ત્રિનેત્રેશ્વર મહાદેવ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી લગભગ દસેક કિલોમીટર દૂર આવેલી વનરાજી વચ્ચે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. આ પ્રાચીન મંદિર દસમા સૈકાનું છે અને આથી તે કલાપૂર્ણ છે.આ ભૂમિ દેવપાંચલ તરીકે જાણીતી છે.ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી અપભ્રંશ થઈને આ ગામનું નામ તરણેતર પડયું છે.જેના પ્રાંગણમાં ગુજરાતનો સુપ્રસિદ્ધ તરણેતરનો મેળો ભરાય છે
ત્રિનેત્રેશ્વર માટે ઘણી લોક વાયકાઓ પ્રચલિત છે. એક કથા મુજબ દ્રૌપદીનો સ્વયંવર અહીં યોજાયો હતો.અહીં અર્જુને મત્સ્યવેધ કરીને દ્રૌપદીનું પાણિગ્રહણ કર્યું હતું.મંદિરના પ્રાંગણમાં એક કુંડ છે. આ કુંડમાં જ બ્રહ્માજી સૈકાઓ પહેલી મહાદેવની આરાધના કરતા હતા. ત્યારે મહાદેવને ચઢાવવાનાં એક હજાર કમળો માંથી એક કમળ ઓછું થયું હતું.હકીકતમાં બ્રહ્માજીની પરીક્ષા લેવા જ મહાદેવજીએ એક કમળ ઉપાડી લીધું હતું,પરંતુ બ્રહ્માજીએ તો પોતાના એક ચક્ષુને જ હજારમાં કમળ તરીકે ભગવાનને અર્પણ કરી દીધું હતું. આથી ભગવાન પ્રસન્ન થાય બ્રહ્માજીની આંખ તો સારી કરી આપી,પરંતુ બ્રહ્માજીએ ચઢાવેલું ચક્ષુ પોતાના લલાટમાં ધારણ કર્યું. ત્યારથી શંકર ત્રિનેત્રેશ્વર કહેવાયા.
એક એવી પણ કથા છે કે, કણ્વ ઋષિએ મહાદેવની પૂજા કરી. મહાદેવજી પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે આ સ્થળે કુંડમાં સ્નાન કરી જે પૂજા કરશે,પિંડદાન આપશે અને દાન કરશે તેના પિતૃઓને મોક્ષગિત પ્રાપ્ત થશે.ત્યારથી આ સ્થાન ત્રિવેણીસંગમની જેમ જ મૃતાત્માના ફૂલ પધારાવવા માટે પ્રસિદ્ધ થયું. આ ઉપરાંત મૃતાત્માના ફૂલ પધરાવવા હરિદ્વાર, સિદ્ધપુર અને પ્રભાસ પણ ત્રિવેણી સંગમ છે.
બીજી એક લોકવાયકા એવી છે કે તારકા સુરનો નાશ કરવા માટે શિવતી પુત્રની ઉત્પત્તિ જરૂરી હતી.તેથી ઇન્દ્રની આજ્ઞાથી કામદેવ શિવને પ્રસન્ન કરવા,શિવાની સેવા કરવાના બહાને લાગ જોઈને તેમની ઉપર મોહાસ્ત્રનો પ્રયોગ કરે છે.આથી અકાળે જન્મેલા વસંતના સંચારથી અને મોહાસ્ત્રના પ્રયોગથી હૃદયમાં લોભિત થયેલા મહાદેવે ત્રીજું નેત્ર ખોલીને સન્મુખ ઊભેલા કામદેવને ભસ્મીભૂત કરી નાંખ્યો.આથી કામદેવની પત્ની રિત, વિલાપ રતિને દ્વાપર યુગ સુધી રાહ જોવાનું કહે છે. દ્વાપરમાં કામદેવ કૃષ્ણને ત્યાં પુત્ર તરીકે જન્મ લેશે અને રતિને પ્રાપ્ત થશે એવું વરદાન મળે છે.આથી રતિએ ભગવાન-શિવ-ત્રિનેત્રેશ્વરનું મંદિર બનાવી, દ્વાપર યુગ સુધી ભગવાનની પૂજા- અર્ચના કરીને તપશ્વર્યા કરી.
આ ઉપરાંત પણ એક માન્યતા એવી છે કે ભાદરવા સુદ પાંચમના દિવસે (ઋષિ પંચમી) સવારે ગંગામાતા આ સ્થળને પાવન કરે છે. ભારતવર્ષના ઋષિવરો આ કુંડમાં સ્નાન કરવા આવે છે. તેથી કુંડની પાણીની સપાટી તે દિવેસ ઊંચી આવે છે. આજે પણ આ કુંડની સપાટી આ દિવસે ઊંચી આવે છે.
આ સ્થાન વાસુકી નાગની ભૂમિ કહેવાય છે. અહીં ફરતા બાર બાર કિલોમીટર સુધી મોટા નાગો રહે છે. થોડે દૂર એક પ્રાચીન કુંડ છે અને તરણેતર મહાદેવનું મંદિર છે. મંદિરને ફરતાં પથ્થરનો કોટ છે. પાસેની ટેકરી ઉપર સૂર્યદેવના મંદિરમાં સૂર્યનારાયણની રૂપા મૂર્તિ છે.
તરણેતરમાં આ મંદિર પાસે ભાદરવા મહિનામાં ખૂબ મોટો મેળો ભરાય છે, જે જગવિખ્યાત છે.મેળામાં આસપાસના ગ્રામજનો ગાન-વાદન અને નૃત્યમાં મસ્ત રહે છે. રંગબેરંગી પોશાક ધારણ કરી ફૂમતાં ને રંગબેરંગી સુશોભિત છત્રીઓ ધારણ કરી સૌરાષ્ટ્રની જાતજાતની જાતિઓ આહીરો- રબારીઓ-કાઠીઓ-ભરવાડો ઉપરાંત અનેક લોકો ભાતભાતના ભરતભરેલા પોશાક પહેરી અહીં એકઠા મળે છે. મૂછે તાવ દેતા જુવાનિયાઓ રંગબેરંગી છોગાં પહેરી પોતાની મનગમતી યુવતી સાથે નૃત્ય કરવા માંડે છે.હુડો રાસ,દાંડિયા રાસ- છત્રીનૃત્યો દ્વારા લોકલાગણી વ્યક્ત થતી રહે છે.નાચતા રમતા,ઉલ્લાસભર્યા વાતાવરણમાં યુવાન-યુવતી મસ્તીથી હેલે ચડી જાણે મનના માણીગર સાથે આનંદ હિલોળા લેતા હોય તેવું લાગે છે. તરણેતર એટલે લોકજીવનનો ઉમંગમેળો- ઉત્સાહમેળો- રંગમેળો- પ્રણયમેળો.
પુરાણા ખંડેર થઈ ગયેલા ભગવાન ત્રિનેત્રેશ્વરના મંદિરનો જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠા કરાવીને ઈ.સ. ૧૯૦૨માં લખતરાના રાજવી કરણસિંહજીએ પોતાની પુત્રી કરણબાની સ્મૃતિમાં કરાવ્યો હતો. હાલમાં મંદિરની આસપાસ ૮ થી ૧૦ પગથિયાંવાળો કુંડ છે. મધ્યમાં તુલસી- કયારો છે. મંદિરનું કુંડમાં પડતું પ્રતિબિંબ એક સુંદર દ્દશ્ય ઊભું કરે છે.હાલના મંદિરની બાંધણી 14મી સદીના સ્થાપત્ય મુજબ છે. આ સ્થળને પુરતત્ત્વ વિભાગ તરફથી રક્ષિત જાહેર કરવામાં આવ્યું છે.
ઈ.સ. ૧૯૦૨માં પ્રતિષ્ઠા કર્યા બાદ રૂ. પચાસ હજાર ખરચીને કળાકારીગરીવાળું શિખરબંધી મંદિર બંધાવ્યું હતું. મંદિરના બાંધકામમાં અવારનવાર સુધારા- વધારા થાય છે. સ્થાપત્યમાં જુદી જુદી શૈલીઓ વરતાય છે.આ મંદિર મુખ્યત્વે સોલંકીકાળ પહેલાંની નાગર શૈલીનું જણાય છે. મંદિરની ત્રણે બાજુએ કુંડ આવેલા છે.
આ જીર્ણ મંદિરના ફોટા ર્ડા. બર્જેસે ઈ.સ. ૧૮૯૦માં લીધા હતા. ઈ.સ. ૧૮૯૯માં આ ફોટા ત્યાંના રાજવીને આપવામાં આવ્યા અને ઈ.સ.૧૯૦૨માં તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો.
શ્રી ઢાંકી આ મંદિરનો સમય ઈ.સ. ૯૨૫નો કહે છે. પરંતુ ર્ડા. બર્જેસ ના ફોટા અનુસાર તેનો સમય અગિયારમા સૈકાનો હોય તેવું કહી શકાય.
આ મંદિરની બાંધણીની શૈલી થાનમાં આવેલા મુનિબાવાના મંદિરની શૈલી સાથે સામ્ય ધરાવે છે.આ બંને મંદિરો એક જ સરખા સમયનાં હોવાનું મનાય છે.આ મંદિરમાં ગર્ભગૃહ,અંતરાલ અને મંડપ છે. આ મંડપની ત્રણે બાજુએ શૃંગાર ચોકીઓની રચના છે.
મંદિરની જગતીની ત્રણ બાજુએ પથ્થરમાંથી બનાવેલો કુંડ આવેલો છે. મંદિરની પ્રવેશ બાજુ પરના ભાગે જોડાયેલા મોટા પથ્થરના પુલ વડે સામેની બાજુનો પ્રવેશમાર્ગ જોડાયેલો છે. કેટલીક વખત આવું જોવામાં આવે છે કે મંદિરની પાસે કુંડ (કૃત્રિમ જળાશય) હોય છે. ખેડબ્રહ્મામા બ્રહ્માના મંદિરની સામેની બાજુએ વિશાળ વાવ છે.પાટણના સ્હસ્ત્રલિંગ તળાવને કિનારે મંદિરો હતાં.વીરમગામના મુનસર તળાવના કિનારે નાનાં નાનાં મંદિરો આજે પણ અસ્તિત્વ ધરાવે છે.
મંદિરના ગર્ભગૃહ ઉપરનું શિખર તથા મંડપ પરનો ઘુમ્મટ અલંકારોથી વિભૂષિત છે. દીવાલના બાહ્ય ભાગના ગોખલામાં મુકાયેલા દેવોની પ્રતિમા ઉત્તમ કોટીની હોય તેવી છે. ટોચ ઉપરના ફૂલવેલ ભાતનાં અલંકરણ પણ આકર્ષક છે.ગૂઢ મંડપના સ્તંભો ઊંચાઈમાં વધુ છે. ગાન-વાદન અને નૃત્યમાં મસ્ત એવા લોકોની લીલાનું મંદિરની છતમાંનું શિલ્પ ઉત્કૃષ્ટ શિલ્પનો શ્રેષ્ઠ નમૂનો છે.
આ મંદિરનાં પ્રાંગણમાં મેળો ભરાય છે. તેથી તે મંદિરના નામ કરતાંય તરણેતરના મેળાના સ્થાન તરીકે વધુ જાણીતું થયું છે.
તરણેતરના મેળાને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વ અપાયું છે. દેશ- પરદેશના વિદેશીઓ મેળો મહાલવા અહીં આવે છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors