ભક્તિ, ભક્ત અને ભગવાન

હનુમાનજી મહારાજ ભક્તિના ખાસ આચાર્ય હોવા છતાં પણ તે કહે છે કે ‘ભજન શું છે ? એ કેવી રીતે થાય છે ? હું કાંઈ જાણતો નથી

 

બાળકનો માતા સાથે જેટલો પ્રેમ હોય છે, તેનાથી પણ વધારે પ્રેમ માને બાળક સાથે હોય છે. બાળક માના પ્રેમને જાણતું નથી. જો તે માના પ્રેમને જાણી લે તો તેને માના ખોળામાં રડવું જ ન પડે. એ જ રીતે ભગવાનનો જીવ સાથે ઓછો પ્રેમ નથી. કાકભુશણ્ડિજી બાળસ્વરૂપ ભગવાન શ્રીરામની સાથે રમતા રમતા જ્યારે બિલકુલ તેમની નજીક આવ્યા ત્યારે ભગવાન હસવા લાગ્યા અને જ્યારે તેમનાથી દૂર ગયા ત્યારે ભગવાન રડવા લાગ્યા. ભગવાનનો જીવ તરફ કેટલો પ્રેમ ! સંસારના આકર્ષણથી ભગવાનથી વિમુખ થવાના કારણે જીવ ભગવાનના આકર્ષણને ઓળખી શકતો નથી. જો તે ભગવાનના પ્રેમને ઓળખી જાય તો જીવનો બેડો પાર થઈ જાય !
સંસારના આકર્ષણથી બહાર નીકળવું એટલે મુક્તિ. અને ભગવાન તરફ આકર્ષણ થવું એટલે ભક્તિ. મુક્તિમાં અખંડ આનંદ છે અને ભક્તિમાં અનંત આનંદ છે. ભક્તિથી ભગવાનના દર્શન થઈ શકે છે. એ ભક્તિની વિશેષતા છે. જ્ઞાનની પરાનિષ્ઠાથી ભગવાનના દર્શન નથી થતાં. જ્ઞાન દીપક છે. ભક્તિ મણિ છે દીપકને સળગાવવા માટે ઘી, દિવેટ વગેરેની જરૂર પડે છે અને હવા લાગવાથી તે ઓલવાઈ પણ જાય છે. મણિને નથી ઘી કે દિવેટની જરૂર કે નથી એ હવાથી ઓલવાતો.
ભગવાને ભક્તો માટે પોતાની પ્રાપ્તિ ઘણી સહેલી બતાવી છે. જ્ઞાન માર્ગ પર ચાલવાવાળો પોતાના સાધનનું બળ સમજે છે, જ્યારે ભક્તિની એ વિલક્ષણતા હોય છે કે તે પોતાના સાધનનું બળ માનતો નથી. ભીતરમાં અભિમાન રહેવાથી ભક્તિ પ્રાપ્ત થતી નથી. જેને ભગવાનની કૃપા પર પૂર્ણ ભરોસો છે એને જ ભક્તિ પ્રાપ્ત થાય છે.
હનુમાનજી મહારાજ ભક્તિના ખાસ આચાર્ય હોવા છતાં પણ તે કહે છે કે ‘ભજન શું છે ? એ કેવી રીતે થાય છે ? હું કાંઈ જાણતો નથી.’ શબરીને ક્યાં ખબર હતી કે ભક્તિ નવ પ્રકારની છે. જે મારામાં પૂર્ણપણે વિકસિત-મોજુદ છે ! અહીં હનુમાનજી કે શબરી જૂઠું નથી બોલતા. ચતુરાઈ નથી કરતા. અભિમાન નથી કરતા. ભક્તિ પોતાનામાં કોઈ વિશેષતા નહીં બતાવતા માત્ર ભગવાનની કૃપા જ માને છે. જ્યારે ગુણને આપણે પોતાનો માની બેસીએ છીએ ત્યારે જ અભિમાન પેદા થાય છે. ભક્તો ગુણને પોતાનો સમજતા નથી. માટે જ તેને અભિમાન પેદા થતું નથી.
કૃપા કરવી એ ભગવાનનું કામ છે. કૃપાનો સ્વીકાર કરવો એ ભક્તનું કામ છે. ભગવાનની કૃપામાં કોઈ પણ જાતનો પક્ષપાત કે મારા-તારાપણું નથી હોતું. પોતાનામાં અભિમાન ન હોવાથી ભગવાનની કૃપાનો પ્રવાહ સીધો જ આવે છે. પરંતુ ‘હું આટલું જાણું છું, હું આટલો સમજદાર છું, મારામાં આટલી યોગ્યતા છે.’ વગેરે અભિમાનના કારણે ભગવાનની કૃપા આવવામાં વિધ્ન ઉભું કરે છે. આમ પોતાનું અભિમાન ભક્તિમાં બાધક નીવડે છે.
કોઈપણ સારું કામ ભગવાનથી, સદ્‌ગુરૂથી અથવા સંતોથી જ બને છે. જે કંઈ બૂરુ થાય છે તે આપણી ભૂલથી થાય છે. હનુમાનજી જ્યારે લંકાથી પાછા આવીને ભગવાન રામના ચરણોમાં શરમ પ્રાપ્ત કરે છે અને કહે છે, ‘પ્રભુ ! તમારા પ્રતાપથી જ આ બઘું હું કરી શક્યો છું; નહિ કે મારા બળથી.’ ભગવાનના શરણે થઈ જવાથી બધા જ કામ ભગવાન કરે છે.
કોઈ કહે કે ‘મારે સર્વ કંઈ જોઈએ. ભોગ જોઈએ, મોક્ષ જોઈએ, ઇજ્જત જોઈએ, નીરોગતા જોઈએ, દીકરા-દીકરીઓ પણ જોઈએ. તો શું કરું ?’ આનો જવાબ છે ઃ ‘તમે માત્રને માત્ર ભગવાનનું ભજન કરો. કારણ કે બધી ચીજો ભગવાન જ આપી શકે છે. પુરુષાર્થથી બધી ચીજ મળતી નથી.’
જ્ઞાની લોકો શરૂઆતથી જ પોતાને મોટો સમજે છે, ભક્ત પોતાને સદા નાનો જ માને છે. ગોસ્વામી તુલસીદાસજી વૃદ્ધ થવા છતાં પોતાને બાળક જ સમજતા. એટલે જ તો તેમણે મા (સીતાજી)ને કહ્યું હતું કે રધુનાથજી સામે મારું નામ નહીં લેશો. પ્રભુ મારા તરફ જ્યારે ગદ્‌ગદ થઈ જાય, દ્રવિત થઈ જાય પછી જ મારું નામ દેજો. નહીંતર તેમની દ્રષ્ટિ મારા લક્ષણો તરફ ચાલી જશે. કહેજો કે આપનો ભક્ત આપનું નામ લઈને પેટ ભરે છે; આપની દાસી તુલસીનો દાસ કહેવડાવે છે. ભક્તોના ભોળપણની ભાષા ચાલાકીવાળી કદી પણ હોતી નથી.
ભગવાનના ગુણગાન કરવાથી પ્રેમ થઈ જાય છે. ભગવાન સારા લાગે, મીઠા લાગે, વહાલા લાગે એ પ્રેમ છે. રૂપિયામાં, ભોગમાં, કુટુંબીઓમાં કે શરીરમાં, આપણું જે આકર્ષણ છે તે છુટીને ફક્ત ભગવાનમાં આકર્ષણ થઈ જાય એનું નામ પ્રેમ છે.
ગંગાજીનો પ્રવાહ નિરંતર સમુદ્ર તરફ વહે છે. એજ રીતે આઠેય પહોર આપણી વૃત્તિઓનો પ્રવાહ ભગવાન તરફ વહેવો જોઈએ. ભગનાન આપણને દર્શન આપે કે ન આપે, આપણને સ્વીકારે કે ન સ્વીકારે પણ આપણું મન ફક્તને ફક્ત ભગવાન તરફ વળવું જોઈએ.
મોક્ષમાં મનુષ્ય પોતાનું સુખ ચાહે છે, પણ પ્રેમમાં તો તે ભગવાનનું પણ સુખ ચાહે છે. પ્રેમી ભક્તોનો એવો ભાવ હોય છે કે અમારે નરકમાં જવું પડે તો કોઈ વાંધો નથી પણ મારા ભગવાનને સુખ મળવું જોઈએ. ગોપીકાઓ વૃંદાવનમાં રહેતી અને ભગવાન કૃષ્ણ મથુરામાં રહેતા તોપણ ગોપીઓ મથુરા નહીં ગઈ. કેમકે ભગવાન કૃષ્ણ નહોતા ઇચ્છતા કે ગોપીઓ મથુરા આવે. છતાં પણ ગોપીઓનું મન તો નિત્ય ભગવાનમાં જ લાગેલું રહેતું. ગોપીઓની જેમ આપણું મન પણ ભગવાનનું જ ચંિતન કરે, વાણી ભગવાનના જ ગુણગાન કરે, કાન ભગવાનની જ ચર્ચા સાંભળે.
‘હે પ્રભુ ! મારી વાણી તમારા ગુણગાન ગાવામાં લાગી રહે, મારા હાથ તમારી સેવામાં, મન તમારા ચરણોમાં, મસ્તક તમને પ્રણામ કરવામાં અને આંખો તમારા દર્શનમાં લાગી રહે.’ આપણી વૃત્તિઓનો પ્રવાહ સંસારમાંથી હરીને ભગવામાં લાગી જાય – આનું નામ છે ભક્તિ. ભગવાન સાથે પ્રેમપૂર્વક સંબંધ જોડાઈ જાય એ જ સાચી ભક્તિ.
દૂધ પર નિર્ભર રહેવાવાળા ભૂખ્યા વાછરડાં પોતાની માનું દૂધ પીવા માટે આતુર રહે છે, વિરહિણી પતિવ્રતા સ્ત્રી પોતાના પતિને મળવા ઉત્કંઠિત રહે છે. એજ રીતે ‘હે કમલનયન ! મારું મન પણ તમારા દર્શનને માટે તરફડી રહ્યું છે.’
પાર્વતી માતાના શાપથી વૃત્તાસુર ઉપરથી અસુર બની ગયો હતો પણ ભીતરથી તો ભગવાનનો પ્રેમી ભક્ત હતો. એટલે જ તેમણે કહેલું કે ‘પ્રભુ ! હું આપને છોડીને કદાપિ સ્વર્ગ, બ્રહ્મલોક, ભૂમંડળનું સામ્રાજ્ય, રસાતાળનું એક છત્ર રાજ્ય, યોગનિ સિદ્ધિ, અરે મોક્ષ પણ નથી ચાહતો.’ ભગવાનનું મુખડું જ ભક્તોને માટે બંધન છે. જે નિત્ય નવું બનતું રહે છે ! ભગવાન સાથે પ્રેમ કરતા જે ધરાતા નથી તેમને ભગવાન વશીભૂત થઈ જાય છે અને ચાહે તે કરી પણ દે છે. પ્રેમવશ થઈને તેઓ સારથિ બનીને ઘોડા પણ હાંકે છે, એંઠી પતરાળી પણ ઉઠાવે છે. એમાં જ તેઓ રાજી થાય છે. જેમ માને બાળકનું મળ-મૂત્ર ઉઠાવવામાં આવે છે એ જ રીતે ભગવાનને ભક્તોનું નાનામાં નાનું કામ કરવામાં પણ આનંદ આવે છે. મા માં તો મમતા અને સ્વાર્થ હોય છે. પણ ભગવાનમાં તો ન સ્વાર્થ, ન મમતા. માત્ર ને માત્ર પ્રેમ. ભગવાનને હંમેશા સૌથી નાના બનવામાં જ આનંદ આવ્યો છે.
જે ભગવાનની ભક્તિ કરે છે, તે જરા અને મરણ બંનેથી મુક્ત થઈ જાય છે. એટલે કે તેને વૃદ્ધાવસ્થાનું પણ દુખ નથી થતું. આવા લોકો ભગવાનના સમગ્ર રૂપને જાણી જાય છે. મતલબ વિજ્ઞાન સહિત જ્ઞાનને જાણી જાય છે.
પ્રભો ! તમે સર્વશક્તિ સંપન્ન છો. તમે જ મારા અંતઃકરણમાં પ્રવેશ કરીને તમારા તેજથી મારી આ સૂઈ રહેલી વાણીને સજીવ કરો છો. તેમજ હાથ, પગ, કાન, ત્વચા વગેરે એક બીજી ઇન્દ્રિયોને તેમજ પ્રાણોને પણ ચેતના આપો છો. હું તમો અંતર્યામી ભગવાનને પ્રણામ કરું છું.
– મોહનભાઈ બોધરા

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors