જનકરાજાને જ્ઞાનોપદેશ આપનાર મહામુનિ અષ્ટાવક્ર

અષ્ટાવક્ર ભારતના મહાન ઋષિ હતા. તેઓ કહોડ ઋષિ અને સુજાતાના પુત્ર હતા. તેમના આઠ અંગ (બે હાથ, બે પગ, બે ઘુંટણ, છાતી અને માથું) વાંકા હોવાથી તેઓ અષ્ટાવક્ર (અષ્ટ= આઠ + વક્ર=વાંકા) તરીકે જાણીતા બન્યા. તેઓ રાજા જનક અને ઋષિ યાજ્ઞવલ્ક્યના ગુરૂ હતા. તેમણે રાજા જનકને આત્મા વિષે જ્ઞાન આપ્યું

અષ્ટાવક્ર મુનિ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે પણ એમને વેદોનું જ્ઞાન હતું. ઉદ્દાલક મુનિની પુત્રી સુજાતા એમની માતા હતી. એક દિવસ અષ્ટાવક્રના પિતા કહોડ ૠષિ અઘ્યયનની આવૃત્તિ કરતા હતા તે સાંભળી અષ્ટાવક્રે ઉદરમાંથી પિતાને પ્રશ્ન પૂછયો – ‘તમારે હજુયે આવૃત્તિ કરવી પડે છે ?’ આ સાંભળી પિતાને ક્રોધ ચઢયો અને શાપ આપ્યો- ‘તુ આઠે અંગે વાંકો થઈશ.’ પિતાનું વચન સત્ય થયું. જ્યારે બાળક જન્મ્યું ત્યારે એ આઠે અંગે વાંકું હતું. એથી એનું નામ ‘અષ્ટાવક્ર’ રાખવામાં આવ્યું. બાળપણથી જ એ વિદ્વાન હતા એમ છતાં એમણે વિધિપુરઃસર વેદ-વેદાન્તનું ગહન અઘ્યયન કરી લીઘું.
એ દિવસોમાં મહારાજ જનકને ત્યાં એક પુરોહિત રહેતો હતો. એણે એવું જાહેર કર્યું હતું- ‘શાસ્ત્રાર્થમાં જે મારાથી હારી જશે તેને હું પાણીમાં ડુબાડી દઈશ.’ અનેક પંડિતો શાસ્ત્રાર્થ કરવા આવતા અને હારી જતા એટલે તે એમને પાણીમાં ડુબાડી દેતો. અષ્ટવક્રના પિતા કહોડ મુનિ અને સેંકડો વિદ્વાનોને તેણે આ રીતે નદીમાં ડુબાડી દીધા હતા.
અષ્ટાવક્રને જ્યારે ખબર પડી કે જનકના એક પુરોહિતે એમના પિતાને પાણીમાં ડુબાડી દીધા હતા ત્યારે તે એને હરાવવા પોતાના મામા શ્વેતકેતુને લઈને જનકરાજાના ઐન્દ્રદ્યુમ્નિ નામના નગરમાં ગયા. ત્યાં જનકરાજાની રાજસભા ભરાઈ હતી. એમાં અનેક પંડિતો પણ ઉપસ્થિત હતા. આઠ જગ્યાએથી વાંકા શરીરવાળા અષ્ટાવક્રને જોઈને બધા હસી પડયા. અને જ્યારે જાણ્યું કે એ શાસ્ત્રાર્થ કરવા આવ્યા છે ત્યારે તો એનાથી વધારે જોરથી હસવા લાગ્યા. આ જોઈને અષ્ટાવક્ર કહેવા લાગ્યા- ‘હું તો સમજતો હતો વિદેહરાજની સભામાં થોડા વિદ્ધાનો, જ્ઞાની પુરુષો હશે તો ખરા ! પણ અહીં તો બધા ચમાર જ નીકળ્યા !’ આ સાંભળી સભામાં સન્નાટો છવાઈ ગયો. જનક રાજાએ પૂછયું- ‘અહીં તો ઘણા બધા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ પંડિતો ઉપસ્થિત છે. તો તમે આવું કેવી રીતે કહી શકો ?’ અષ્ટાવક્રજીએ કહ્યું- ‘બ્રહ્મજ્ઞાની શ્રોત્રિય પંડિત એને કહેવાય જેને બ્રહ્મનું અને આત્માનું જ્ઞાન હોય. આત્મા નિત્ય શુદ્ધ નિર્વિકાર અને નિર્લેપ છે એ સમજ તો બ્રહ્મજ્ઞાનીમાં હોય જ. મારી અંદર પણ એ જ આત્મા છે. આ પંડિતોએ એ આત્માને ન જોયો પણ માત્ર મારા વાંકા શરીરને જોયું ! ચામડીથી ઢંકાયેલા લોહી-માંસ-અસ્થિથી બનેલા આ પંિજરને જ જે જુએ તે બ્રહ્મજ્ઞાની ક્યાંથી કહેવાય ? જેને આત્માનો બોધ નથી પણ, પણ શરીર અને એની ચામડીનો બોધ છે એને ચમાર જ કહેવાય. ચામડાની તપાસ રાખે તે ચમાર !’
અષ્ટાવક્રની વાત સાંભળી જનકરાજા અને સર્વે સભાસદો સંતુષ્ટ થયા. પછી અષ્ટાવક્રે કહ્યું- ‘મારે એ પુરોહિત સાથે શાસ્ત્રર્થ કરવો છે જેમણે મારા પિતા તથા અનેક વિદ્ધાનોને હરાવીને પાણીમાં ડુબાડી દીધા છે.’ જનકરાજાએ બંદી નામના એ પુરોહિતને બોલાવ્યા. અષ્ટાવક્રએ એમને શાસ્ત્રાર્થમાં તેમણે કહ્યું- ‘તમારા પિતા મરણ પામ્યા છે એવું વિચારશો નહિ. એમને તો મેં અન્ય વિદ્વાન બ્રહ્મણો સાથે મારા પિતા વરુણનો યજ્ઞ સંપન્ન કરવા વરુણ લોક મોકલ્યા છે. હવે યજ્ઞ પૂરો થયો છે એટલે એ બધા પાછા આવશે. હું વરુણનો પુત્ર છું અને યજ્ઞ માટે વિદ્ધાન બ્રાહ્મણોની જરૂર હતી એટલે એમને વાદ-વિવાદમાં હરાવી જળમાર્ગે હું એમને વરુણલોક મોકલતો હતો.’
આ સાંભળી જનકરાજાએ અષ્ટાવક્ર અને શ્વેતકેતુનો સત્કાર કરી એમને પોતાને ત્યાં જ રાખ્યા. બંદીએ કહ્યું હતું તેમ થોડા સમયમાં જ એ હજાર બ્રાહ્મણો પાછા આવ્યા જેમાં અષ્ટાવક્રના પિતા કહોડ મુનિ પણ હતા. પોતાના પુત્રની વિદ્ધત્તાથી કહોડ મુનિ પ્રસન્ન થયા. તે જનકરાજાના નગરથી ઘેર આવતા હતા રસ્તામાં મઘુવિલા નામની નદી આવી. કહોડ મુનિએ
અષ્ટાવક્રને એ નદીમાં સ્નાન કરવાનું કહ્યું. વરુણદેવે આપેલા મંત્રથી એનું જળ અભિમંત્રિત કર્યું. એમાં અષ્ટાવક્રે સ્નાન કર્યું એ સાથે એમના આઠે અંગ સીધા થઈ ગયા ! એ દિવસથી એ નદીનું બીજું નામ ‘સભંગા’ પડ્યું.
અષ્ટાવક્ર પિતા અને મામા સાથે માતા સુજાતાને મળવા આવ્યા. પછી માતામહ ઉદ્દાલક મુનિની આજ્ઞા લઈ અષ્ટાવક્ર પોતાના આશ્રમમાં પાછા ફર્યા અને ત્યાં રહીને પોતાની સાધના- ઉપાસના કરતા રહી બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપવા લાગ્યા. અષ્ટાવક્રએ જે ઉપદેશ આપ્યો છે તે ‘અષ્ટાવક્ર ગીતા’ તરીકે ઓળખાય છે. એમાં વેદો અને ઉપનિષદોનું ગહન જ્ઞાન અત્યંત સુંદર, સ્પષ્ટ અને સરળ રીતે ઉદ્‌ઘાટિત થયું છે. અષ્ટાવક્ર ગીતામાં અષ્ટાવક્ર મુનિ બોધ આપતા કહે છે- ‘યદિ દેહં પૃથક્‌ કૃત્ય ચિતિ વિશ્રામ્ય તિષ્ઠસિ । અઘુનૈવ સુખી, શાન્તો, બંધમુક્તો ભવિષ્યસિ ।। જો તું દેહભાવથી અળગો થઈને તારા ચિત્તને શુદ્ધ, નિર્વિકાર કરી શાંત કરી દઈશ તો અત્યારે જ સુખી, શાંત અને બંધનમુક્ત બની જઈશ.’

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors