કોઠાં – બીલાં
આ બંને ફળોને આપણે ફળો તરીકે સ્વીકાર્યા નથી. છતાં ગ્રામ્યજનો તેનો ઉપયોગ કરતા હોય છે.
કોઠાંનાં કાચાં ફળ સ્વાદે તૂરાશ પડતા ખાટા, તાસીરે ગરમ, પચવામાં હલકાં, ઝાડાને રોકનાર, લૂખા, મેદને ખોતરી ઘટાડનાર, વાત – પિત્તવર્ધક, કફહર, રોચક, ઝેર અને તાવમાં સારા છે. પાકાં ફળ મીઠા, ખાટા તૂરા છે. તે સ્વભાવે ઠંડા, પચવામાં ભારે, મળને રોકનાર, વાજીકર, કંઠ શુદ્ધિકર અને રોચક છે. તે ઊલટી, થાક, તરસ, ઉધરસ, શ્વાસ, ક્ષય, લોહીનો બગાડ, વિષરોગ વગેરેમાં સારા છે.
બીલાંના કાચાં ફળ કડવાશવાળા તૂરા, તાસીરે ગરમ, સહેજ ચીકણા, ઝાડાને રોકનાર, પચવામાં ભારે, દીપન અને પાચક છે. તે પેટનો દુખાવો, આમવાત, સંગ્રહણી૪ ઝાડામાં સારા છે. પાકાં ફળ કડછાં – મીઠા છે. તે ગરમ, ભારે, ઝાડાને રોકનાર, વાયડાં અને અગ્નિમાંદ્યકર છે.
એટલે કોઠાં પાકાં સારા, બીલાં કાચા ઉપયોગમાં લેવા. સૂકા બીલાંનો ભૂકો, બીલાંનું શરબત, બીલાંનું અથાણું, ચટણી વગેરે ખાવાથી મરડો, ઝાડા, સંગ્રહણી, અપચો વગેરે મટે છે. પેટના પાચન માટે તે સારું છે. એ જ રીતે કોઠાંનું ચૂર્ણ, શરબત, ચટણી વગેરે ઉપયોગમાં લેવાય છે અને બીલાં જેવા જ ગુણો કરે છે. વધુમાં તે અરોચકતા મટાડે છે. ખોરાક ખાવાની રૂચિ ઉત્પન્ન કરે છે. ભૂખ લાગડે છે, ખોરાક પચાવે છે અને શરીરને પોષણ આપે છે.