મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ સારાંશ-\’સભ્ય‍\’ વેશે

\’સભ્ય‍\’ વેશે
દરમ્યાન પેલા મિત્રની મારે વિશેની ચિંતા દૂર નહોતી થઇ. તેમણે પ્રેમને વશ થઇને માન્યું કે, હું જો માંસાહાર નહીં કરું તો નબળો થઇશ, એટલું જ નહીં પણ હું ‘ભોટ’ રહેવાનો, કેમ કે અંગ્રેજ સમાજમાં ભળી જ નહીં શકું. તેમને મારા અન્નાહાર ઉપરના પુસ્તેકના વાચનની ખબર હતી. તેમને એવી ધાસ્તી લાગી કે એવા વાચનથી હું ભ્રમિતચિત્ત બની જઇશ, અખતરાઓમાં મારો જન્મ એળે જશે, મારે કરવાનું છે તે ભૂલીશ અને વેદિયો બની રહીશ. તેથી તેમણે મને સુધારવાનો એક છેલ્લોમ પ્રયત્ન કર્યો. મને નાટકમાં લઇ જવાને નોતર્યો. ત્યાં જતા પહેલાં મારે તેમની સાથે હૉબર્ન ભોજનગૃહમાં ખાવાનું હતું. આ ગૃહ મારી નજરે મહેલ હતો. એવા ગૃહમાં જવાનો વિકટોરીયા હોટેલ છોડયા પછી આ પહેલો અનુભવ હતો. વિકટોરીયા હોટેલનો અનુભવ નકામો હતો, કેમ કે ત્યાં તો હુ; બેભાન હતો એમ ગણાય. સેંકડોની વચ્ચે અમે બે મિત્રોએ એક ટેબલ રોકયું. મિત્રે પહેલું પિરસણ મંગાવ્યું. તે ‘સૂપ’ હોય. હું મૂંઝાયો. મિત્રને શું પૂછું ? મેં તો પીરસનારને પાસે બોલાવ્યો.
મિત્ર સમજયા. ચિડાઇને મને પૂછયું.
‘શું છે ? ’
મેં ધીમેથી સંકોચપૂર્વક કહ્યું:
‘મારે પૂછવું છે, આમાં માંસ છે કે ? ’
‘આવું જંગલીપણું આવા ગૃહમાં નહીં ચાલે. જો તારે હજુ પણ એમ કચકચ કરવી હોય તો તું બહાર જઇ કોઇ નાનકડા ભોજનગૃહમાં ખાઇ લે ને બહાર મારી વાટ જોજે. ’
હું આ ઠરાવથી રાજી થઇ ઊઠયો ને બીજી વીશી શોધી. પાસે એક અન્ના હાર આપનારું ભોજનગૃહ હતું, પણ તે તો બંધ થઇ ગયું હતું. હવે શું કરવું એ મને સમજ ન પડી. હું ભુખ્યો રહ્યો. અમે નાટકમાં ગયા. મિત્રે પેલા બનાવ વિશે એક પણ શબ્દહ ન ઉચ્ચાર્યો. મારે તો કંઇ બોલવાનું હોય જ શેનું ?
પણ આ અમારી વચ્ચે, છેલ્લું મિત્રયુદ્ધ હતું. અમારો સંબંધ ન તૂટયો, ન કડવો બન્યો . હું તેમના બધા પ્રયાસોની પાછળ રહેલો પ્રેમ વરતી શકયો હતો, તેથી વિચારની અને આચારની ભિન્નતા છતાં મારો તેમના પ્રત્યેનો આદર વધ્યો .
પણ મારે તેમની ભીતિ ભાગવી જોઇએ એમ મને લાગ્યું . મેં નિશ્ર્ચય કર્યો કે જંગલી નહીં રહું, સભ્યાનાં લક્ષણો કેળવીશ, ને બીજી રીતે સમાજમાં ભળવાને લાયક બની મારી અન્નાહારની વિચિત્રતા ઢાંકીશ.
મેં ‘સભ્યતા’ કેળવવાનો ગજા ઉપરવટનો ને છીછરો માર્ગ લીધો.
જોકે વિલાયતી પણ મુંબઇના કાપના કપડાં સારા અંગ્રેજ સમાજમાં ન શોભે તેથી ‘આર્મી ને નેવી’ સ્ટોરમાં કપડાં કરાવ્યાસ. ઓગણીસ શિંલિંગની ( આ કિંમત તે જમાનામાં તો બહું જ ગણાય) ‘ચીમની’ ટોપી માથા ઉપર ઘાલી. આટલેથી સંતોષ ન પામતાં બૉન્ડિ સ્ટ્રીટમાં જયાં શોખીન માણસોનાં કપડાં સીવાતાં ત્યાં સાંજનો પોશાક દસ પાઉન્ડમાં દીવાસળી મૂકી કરાવ્યો. ભોળા ને બાદશાહી દિલના વડીલ ભાઇની મારફતે ખાસ સોનાનો અછોડો, બે ખીસામાં લટકાવાય તેવો, મંગાવ્યો( અને તે મળ્યો પણ ખરો. તૈયાર બાંધેલી ટાઇ પહેરવી તે શિષ્ટાચાર ન ગણાય, તેથી ટાઇ બાંધવાની કળા હાથ કરી. દેશમાં તો અરીસો હજામતને દહાડે જોવાને મળતો. પણ અહીં તો મોટા અરીસાની સામે ઊભા રહી ટાઇ બરોબર બાંધવામાં અને વાળને પટિયાં પાડી બરોબર સેંથો પાડવામાં રોજ દસેક મિનિટનો ક્ષય તો થાય જ. વાળ મુલાયમ નહીં, એટલે તેને ઠીક વળેલા રાખવાને સારુ બ્રશ (એટલે સાવરણી જ ના !) ની સાથે રોજ લડાઇ થાય. અને ટોપી ઘાલતાં ને કાઢતાં હાથ તો જાણે કે સેંથો સંભાળવાને માથે ચડયા જ છે. વચમાં વળી સમાજમાં બેઠા હોઇએ ત્યાંઢ સેંથા ઉપર હાથ જવા દઇ વાળને ઠેકાણે રાખવાની જુદી જ અને સભ્યી ક્રિયા તો ચાલ્યાત જ કરે.
પણ આટલી ટાપટીપ જ બસ નહોતી. એકલા સભ્યત પોશાકથી થોડું સભ્ય થવાય છે ? સભ્યતાના બીજા કેટલાક બાહ્ય ગુણો પણ જાણી લીધા હતા ને તે કેળવવા હતા. સભ્યે પુરુષે નાચી જાણવું જોઇએ. તેણે ફ્રેંચ ઠીક ઠીક જાણવું જોઇએ. કેમ કે ફ્રેંચ ઇંગ્લૅન્ડના પાડોશી ફ્રાંસની ભાષા હતી, અને આખા યુરોપની રાષ્ટ્રભાષા પણ હતી, ને મને યુરોપમાં ભમવાની ઇચ્છા હતી. વળી સભ્ય પુરુષને છટાદાર ભાષણ કરતાં આવડવું જોઇએ. એક સત્રના ત્રણેક પાઉન્ડ ભર્યાં. ત્રણેક અઠવાડિયામાં છએક પાઠ લીધા હશે. બરોબર તાલસર પગ ન પડે. પિયાનો વાગે, પણ તે શું કહી રહેલ છે તે ખબર ન પડે. ‘એક, બે, ત્રણ’ ચાલે, પણ તેની વચ્ચેનું અંતર તો પેલું વાજું જ બતાવે, તે કંઇ ગમ ન પડે. ત્યારે હવે ? હવે તો બાવાજીની બિલાડીવાળું થયું. ઉંદરને દૂર રાખવા બિલાડી, બિલાડીને સારુ ગાય, એમ બાવાજીનો પરિવાર વધ્યો; તેમ મારા લોભનો પરિવાર પણ વધ્યો. વાયોલિન વગાડતાં શીખું, એટલે સૂરની ને તાલની ગમ પડશે. ત્રણ પાઉન્ડ વાયોલિન ખરીદવામાં હોમ્યા ને તેના શિક્ષણને સારુ કંઇ આપ્યા ! ભાષણ કરતાં શીખવાને સારુ ત્રીજા શિક્ષકનું ઘર શોધ્યું. તેને પણ એક ગીની તો આપી જ. બેલનું ‘સ્ટૅનડર્ડ એલોકયુશનિસ્ટ્’ લીધું. પિટનું ભાષણ શરૂ કરાવ્યું !
આ રેલસાહેબે મારા કાનમાં ઘંટ વગાડયો. હું જાગ્યો.
મારે કયાં ઇગ્લૅન્ડંમાં જન્મારો કાઢવો છે ? હું છટાદાર ભાષણ કરવાનું શીખીને શું કરવાનો હતો ? નાચ નાચીને હું સભ્ય કેમ બનીશ ? વાયોલિન શીખવાનું તો દેશમાંયે બને. હું તો વિદ્યાર્થી છું. મારે વિદ્યાધન વધારવું જોઇએ. મારે મારા ધંધાને લગતી તૈયારી કરવી જોઇએ. મારા સદ્વર્તનથી હું સભ્યુ ગણાઉં તો ઠીક જ છે, નહીં તો મારે એ લોભ છોડવો જોઇએ.
આ વિચારની ધૂનમાં મેં ઉપલી મતલબના ઉદગારોવાળો કાગળ ભાષણશિક્ષકને મોકલી દીધો. તેની પાસે મેં બે કે ત્રણ પાઠ ન લીધા હતા. નાચશિક્ષીકાને પણ તેવો જ પત્ર લખ્યો. વાયોલિનશિક્ષીકાને ત્યાં વાયોલિન લઇને ગયો. જે દામ આવે તેટલે તે વેચી નાખવાની તેને પરવાનગી આપી. તેની સાથે કંઇક મિત્ર જેવો સંબંધ થઇ ગયો હતો, તેથી તેની પાસે મારી મૂર્છાની વાત કરી. મારી નાચ ઇત્યાદિની જંજાળમાંથી નીકળી જવાની વાત તેણે પસંદ કરી.
સભ્યક બનવાની મારી ઘેલછા ત્રણેક માસ ચાલી હશે. પોશાકની ટાપટીપ વર્ષો સુધી નભી. પણ હું વિદ્યાર્થી બન્યો .

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors