જિંદગી સવાલ નથી, જિંદગી તો જવાબ છે!

 
દરેક વ્યક્તિ કોઈ ને કોઈ ફરિયાદ સાથે જીવે છે. દરેકને એવું લાગે છે કે હજુ કંઈક ખૂટે છે. આ ખૂટતું શોધવામાં આખી જિંદગી વીતી જાય છે અને જે હોય છે એને પણ માણી કે જાણી શકાતું નથી. માણસ કોઈ ને કોઈ અફસોસ સાથે જીવે છે અને ફરિયાદો સાથે મરે છે. જિંદગીનું પૂર્ણવિરામ આવી જાય ત્યાં સુધી અલ્પવિરામો ખૂટતાં નથી!

જિંદગી એ કમ્પ્યૂટરમાં ડાઉનલોડ કરેલો પ્રોગ્રામ નથી કે આપણી મરજી મુજબ ચાલે. જિંદગી તો રહસ્યમય નવલકથા જેવી છે. દરરોજ એક પાનું ફરે છે અને જિંદગી નવું સસ્પેન્સ, નવી થ્રીલ, નવો ભય, નવી અપેક્ષા, નવો ઉત્સાહ અને નવા શ્વાસ લઈને આવે છે. હવે પછીના પાના પર શું લખ્યું છે એ આપણને ખબર નથી પણ એટલી ચોક્કસ ખબર છે કે એ પાનું આપણે જીવવાનું છે.

એક ડોક્ટર હતા. હંમેશાં ખુશ રહે. એક દિવસ એક મિત્રે તેમને સવાલ કર્યો કે તું દરેક સંજોગોમાં આટલો ખુશ કેવી રીતે રહી શકે છે? ડોક્ટરે જવાબ આપ્યો કે મારી દવા ઉપરથી હું જિંદગી જીવતા શીખ્યો છું! દવા ખાઈને નહીં પણ દવા પાછળનું તાત્પર્ય સમજીને! ડોક્ટરે મતલબ સમજાવ્યો કે આપણા મોઢામાં ચોકલેટ હોય તો આપણે ચગળ્યા રાખીએ છીએ અને દવાની કડવી ગોળી હોય ફટ દઈને ગળેથી નીચે ઉતારી દઈએ છીએ. બસ આવું જ જિંદગીનું છે! ખરાબ ઘટના હોય તેને ગળેથી નીચે ઉતારી નાખવાની અને મજા આવે એવું હોય એને ચગળ્યા રાખવાનું!

દરેક વ્યક્તિ દવા ખાય ત્યારે આવું જ કરે છે, જેટલી બને એટલી ઝડપથી કડવી ગોળી ઉતારી દે છે. આ જ વાત જિંદગીમાં લાગુ પાડી શકતા નથી. કડવું હોય એ ચગળ્યા રાખે છે અને મીઠું હોય એ ઉતારી દે છે! પછી અફસોસ જ કરતાં રહે છે કે જિંદગી કડવી છે. જમતી વખતે કાંકરી આવી જાય તો લોકો થૂંકી નાખે છે. પણ કાંકરી જેવી દુઃખદ ઘટનાઓને ચાવ્યા રાખે છે. કાંકરી આવ્યા પછી કોઈ વ્યક્તિ જમવાનું છોડી દેતી નથી. કાંકરી થૂંકીને પાછી જમવા માંડે છે પણ જિંદગીમાં કંઈક એવું થાય જે દર્દ આપે તો માણસ ખંખેરી નાંખતો નથી. વાગોળતો રહે છે. પેટ ભરવાનું હોય છે અને જિંદગી જીવવાની હોય છે!

માણસને સૌથી વધુ ફરિયાદો કોની સામે હોય છે? મોટા ભાગે પોતાની સામે! કંઈ ન મળે તો છેવટે માણસને પોતાના નસીબ સામે ફરિયાદ હોય છે! મારું નસીબ જ ખરાબ છે! કરવું હતું કંઈક અને થઈ ગયું કંઈક! ધંધામાં જેટલા નફાનો હિસાબ કર્યો હતો એ મળ્યો નહીં. નોકરીમાં બીજા લોકો મારાથી આગળ નીકળી ગયા. આપણી આગળ કેટલા છે એની ચિંતામાં આપણે ક્યારેય એ જોઈ જ નથી શકતા કે આપણે કેટલાની આગળ છીએ! ત્રીજા નંબરે આવેલો માણસ પહેલા બે વિજેતાની ઈર્ષા કરતો રહે છે પણ પોતાની પાછળ દોડતા પચાસ એને દેખાતા નથી. હું એ બધાથી આગળ છું અને મારા પ્રયાસો મુજબ મને મળ્યું છે.

માણસને પોતાના લોકો પ્રત્યે ફરિયાદો હોય છે. મને કોઈ સમજતું નથી. મારા નસીબમાં જ આવા લોકો લખ્યા છે. સૌથી નજીક હોય એની સામે જ સૌથી વધુ ફરિયાદો! બધાને પોતાની શરતો મુજબ જીવવું છે. આપણને આખા જગત સામે ફરિયાદ છે. પણ આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણા સામે કોને કેવી અને કેટલી ફરિયાદ છે?

જિંદગી બહુ સરળ છે. માણસ જ તેને જટિલ બનાવી નાખે છે. જિંદગી જેટલી સરળ છે એટલી જ સતત છે. જિંદગીનો સ્વભાવ જ સતત વહેતા રહેવાનો છે. જિંદગી રોકાતી નથી. ગઈ કાલ ગમે એટલી સુંદર હોય તોપણ આપણે તેને રોકી શક્યા નથી અને આજ કદાચ ખરાબ હશે તો પણ ચાલી જવાની છે. કાલની કોઈને ખબર નથી. માણસ હંમેશાં આવતી કાલ સરસ હશે એવી અપેક્ષામાં જીવે છે. પણ એ સરસ દિવસ આવતી કાલે જ હોય એ નક્કી નથી!

જિંદગી પ્રશ્ન નથી. જિંદગી જવાબ છે. પ્રશ્નો તો આપણે ઊભા કરીએ છીએ. પ્રશ્નોમાં ઉલઝતા રહીએ છીએ અને પછી જિંદગીને દોષ દઈએ છીએ. જિંદગીને માણસ જંગ સમજે છે. જિંદગી જંગ છે જ નહીં જિંદગી તો ઉમંગ છે. તમે યુદ્ધોનો ઇતિહાસ જુઓ, કોઈ યુદ્ધ આખી જિંદગી ચાલ્યું નથી. યુદ્ધ તો અમુક દિવસો પૂરતું જ હોય છે. એવી જ રીતે જિંદગીમાં કડવી, કરુણ અને દુઃખદ ક્ષણો તો બહુ થોડી હોય છે. આવી ક્ષણોને જેટલી જલદી ભૂલી શકાય તો જ જિંદગી સારી રીતે જીવી શકાય.

કેવું છે? માણસને જિંદગી સામે સતત ફરિયાદો હોય છે પણ મોત સામે ફરિયાદ નથી! તેનું કારણ શું? કારણ કે મોત સામે આપણી કોઈ ફરિયાદ ચાલવાની નથી! બધાને ખબર છે કે એક દિવસ મોત આવવાનું છે. ગમે એટલા ધમપછાડા કરીએ તો પણ ચાલવાનું નથી. બધાને ખબર છે કે અંતે તો બધું જ છૂટવાનું છે તોપણ માણસથી કેમ કંઈ છૂટતું નથી? આપણે કેટલું ભેગું કરવું છે એ વિચારીએ છીએ પણ શા માટે ભેગું કરવું છે એ વિચારતા નથી! તેનો જવાબ એટલો જ છે કે આપણે જીવવા માટે બધું ભેગું કરીએ છીએ, જો આ વાત હોય તો થોડુંક એ પણ વિચારો કે આપણે ખરેખર જીવીએ છીએ? કે પછી ફરિયાદો જ કરીએ છીએ?

જીવવા માટે જોઈએ એ બધું જ આપણી પાસે હોય છે, પણ આપણે જીવતા નથી. થોડું મળે એટલે આપણે આપણા ઈરાદા ઊંચા કરી દઈએ છીએ. હા, અપેક્ષાઓ ઊંચી હોય તેમાં કંઈ ખોટું નથી પણ સાથોસાથ જે છે એ જિવાય છે ખરું?

યાદ રાખો, બધાનું પ્લાનિંગ કરો પણ જીવવાનું પ્લાનિંગ ન કરો, કારણ કે જીવવાનું તો દરેક ક્ષણે છે. દરેક ક્ષણને જીવી જવી એ જ જિંદગી છે. ગઈ કાલ પીછો છોડતી નથી એ આવતીકાલની ઉપાધિ છે, આવા સંજોગોમાં આજ કેવી રીતે સારી હોય?

જિંદગીથી ખુશ રહો તો જ જિંદગી તમારાથી ખુશ રહેશે. નો રિગ્રેટ્સ, નો કમ્પ્લેઈન. કોઈ ફરિયાદ નહીં. કોઈ શિકવા નહીં અને કોઈ અફસોસ નહીં. દિલ અને દિમાગ ઉપર જે ભાર છે એને હળવેકથી ઉતારી દો, જિંદગી તો એકદમ હળવી જ છે. લાઇફ ઇઝ બ્યુટીફૂલ પણ એ સુંદરતા સ્વીકારવાની તમારી તૈયારી છે? જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે, અને એને જીવી લો, કારણ કે એ સરકી જવાની છે. જિંદગી વિશે બધું વિચારવાની પણ જરૂર નથી, કારણ કે અલ્ટિમેટલી જિંદગી એ વિચારવાનો નહીં પણ જીવવાનો વિષય છે ! જિંદગી પર નજર નાખી જુઓ, તમે જીવો તો છોને? કે પછી માત્ર ફરિયાદો કરો છો?

કૃષ્ણકાંત ઉનડકટ

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors