જ્યારથી સૃષ્ટિનો જન્મ થયો, જ્યારથી બંનેનું બૌદ્ધિક સ્તર વધ્યું, ત્યારથી એક બીજાં પ્રત્યે ફરિયાદોમાં પણ વૃદ્ધિ થઈ. તે આવી કેમ છે ? / તે આવો કેમ છે ? બંનેની વચ્ચે આ દ્વંદ્વાત્મક સ્થિતિ પેદા થયા કરે છે. આખરે કઈ છે સામાન્ય ફરિયાદો… જે બંને એક-બીજાં માટે કર્યા કરે છે ? એકમેકને સમજવા માટે બંનેએ શું કરવું જોઈએ, બંને આ ફરિયાદોની સાથે પણ કેવી રીતે શાંતિથી જીવી શકે છે. એ વિશે વાંચીએ હળવી શૈલીનો એક જીવન સંજીવની લેખ…
સ્ત્રીઓની સામાન્ય ફરિયાદો
* તમે મારી ભાવનાઓને ભલા કેવી રીતે સમજશો ?
* પુરુષ સ્ત્રીઓને ક્યારેય નથી સમજી શકતા.
* તેઓ ભાવનાઓ અને જરૃરિયાતો પ્રત્યે સંવેદનશીલ નથી હોતા.
* તેમનામાં લગાવ હોતો જ નથી.
* વ્યવસ્થિત ઢંગથી વાત કરતાં તો જાણે એમને આવડતું જ નથી. ગુસ્સો તો નાક પર જ બેઠેલો રહે છે.
* તેઓ સ્ત્રીઓને માત્ર તેમના શારીરિક આકર્ષણથી જ આંકે છે, સ્ત્રીની માનસિક અને બૌદ્ધિક ક્ષમતાઓનો તેમને મન કોઈ મતલબ નથી.
* ઘર અને બાળકો બાબતે તેમનો નેક ખ્યાલ હોય છે કે, આ સ્ત્રીનું દાયિત્વ છે.
* ઘરમાં સ્વચ્છતા રાખવા માટે તેમને સખત એલર્જી છે. બાથરૃમમાં ટુવાલ, સાબુ, શેવિંગ ક્રીમ વગેરે વેરવિખેર રાખવું તેમને પસંદ છે.
* ઘર સાફ-સુથરું હોય, બાળકો વ્યવસ્થિત રીતે રહેતાં હોય, એ માટે પત્નીને ધન્યવાદ કહેવાનું તેમને ઠીક નથી લાગતું. પ્રશંસાના બે બોલ બોલવામાં તેમને નાનમ લાગે છે.
* તેઓ ઇચ્છે એ નિર્ણય લઈ શકે છે, પત્ની- બાળકો પર શું અસર પડશે ? એ જાણ્યા વગર.
* ઘરમાં ભલે પત્ની રાહ જોઈને ખાધા-પીધા વગર બેઠી હોય, બહાર કોફી હાઉસમાં પોતાના મિત્ર સાથે તેઓ આરામથી કોફીની ચુસકી લેવાનું તેમને વધુ પસંદ છે.
પુરુષોની સામાન્ય ફરિયાદો
ઉફ, તમારો મેકઅપ અને ગપ્પાં મારવાની આદત !
* ફરિયાદો, આની બુરાઈ- તેની બુરાઈ, એ સિવાય સ્ત્રીઓને બીજું આવડે છે શું ?
* પુરુષો પર હંમેશાં હાવી થવાની કોશિશ બહુ જ કરે છે.
* ક્યારેક તો ખુશ થઈને બતાવે !
* સ્પર્શો તો એવી સંકોચાશે કે જાણે લજામણીનો છોડ હોય. સેક્સ તો તેને હંમેશાં સજા જ લાગે છે.
* ર્તાિકક રીતે વિચારતાં તેને આવડતું નથી, ભાવુક બનીને જ વિચારી શકે છે.
* ભાવનાઓ પણ એક જેવી જ હોય તો કંઈ વાત બને. ભાવનાઓ એવી રીતે બદલે છે કે, શું કહેવું ? કહ્યું છે ને કે, સ્ત્રીને બનાવનાર બ્રહ્મા પણ તેને સમજી શક્યા નથી.
* ગપ્પાં મારવાની સ્પર્ધા હોય તો સ્ત્રીને કોઈ ના જીતી શકે. કલાકો સુધી દરવાજે ઊભી ઊભી વાતો કરી શકે છે, પરંતુ દરેક વાતની પછી કહેવું નથી ભૂલતી કે, “મોડું થઈ રહ્યું છે… !”
* બિચારા પુરુષ પર તો હંમેશાં નિરંકુશ થયા અને વિવાહેતર સંબંધ બાંધવાનો આરોપ લવાતો રહ્યો છે, પરંતુ સ્ત્રી કેટલી છૂપી રુસ્તમ હોય છે એ જ બાબતોમાં, એની ગંધેય નથી આવવા દેતી.
* સ્ત્રીઓ જ સ્ત્રીની દુશ્મન હોય છે. (ન માનતા હો તો એકતા કપૂરની સિરિયલ જોઈ લો).
* શોપિંગ-મેકઅપમાં કલાકો લગાડયા વગર તેને ચેન નથી પડતું.
* પતિની વ્યસ્તતાને સમજવી તે ઇચ્છતી જ નથી, બસ પતિને મોડાં ઘેર આવવાનો ઠપકો આપવામાં જ તેને મજા આવે છે.
* મહિનાના ૨૫ દિવસ તો બીમાર જ રહે છે. ક્યારેક તો એ સ્વસ્થ અને ખુશ રહીને બતાવી દે.
આ થઈ એ સામાન્ય ફરિયાદો, જે સ્ત્રી-પુરુષોને એકબીજાથી હંમેશાં રહ્યા કરે છે. હવે સવાલ એ છે કે, તેઓને એકબીજાં સાથે રહેવાનું છે તો શું-શું શીખવું જોઈએ, જેથી બંનેની જિંદગી સરળ બની શકે. ખૂબ જ નાની સરખી જિંદગી છે અને એમાંય પ્યાર અને શાંતિની પળો ખૂબ જ મર્યાદિત છે એટલે ફરિયાદ હોય તો અવશ્ય કરો, પણ હસતાં-હસતાં કરો અને તેને ગંભીરતાથી ન લો. થોડાંક પોતાને બદલીને જુઓ, એક નવી દૃષ્ટિ મળશે અને ઝઘડતાં-ઝઘડતાં પણ આખી જિંદગીભર મજાથી જીવવાનો આનંદ ઉઠાવી શકશો.
સ્ત્રીઓ માટે સૂચનો
* હંમેશાં સંદેહની નજરે પતિને ન જુઓ.
*ભાવનાઓને ફરિયાદો વગર કે અપરાધબોધ વગર સાથીની સામે રાખતાં શીખો. એવું ન વિચારો કે તે જાતે સમજી જ જશે.
* સાથી પર ભરોસો રાખો, તેઓ બેદરકાર હોઈ શકે છે, પરંતુ એટલા તો નહીં જ કે તેઓ ઘર-પરિવારને નજરઅંદાજ કરી દે.
* જો તેઓ ગુસ્સાવાળા હોય કે પરિસ્થિતિઓ પર વગર સમજ્યે-વિચાર્યે પ્રતિક્રિયા કરતા હોય તો સ્થિતિને સમજવાની કોશિશ કરો, એવું કેમ થાય છે ?
* ગપ્પાંબાજી થોડી ઓછી કરી દેશો તો શું મુશ્કેલી છે ?
* ઘરેલું કાર્યોમાં એટલા બધાં વધુ પડતાં વ્યસ્ત ન બની જાવ કે, આથી પોતાને ઉપેક્ષિત મહેસૂસ કરવા લાગે.
* પોતાને સાથીથી હીનતર કે ઉચ્ચતર ન સમજો. બંને બરાબર-બરાબર જ છો એવો અહેસાસ તમને વધુ ખુશ રાખશે.
* પુરુષ પોતાની ભાવનાઓ જલદીથી વ્યક્ત કરી શકતા નથી, પ્રકૃતિએ તેમને એવા જ બનાવ્યા છે, એટલા માટે તેમને દોષ ન આપો.
* તેઓ આપને પ્યાર કરે છે, એ વાત જરૃરી નથી કે તેઓ તમને શબ્દોથી જ બતાવી શકે, તેમને ઇશારાથી વાતને સમજતાં શીખો.
* ઓફિસમાં સ્થિતિ, પ્રમોશન વગેરે વિશે ભૂલથી પણ ટીકા-ટિપ્પણી ન કરો. બલકે વિપરીત સ્થિતિઓમાં તેમને દિલાસો આપો કે, આપ દરેક સ્થિતિમાં તેમની સાથે જ લો.
* સેક્સ સંબંધોમાં સાથી પાસે જ અપેક્ષા ન રાખો, પોતે પણ પહેલ કરી જુઓ.
* તેઓ હમસફર છે, પ્રતિસ્પર્ધી નહીં, તેમને હંમેશાં કઠેરામાં જ ઊભા કરી દેવાની આદત કાઢી નાખો.
પુરુષો માટે સૂચનો
* સાથે મળીને શોપિંગ કરશો તો શું લૂંટાઈ જવાનું છે !
* પત્નીની જરૃરિયાતો, સંવેદનાઓ-ભાવનાઓને સમજવાની કોશિશ કરી જુઓ.
* તેને તમારા થોડા પ્યારની, થોડી દેખભાળની અને પ્રશંસાની તો અપેક્ષા છે.
* થોડો સમય પત્નીની સાથે રસોડામાં વિતાવો. પછી જુઓ તેના બદલામાં તમને કેટલો પ્રેમ મળે છે તે.
* ક્યારેક ઘરની સફાઈ અને બાળકોનું હોમવર્ક કરાવવામાં પત્નીને મદદ કરો.
* પારિવારિક નિર્ણય લેવામાં પત્નીના પણ સલાહ-સૂચન લો.
* પત્નીના ચિડિયાપણા, ફરિયાદો વિશે પણ ગંભીરતાથી વિચારો. તે કેમ એમ કરે છે એ વિશે અકળાયા કે ઝઘડયા વગર શાંતિપૂર્વક તેને જાણવા-સમજવાની કોશિષ કરો.
* સ્ત્રીની દૈહિક સંરચના તેને ભાવનાત્મક મનોવૈજ્ઞાાનિક રૃપથી કમજોર બનાવે છે. તેની ભીતર થનારા હોર્મોન્સ પરિવર્તનોને પણ સમજો, જેને કારણે તે પરેશાન થાય છે.
* પત્ની પણ ઘરેલુ કામકાજથી ક્યારેક કંટાળે છે, તેને પણ હરવા-ફરવાની અને આઝાદીથી રહેવાની ઇચ્છા થાય છે, તેથી ક્યારેક તેને પણ તેની ઇચ્છા મુજબ જીવવા દો.
આ બધાં તો શાશ્વત ઝઘડા છે, ચાલતા જ રહેશે. કહેવાય છે કે, “સ્ત્રી એ છે કે લગ્ન પૂર્વે, પુરુષની દરેક ચીજ બદલી નાખવા ઇચ્છે છે”, લગ્ન પછી પોતે જ કહે છે – “તમે કેટલા બદલાઈ ગયા ?” પુરુષ પણ જ્યાં સુધી ઇમ્પ્રેસ કરવી હોય ત્યાં સુધી આગળ-પાછળ ઘૂમતા રહે છે. પછી લગ્ન થયાં નથી કે પછી એવા પતિદેવ બની જાય છે કે, જાણે વરસોથી એવા જ હોય ! અરેરે… આપણે તો પાછા ફરિયાદ કરવા લાગ્યા, ખેર- આપ આમ જ ઝઘડતા રહો, એમાં જ જિંદગીની ખરી મજા છે.