અંબાજી
શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક રૂપે ‘મા’ અંબાજીના દર્શને દેશ-વિદેશમાંથી દર વર્ષે લાખ્ખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. અંબાજી ‘મા’ નું મંદિર ૫૧ શક્તિપીઠમાંની એક શક્તિપીઠ છે. અંબાજી ખાતે ભાદરવી પૂનમ વર્ષનો મોટામાં મોટો ઉત્સવ-મેળાનું આયોજન થાય છે. જે એક સપ્તાહ સુધી ચાલે છે. વર્ષાઋતુ પછીના સમયગાળા દરમિયાન ખેતીકામથી નવરાશના સમયગાળામાં ખેડૂત અને કૃષિ સંબંધિત વ્યાપાર-ધંધા સાથે જોડાયેલો મોટો વર્ગ ‘મા’ અંબાના દર્શને આવે છે.
‘મા’ અંબાજીના મંદિરમાં ‘મા’ ના પ્રાગટ્ય વિશે હજુ કોઇ જાણી શક્યું નથી. ‘મા’ના સ્વરૂપનું મંદિર ગબ્બર પર્વતની ટોચ પર આવેલું છે. પુરાણોની કથા અનુસાર ‘મા’ અંબા પૃથ્વી પરથી વિચરણ કરી ગયા ત્યારે તેમનું સ્વરૂપ વીશાયંત્ર – ત્રિકોણાકાર જેની મધ્યમાં ‘શ્રી’ અને આંગળીઓના પ્રતીકરુપે દશ્યમાન છે. આ સ્વરૂપ લાખો શ્રદ્ધાળુંમાં ‘મા’ પ્રત્યેની શ્રદ્ધા જગાડે છે. અહીં ‘મા’ નું સ્વરૂપ મૂર્તિ સ્વરૂપે નથી. છતાં ‘મા’ પ્રત્યેની શ્રદ્ધા મુજબ તેના ભક્તોને દર્શન આપે છે.
ભાદરવી પૂનમ (સપ્ટે.) ના પર્વ નિમિત્તે વર્ષનો સૌથી મોટો ઉત્સવ યોજાય છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવે છે. ભાદરવી પૂનમના અંબાજી ખાતે યોજાતા મેળામાં અંદાજે ૧૮થી ૨૦ લાખ શ્રદ્ધાળું ‘મા’ ના ભક્તો દર્શનાર્થે આવે છે.
સૌથી નજીકનું હવાઇ મથક અમદાવાદ. અંબાજીથી ૧૭૯ કિ.મી. ના અંતરે
નજીકનું રેલવે મથક પાલનપુર. જે રોડ રસ્તે અંબાજીથી ૯૦ કિ.મી.ના અંતરે
અમદાવાદથી ૧૭૯ કિ.મી.ના અંતરે અંબાજી
અંબાજી મંદિરમાં વર્ષ દરમિયાન ઉજવાતા મહત્વના પ્રસંગો :
કાર્તિક સુદ:
એકમ નવા વર્ષ નિમિત્તે ‘અન્નકૂટ’
નું આયોજન મંદિરના ટ્રસ્ટ દ્વારા કરાય છે.
અશ્વિની નવરાત્રી:
પોષ સુદ પૂનમ:
‘મા’ અંબાજીનો જન્મોત્સવ
ચાચરના ચોકમાં નવ દિવસીય ગરબા તેમજ આઠમે યજ્ઞનું આયોજન
ચૈત્રી નવરાત્રી:
‘જયઅંબે મા’ ની અખંડ ધૂનનું આયોજન ઉપરાંત અંબાજી ખાતે જન્માષ્ટમી, દશેરા અને રથયાત્રા પર્વોની ઉજવણી
શ્રાવણ વદ-૧૩થી અમાસ:
યજ્ઞ, હવન અને અન્નકૂટનું આયોજન આદિવાસી મેળાનું આયોજન
ભાદરવી પૂનમ:
વર્ષનો સૌથી મોટો મેળો ચાર દિવસ માટે
ગુજરાત તથા દેશ-વિદેશમાંથી ‘મા’ ના ભક્તો લાખ્ખોની સંખ્યામાં અંબાજી ખાતે આવે છે. ભાદરવી પૂનમનાં ઉત્સવની ઉજવણીનો લાહવો લેવો એ જીંદગીનો અનેરો અવસર બની રહે છે. ‘બોલ મારી અંબે….જય … જય…. અંબે’ ના જયઘોષ સાથે લાખ્ખોની સંખ્યામાં ભક્તજનો અંબાજી તરફ પગપાળા પ્રવાસ કરે છે. અબીલ-ગુલાલ-કુમકુમ અને પુષ્પોની છોળો વચ્ચે શ્રદ્ધાળુઓ મોટા જૂથમાં ‘મા’ ના દર્શન માટે આવે છે. પોતાની ‘માનતા’ પૂરી કરવા ભક્તો ‘મા’ ને ધજા અર્પણ કરે છે. અંબાજી માતાના મંદિરના પ્રવેશ માટે ત્રિસુલાઘાટ તથા સમગ્ર શહેરમાં ધજા-પતાકા, તોરણ અને રંગબેરંગી કલાત્મક લાઇટોના શણગારથી સમગ્ર વિસ્તાર ભવ્ય અને ભક્તિમય બને છે.
ભાદરવી પૂનમે અંબાજી આવવા માટે રાજ્યના દરેક સ્થળોએથી ભક્તોના નાના-મોટા સંઘો નીકળે છે. આ સંઘોમાં અબાલ-વૃદ્ધ, યુવાન, કિશોર-કિશોરીઓ ઉમંગભેર અને ભક્તિભાવપૂર્વક પગપાળા અંબાજી આવે છે. રસ્તામાં સંઘોની આગતા-સ્વાગતા ખૂબ જ આદરપૂર્વક અને ભક્તિપૂર્વક કરાય છે. તેમને જમવાની સગવડ તથા આરામ કરવા માટેની સગવડો વિનામૂલ્યે સામાજીક સેવાભાવી મંડળો – વ્યક્તિઓ કરે છે.
એવું મનાય છે કે અંબાજી ‘મા’ ના મંદિરમાં અંબામાની મૂર્તિનું સ્થાપન નથી. તેમની મૂર્તિને બદલે ‘શ્રીયંત્ર’ માં ‘મા’ અંબા ભવાનીનું સ્વરૂપ પૂજાય છે. ભક્તો અને શ્રદ્ધાળુઓને પોતાની શ્રદ્ધા અને ‘મા’ પ્રત્યેના ભાવ જેવા દર્શન ‘મા’ આપે છે.
સમી સાંજે અંબાજી ખાતે ‘ભવાઇ’ લોકકથા, ડાયરો તથા ગરબાનું આયોજન થાય છે. ભક્તો દુર્ગા-સપ્તશતીના પાઠનું વાંચન કરે છે. આમ ભાદરવી પૂનમનો ઉત્સવ ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ બની રહે છે. જેમાં અંદાજે ૨૦ લાખની સંખ્યામાં ભક્તો ‘મા’ ના દર્શને આવે છે.