ્રેજો એ ગાયકવાડને સોંપ્યો ઈ.સ.૧૮૧૨માં ગાયકવાડ અમદાવાદ આવ્યા. તે વખતના શહેરના નગરશેઠ વખતચંદ ખુશાલચંદે પ્રજા વતી ગાયકવાડને વારસાઈ મેળવવામાં પડતી તકલીફોનું વર્ણન કર્યું. બાદશાહ અકબરના દરબારમાં માનવંતુ સ્થાન મેળવનાર શાંતિદાસ ઝવેરી વખતચંદ શેઠના પૂર્વજ થાય. તે રીતે પ્રેમાભાઈ હીમાભાઈ અને તે પછી આવેલા શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ દલપતભાઈ આ વખતચંદ શેઠના વારસદાર થાય. વખતચંદે ગાયકવાડને જે રજૂઆત કરી તેની નોંધ ભદ્રના કિલ્લાથી થોડે દૂર ત્રણ દરવાજામાં માણેકચોક જવાના દરવાજે તકતી મૂકી. જેમાં તેમણે લખાવડાવ્યું કે સંવત ૧૮૬૮ની આસો સુદ પાંચમ એટલે કે ઈ.સ.૧૮૧૨ની ૧૦મી ઓક્ટોબરે કોતરેલી તકતીમાં લખાવડાવ્યું કે, પ્રજાની તકલીફ જોઈ સરકારને દયા આવી તેથી તમણે આજ્ઞા આપી કે જેનાં સંતાનમાં ફક્ત દીકરી હોય તેવા માણસનો વારસો દીકરીના દીકરાને મળે. જો દીકરીને ત્યાં પણ પુત્ર ન હોય તો પિતાનો વારસો કોઈપણ રોકટોક વગર પુત્રીને મળવો જોઈએ. જયાં સુધી સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી આ નિયમ જડબેસલાક પળાય. આ નિયમના પાલન માટે ભગવાન વિશ્વનાથના સોગંદ ખવડાવવા. આ શિલાલેખ દરેક પ્રજાજનને વંચાય તે રીતે મુકાયો. તે વખતે અમદાવાદનો મુખ્ય માર્ગ ભદ્રના કિલ્લાથી ત્રણ દરવાજે થઈ નીકળતો તેથી ત્યાં આરસની તકતી ઉપર ગાયકવાડ સરકારનો હુકમ ૭૯ સે.મી. લાંબી અને ૩૩ સે.મી પહોળી તકતીમાં જડવામાં આવ્યો.