વ્યવસ્થિત જીવન માટે સૌ પ્રથમ સિદ્ધાંત અને તેના વ્યાવહારિક નિરૂપણની જરૂર છે. ‘કર્તવ્ય’ તેમાં સૌ પ્રથમ આવે છે. પોતાના કાર્યમાં મગ્ન રહેવું અને બીજાના કાર્યમાં ખલેલ ન પહોંચાડવી એ કર્તવ્યની સ્પષ્ટ વ્યાખ્યા છે. જે માણસ હંમેશા બીજાને બતાવવાનો દાવો કરે છે તે સ્વયં પોતાનો જ રસ્તો નથી જાણતો હોતો. ઈમાનદારી જીવનનો બીજો સિદ્ધાંત છે. જે કરો તે જ કહો અને જે કહો તે જ કરો. એ મૂળ મંત્ર છે. ઈમાનદારીનું કામ જીવનમાં અનેક ચાલબાજી, ચાલાકી અને છળકપટથી દૂર રહેવાનું છે. ઈમાનદારી મનુષ્ય પ્રત્યે વિશ્વાસ પેદા કરે છે અને આ વિશ્વાસ જ સંપૂર્ણ સુખ અને સમૃદ્ધિની જનેતા છે. ઓછો ખર્ચ કરવો તે જીવનનો ત્રીજો સિદ્ધાંત છે.ધનના સાચા ઉપયોગને જ કરકસર કહેવાય. જેમ જેમ ધન વધે તેમ તેમ ઓછો ખર્ચ કરવાની ટેવ પાડવી જોઈએ. ચોથો સિદ્ધાંત છે – ‘ઉદારતા’. પરોક્ષ રૂપે તે મિતવ્યયિતા (કરકસર)સાથે સંબંધિત છે. જે ઓછો ખર્ચ કરતો નહીં હોય તે ઉદાર પણ નહીં હોય. આત્મસંયમ જીવનનો પાંચમોઅને છેલ્લો સિદ્ધાંત છે. ઉપરોકત પાંચ સિદ્ધાંત સફળતાના પાંચ માર્ગ છે. . ઉપરોકત પાંચ સિદ્ધાંત સફળતાના પાંચ માર્ગ છે. જીવનના રાહ ઉપર પ્રકાશનાં કિરણોછે. સંભવ છે કે શરૂઆતમાં જીવન વ્યવહારમાં એમનું આચરણ કરવું મુશ્કેલ હોય, પરંતુ અભ્યાસ આપણને આ સિદ્ધાંતો સાથે અભિન્ન રૂપે જોડી દેશે.
– ગુજરાતી લેખ/ઋષિ ચિંતન માંથી