ભારતીય ઔધોગિક જગતના રતનઃ-રતન ટાટા

ભારતીય ઔધોગિક જગતના રતનઃ-રતન ટાટા

* ભારતના ઔદ્યોગિક ક્ષેત્રના મહાન ઉદ્યોગપતિ, ગુજરાતનું ગૌરવ એવા રતન તાતાનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૭ના રોજ મુંબઈમાં થયો.

* અમેરિકામાં કોરનેલ યુનિવર્સિટીમાં એ આર્કીટેક્ચરનું ભણતા હતા ત્યાંથી પિતાના કહેવાથી એ મુંબઈ પાછા ફર્યા અને તાતામાં નોકરીએ લાગ્યા. એ વખતે તાતાની નેલ્કો નામની બિમાર કંપની હતી એનો હવાલો એમને સોંપવામાં આવ્યો.

* તેઓ ખૂબ ઓછું બોલે છે. કોઇ પાર્ટીમાં તેમની હાજરી એક મોટી ઘટના બની જાય છે. તેમનું વ્યકિતત્વ જેટલું પ્રભાવશાળી છે એટલો જ આકર્ષક તેમનો પોશાક છે. તેમની રહેણીકરણી સાવ સાદી અને સરળ છે.

* શાંત અને અંતરમુખી રતન ટાટાને ‘કોર્પોરેટ હન્ટિંગ’ એટલું બધું ફાવી ગયું છે કે તેમને બે ડઝન કરતાં વધારે આંતરરાષ્ટ્રીય હસ્તાંતરણ પછી પણ સંતોષ નથી થયો. હજુ આજે પણ તેઓ પૂરેપૂરી સજાગતાથી નવા શિકારની શોધમાં ડૂબેલા છે.

* રતન ટાટાના વ્યકિતત્વનું અજાણ્યું પાસું એ છે કે તેઓ ચિત્રો સારાં દોરે છે. તેઓ ગજબની સેન્સ ઓફ હ્યુમર ધરાવે છે. આમ તો રતન ટાટાને વિમાની મુસાફરી ગમે છે પરંતુ ઇન્ડિકામાં બેસતા પણ જરાય ખચકાતા નથી.

* રતન ટાટા કહે છે, ‘હું ભારતને એક મહાસત્તા તરીકે જૉવા માગું છું, પરંતુ તેના માટે આપણે જ બનાવેલા વાડામાંથી બહાર નીકળવું પડશે. આપણે આપણી જાતને ગુજરાતી, પારસી, પંજાબી અથવા અન્ય કોઇ નામથી ઓળખાવીએ છીએ પરંતુ ભારતીયના નામે ઓળખાવતા નથી. અમેરિકામાં કયાંય આવું જૉવા નથી મળતું. એટલા માટે જ તે સુપર પાવર છે. જયારે આપણે બધા ભેગા મળીને એક રાષ્ટ્રીય ભાવના વિકસાવીશું ત્યારે આપણે બધાથી નોખા અને નંબર વન હોઇશું.’

* જેમ એમના પુરોગામીઓએ લોખંડ, હોટલ, સાબુ, વિમાન વગેરે ક્ષેત્રમાં સ્વદેશી ઉત્પાદનમાં પહેલ કરેલી એમ રતન તાતાએ પણ સ્વદેશી ઉત્પાદનની ઘરેલું મોટરનું ઉત્પાદન કરવાનું સાહસ કરીને ઈન્ડીકા મોટર બનાવી. ચા ઉદ્યોગમાં એમણે જ વિદેશી કંપનીઓને ખસેડીને સ્વદેશી કંપનીનું નામ કર્યું એટલું જ નહીં પણ તાતા ટી કંપની આજે દુનિયાની બીજા ક્રમની મોટામાં મોટી કંપની છે. બધા નવા સંચાલકોને મુશ્કેલીઓ નડતી હોય છે એમ હજી સુધી અપરિણીત રહેલા રતનજીને પણ મુશ્કેલીઓ નડેલી અને આવડું અતિવિશાળ સામ્રાજ્ય તેઓ શું સંભાળી શકવાના હતા? એવી ટીકાઓ પણ થતી હતી પરંતુ એમણે તાતા કંપનીને વધુ ને વધુ ટોંચ પર પહોંચાડી.

* ભારતરત્નના સર્વોરચ સન્માનથી સન્માનિત જે.આર.ડી. ટાટાએ ૫૩ વર્ષ (૧૯૩૮-૧૯૯૧) સુધી દેશના સૌથી જૂના અને પ્રતિષ્ઠિત ઉધોગ જૂથ ટાટાનું નેતૃત્વ રતન ટાટાને સોંપતા કહ્યું હતું કે \”રતન યુવાન છે. બુદ્ધિશાળી છે. તેઓ મારા કરતાં વધારે ભણેલા અને પ્રગતિશીલ છે. તેઓ વધુ સારા નિયંતા (કંટ્રોલર) પણ પુરવાર થશે.\”

* જયારે રતન ટાટાએ ટાટા જૂથની લગામ પોતાના હાથમાં લીધી ત્યારે જૂથની ૮૫ કંપનીઓ લિપસ્ટિથી માંડીને સ્ટીલ સુધીનાં ઢગલાબંધ ઉત્પાદનો બન્ાાવતી હતી અને ડઝનબંધ સેવાઓ પૂરી પાડતી હતી. આમાંથી ગણીગાંઠી કંપનીઓ નફો રળતી હતી, અને એમાંથી પણ આંગળીના વેઢે ગણી શકાય એટલી કંપની પોતાના સેકટરની ‘લીડર’ હતી. રતન ટાટાએ જૂથનું નેતૃત્વ સંભાળ્યું એ વખતે સો વર્ષ જૂના ટાટા સમૂહનું વાર્ષિક ટર્ન ઓવર ૧૦,૫૦૦ કરોડ રૂપિયા હતું. તેમાં જૂથની મુખ્ય કંપનીઓ ‘ટેલ્કો’, ‘ટિસ્કો’, ‘વોલ્ટાસ’, ‘ટાટા પાવર’, ‘રેલીઝ ઇન્ડિયા’, ‘ટાટા કેમિકલ્સ’, ‘ટાટા ટી’, ‘ટીસીએસ’, ‘ટાઇટન’, ‘ઇન્ડિયન હોટલ્સ’ અને ‘ટાટા ટેલિકોમ’ની ભાગીદારી ૭,૫૦૦ કરોડ રૂપિયા હતી. રતન ટાટાએ ફકત ૧૭ વર્ષમાં જૂથનું વાર્ષિક ટર્ન ઓવર આઠ ગણું વધાર્યું. તેમણે જૂથને ‘બહુરાષ્ટ્રીય’ બનાવ્યું. જૂથની લગભગ બધી જ કંપની આજે નફો રળે છે. બેશક, આ કોઇ ‘રતન’ જેવા ‘રત્ન’ના ગજાની વાત છે.

* રતન ટાટાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘હું એક મહાન હસ્તીની ખુરશી પર બેસી રહ્યો હતો. મારે અનેક પડકાર ઝીલવાના હતા.એ વખતે મેં મારી જાતને સવાલ કર્યો ત્યારે મને તેનો ઉકેલ જડયો. જૉ હું જે.આર.ડી. ટાટાની નકલ કરીશ તો એ મારા જીવનની મોટામાં મોટી ભૂલ ગણાશે. નકલ કરવાથી હું જે છું એ પણ નહીં રહું.’ રતન ટાટાઐ પોતાનો માર્ગ જાતે કંડાર્યો, અને તેના પર જ ચાલીને આગળ વઘ્યા.

* સત્તાના સૂત્રો હાથમાં આવતા તેમણે સંખ્યાબંધ સુધારાઓ દાખલ કરી ટાટાનું નામ રોશન કર્યું. ટાટા જૂથનાં મૂળિયાં વધુ મજબૂત બનાવ્યા પછી રતન ટાટાએ ટાટા કંપનીઓના રોજબરોજના કામકાજ માટેની ચોક્કસ નીતિ-રીતિ ઘડી કાઢી, અને તેનો કડકાઇપૂર્વક અમલ કરાવ્યો. ૯૦ના દાયકામાં રતન ટાટાએ લગભગ ત્રણ ડઝન સ્થાપિત કારોબાર છોડયા અને દોઢ ડઝન નવા વેપાર ક્ષેત્રમાં પ્રવેશ્યા.

