જગન્નાથપુરી ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે.શંકરાચાર્યે ભારતને ચાર ખૂણે જે પીઠ સ્થાપી છે તમાં એક જગન્નાથપુરીમાં છે.રાષ્ટ્રનાં પ્રમુખ પાવનધામોમાં જગન્નાથપુરી પરમ પાવનધામ મનાય છે. હિન્દુઓના ચાર ધામ પૈકીનું આ એક ધામ છે. એમ કહેવાય છે કે બદરીનાથ ધામ સત્યયુગનુ, રામેશ્વર ધામ ત્રેતાયુગનુ, દ્વારિકા ધામ દ્વાપરનુ અને જગન્નાથપુરી ધામ કળિયુગનુ છે.આ વિશાળ મુખ્ય મંદિરના અધિષ્ઠાતા દેવ છે- શ્રીજગન્નાથજી(શ્રીકૃષ્ણ). મંદિરમાં કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજી એમ ત્રણ મૂર્તિઓ છે. મૂર્તિઓ અપૂર્ણ છે.
રાષ્ટ્રનાં ચાર પ્રમુખ પાવનધામોમાં કળિયુગમાં જગન્નાથપુરી પરમ પાવનધામ મનાય છે. પહેલાં અહીં નીલાંચલ પર્વત હતો અને આ પર્વતપરની નીલમાધવ ભગવાનની શ્રીમૂર્તિની આરાધના દેવતાઓ પણ કરતા હતા. સમય જતાં આ પર્વત ભૂમિમાં ચાલ્યો ગયો અને ભગવાનની મૂર્તિને દેવો દેવલોકમાં લઈ ગયા, જેની સ્મૃતિમાં આ ક્ષેત્રને નીલાંચલ ક્ષેત્ર પણ કહે છે. શ્રી જગન્નાથજીનાં મંદિરનાં શિખર પર લાગેલ ચક્ર‘નીલરછત્ર’ કહેવાય છે અને જયાં સુધીનાં ક્ષેત્રમાં આ નીલરછત્રનાં દર્શન થાય છે તે સમગ્રક્ષેત્ર જગન્નાથપુરી તરીકે વિખ્યાત છે. જગન્નાથપુરી સમગ્રક્ષેત્રની આકૃતિ શંખ સમાન હોવાથી આ શ્રીક્ષેત્ર પુરુષોત્તમપુરીને શંખક્ષેત્ર પણ કહે છે. જગન્નાથપુરી મંદિર ખૂબ જ પ્રાચીન છે.
બાજુનો પ્રદેશ આકર્ષક, રમણીય ને લીલોછમ છે. ઝાડપાન પણ પ્રચુર પ્રમાણમાં છે.પુરીનો પ્રદેશ પણ રમણીય છે.જગન્નાથપુરીની આબોહવા સુંદર છે.
આ એજ નગર છે જ્યાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું દર વર્ષની અષાઢી બીજનાં દિવસે આયોજન થાય છે જેમાં લાખો લોકો ભાગ લે છે. જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે. પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી, પણ રથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.
આ મંદિરમાં લગભગ બે હજાર પૂજારીઓ છે તથા બીજા ૨૦ હજાર અન્ય લોકો મંદિરની અન્ય સેવામાંથી આજીવીકા મેળવે છે. અહીં મુખ્ય ઉત્સવ રથયાત્રાનો છે. શ્રીજગન્નાથ મંદિરના પરિસરમાં જ વિશ્વનાથ લિંગ, અજાનનાથ ગણેશ, સત્યનારાયણ, સિધ્ધ ગણેશ, બ્રહ્માસન, લક્ષ્મી મંદિર, સૂર્યમંદિર વગેરે અનેક મંદિરો છે.
શ્રીજગન્નાથજીના મહાપ્રસાદનો મહિમા જગવિખ્યાત છે. આ મહાપ્રસાદમાં છૂતાછૂતનો દોષ માનવામાં આવવો નથી. મંદિરની નજીક જ સમુદ્રતટ છે જેને સ્વર્ગદ્વાર કે મહોદધિ કહે છે. અહીં ચક્રતીર્થ છે. મંદિરમાં દર્શન કરવા જતા પહેલા અહીં કે મંદિરમાં જ આવેલ રોહીણીકુંડમાં સ્નાન કરવામં આવે છે. રોહીણીકુંડમાં સુદર્શનચક્રનો પડછાયો પડે છે.