* રતન ટાટાના જ શબ્દોમાં કહીએ તો જૂથની કંપનીઓ નવા બિઝનેસમાં જાતે જ ઝંપલાવતી હતી. તેઓ જયારે કોઇ મુશ્કેલીમાં હોય કે પછી બેન્ક પાસેથી નવી લોન લેવી હોય કે કોઇ જૉડાણ કરવું હોય ત્યારે જ ટાટા બોર્ડ પાસે આવતી હતી. નાની-મોટી સો કંપનીઓના લચીલા સંઘને રતન ટાટાએ એક ગ્રૂપમાં બાંધવાની કોશિશ કરી ત્યારે તેમનો પ્રચંડ વિરોધ થયો. ટિસ્કોના રૂસી મોદી, ઇન્ડિયન હોટલ્સના અજિત કેરકર, ટાટા કેમિકલ્સ અને ટાટા ટીના દરબારી સેઠ જેવા દિગ્ગજૉને કાબૂમાં રાખવા માટે રતન ટાટાને કોર્પોરેટ બોર્ડ રૂમમાં ઝૂઝવું પડયું. ભારે સંઘર્ષ બાદ ટાટા જૂથના વરિષ્ઠ અધિકારીઓની નિવૃત્તિ મર્યાદાની વય નક્કી થઇ. જે.આર.ડી. યુગના દિગ્ગજૉની વિકેટ ડાઉન કર્યા પછી જ રતન ટાટાનો ખરા અર્થમાં રાજયાભિષેક થયો. એ સાથે જ તેમણે જૂથમાં બધાને પરચો બતાવી દીધો. બધાને સંકેત મળી ગયો કે ચેરમેન સહેજેય ચલાવી લે એવા નરમ નથી. તેઓ લડી શકે છે અને કડક નિર્ણય લઇ શકે છે.

* રતન ટાટાની પાસે વિઝન છે, અને તેને મિશન બનાવી તેમણે ટાટા જૂથને ‘બહુરાષ્ટ્રીય’ બનાવી દીધું છે. છેલ્લાં ત્રણ-ચાર વર્ષોમાં ૬૦,૦૦૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરીને જે વિદેશી કંપનીઓને તેમણે ટાટા જૂથનો હિસ્સો બનાવ્યો છે તેની યાદી લાંબી છે. તેમાં ઉલ્લેખનીય કંપની છે- અમેરિકાની એઇટ-ઓ-કલોક કૉફી કંપની, કોરિયાની દેવૂ કોમર્સિયલ વ્હીકલ, સ્પેન અને સિંગાપુરની સ્ટીલ કંપની- હિસ્પાનો અને નાટસ્ટીલ, યુ.કે.ની ટેટેલે-ટી, બર્મુડાની ટેલિગ્લોબ ઇન્ટરનેશનલ હોિલ્ડંગ્સ, યુરોપની કોરસ જેણે ટાટા જૂથને સ્ટીલ ઉધોગમાં મોખરાનું સ્થાન અપાવ્યું છે.

* રતન ટાટાના ચેરમને પદ હેઠળ ટાટા ગ્રુપના ટર્નઓવરનો આંકડો સતત છલાંગ મારતો રહ્યો. ૧૯૭૧માં તે આંક માત્ર રૂ. ૧૦,૦૦૦ કરોડ હતો જે ૨૦૧૧-૧૨માં ૧૦૦.૦૯ અબજ ડોલર (આશરે રૂપિયા ૪૭૫,૭૨૧ કરોડ) છે.

* ભારતીય ઔધોગિક અંતરિક્ષના નવરત્ન‘રતન’ની યશોગાથા આટલી મર્યાદિત જગ્યા અને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી.

આવો આપણે જાણીએ રતન ટાટાની દસ ઉપલબ્ધિઓ:

૧. પ્રથમ પેસેન્જર કાર : ૧૯૯૮માં ટાટા ગ્રુપે રતન ટાટાના નેતૃત્વમાં પ્રથમ પેસેન્જર કાર ટાટા ઇન્ડિકા લોન્ચ કરી. બે વર્ષના સમયગાળામાં આ કાર પોતાના ગ્રુપમાં નંબર વન બ્રાન્ડ તરીકે સામે આવી.
૨. ટેટલીનું અધિગ્રહણ : ટાટા ગ્લોબલ બેવરેજના નામથી ઓળખાતી ટાટા ટીએ વર્ષ ૨૦૦૦માં ટેટલી સમૂહનું અધિગ્રહણ કર્યું. ટેટલી ગ્રુપ દુનિયામાં સૌથી વધુ ચાનું ઉત્પાદન કરનાર તથા વિતરણ કરનાર ગ્રુપ છે. ટેટલી બ્રિટનની સૌથી મોટી ચા કંપની છે.
૩. ટાટા-એઆઇજી : ટાટા ગ્રુપ અને અમેરિકન ઇન્ટરનેશનલ ગ્રુપ ઇન્ક (એઆઇજી)એ સંયુક્ત રીતે ૨૦૦૧માં ટાટા-એઆઇજીની શરૂઆત કરી. ત્યારબાદ ફરી એકવાર ટાટા વીમા સેક્ટરમાં ઉતરી. આ પહેલાં ૧૯૧૯માં દોરાબજી ટાટાએ ન્યૂ ઇન્ડિયા ઇન્શ્યોરન્સની શરૂઆત કરી હતી, જે ૧૯૫૬માં રાષ્ટ્રીયકૃત થઇ.
૪. વીએસએનએલ પર નિયંત્રણ : વર્ષ ૨૦૦૨માં ટાટા ગ્રુપે વિદેશ સંચાર નિગમ લિમિટેડ (વીએસએનએલ)ના નિયંત્રણકારી શેર પ્રાપ્ત કરી લીધા. વીએસએનએલનું નિર્માણ ૧૯૮૬માં થયું હતું અને તે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જની યાદીમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય જાહેર ક્ષેત્રનું સાહસ હતું.
૫. ટીસીએસના રેકોર્ડની આવક : વર્ષ ૨૦૦૩માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ ભારતની એવી પ્રથમ સોફ્ટવેર કંપની બની જેનું રાજસ્વ એક અરબ ડોલરના આંકડાનો પાર કર્યો હોય. ત્યારબાદ એક વર્ષ બાદ કંપનીએ સાર્વજનિક શેર જાહેર કર્યા.
૬. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ : વર્ષ ૨૦૦૪માં ટાટા મોટર્સની લિસ્ટિંગ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં થઇ. આ જ વર્ષે કંપનીએ ડેબૂ મોટર્સની હેવી વ્હેકિલ્સ યૂનિટનું અધિગ્રહણ પણ કર્યું. વર્ષ ૨૦૦૭માં ટાટા સ્ટીલે એંગ્લો-ડચ કંપની કોરસનું અધિગ્રહણ કર્યું. કોરસ યૂરોપની બીજા નંબરની સૌથી મોટી ઉત્પાદક કંપની છે.
૭. નેનોનું લોન્ચિંગ: વર્ષ ૨૦૦૮માં ટાટા મોટર્સે દેશની સૌથી સસ્તી કાર ટાટા નેનોનું લોન્ચિંગ કર્યું. રતન ટાટાનું સપનું હતું કે તે દેશવાસીઓને એક લાખ રૂપિયામાં કાર ઉપલબ્ધ કરાવશે. તે હવે તેને નવા રૂપમાં લોન્ચ કરવા જઇ રહ્યાં છે.
૮. જગુઆર-લેન્ડરોવર: વર્ષ ૨૦૦૮માં ટાટા મોટર્સે ફોર્ડની જગુઆર-લેન્ડરોવરનું અધિગ્રહણ કર્યું. ત્યારબાદ જગુઆર લેન્ડરોવરના નામથી નવી કંપની બનાવવામાં આવી.
૯. ટાટા સ્ટરબક્સની શરૂઆત: વર્ષ ૨૦૧૨માં ટાટા ગ્લોબલ બેવરેજ અને સ્ટારબક્સે સંયુક્ત ઉપક્રમ હેઠળ સ્ટારબક્સ લિમિટેડની શરૂઆત કરી. તેનો પ્રથમ સ્ટોર મુંબઇમાં ખોલ્યા.
૧૦. એવોર્ડ : ભારતના ૫૦મા પ્રજાસત્તાક દિન ૨૬ January ૨૦૦૦ના સમારોહ પર રતન ટાટાને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. તેમને ૨૬ January ૨૦૦૮ના રોજ સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. તે નેસકોમ ગ્લોબલ લીડરશીપ (NASSCOM Global Leadership) એવોર્ડ ૨૦૦૮ મેળવ્યો હતો.

વિશેષઃમુંબઈ – ટાટા ગ્રુપને પરંપરાગત કોર્પોરેટ ગૃહમાંથી ૧૦૦ અબજ ડોલરના ટર્નઓવરવાળા આંતરરાષ્ટ્રીય સમૂહમાં પરિવર્તિત કરનાર ઉદ્યોગપતિ રતન ટાટા ૨૮/૧૨/૨૦૧૨ ગ્રુપના ચેરમેનપદેથી નિવૃત્ત થયા છે.

* પોતાના ૭૫માં જન્મદિવસે રતન ટાટા ૨૮/૧૨/૨૦૧૨ના રોજ ટાટા ગૃપના ચેરમેન પ્ પરથી નિવૃત્ત થઇ ગયા છે. રતન ટાટા ૨૧ વર્ષ સુધી આ પદ પર રહ્યા હતાં. તેમની જગ્યાએ સાઇરસ મિસ્ત્રી ટાટાના નવા ચેરમેન તરીકે કાર્યભાર સંભાળશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors