ગુજરાતની રાજધાની ગાંધીનગર

ગાંધીજી જન્મ્યા ગુજરાતમાં – પ્રવૃત્તિનું થાણું નાખી આરંભ પણ કર્યો ગુજરાતમાં. પણ તેથી શું ? એ થોડા માત્ર ‘ગુજરાતી‘ કે ગુજરાતના રહ્યા છે ? તોયે ગુજરાતને પોતાના ‘ગરવા ગુજરાતી‘નું પનોતા પુત્રનું – ગૌરવ તો હોય ને ? ગુજરાતે અનેક સંસ્થાઓ – સ્થાનો – પ્રવૃતિઓ સાથે ગાંધીજીનું નામ સાંકળ્યું છે તેનું સ્મરણ તાજું રાખવા – ગામેગામ તેમની પ્રતિમાઓ સ્થાપી એલિસબ્રિજ સ્ટેશનને ‘ગાંધીગ્રામ‘ કહ્યું ને કંડલા પાસે આખું ગાંધીધામ ઊભું કર્યું, પણ સૌથી મોટું સ્થાન જેની સાથે ગાંધીજીનું નામ સાંકળવામાં આવ્યું તે તો ગુજરાતની વર્તમાન રાજધાની-ગાંધીનગર.
આખું નગર જ નવેસરથી વસાવાયું – વ્યવસ્થિત આયોજન મુજબ તેનું નિર્માણ થયું. ગુજરાત રાજ્યના વહીવટીકેન્દ્ર તરીકે અને તેને અનુરૂપ વ્યવસ્થાઓ, સુવિધાઓ, તેને અનુરૂપ શોભા અને ગૌરવ જાળવીને વિશાળ નગરનું – મહાનગરની પરિકલ્પના કરીને આયોજન થયું. તબક્કાવાર તે વિકસાવ્યું ને ઉત્તરોત્તર વિકસાવાશે. જ્યારે સમગ્ર નગર સંપૂર્ણ રૂપે વિકસશે ત્યારે કેટલું વિસ્તૃત, ભવ્ય-અદ્યતન-શોભા-સુવિધાપૂર્ણ હશે તેની અત્યારે કલ્પના કરવી મુશ્કેલ છે. પણ આયોજકોએ તો તેનું આયોજન અગાઉથી તેના ભાવિ વિકાસની શક્યતાઓને મનમાં રાખીને જ કર્યું છે.
૧૯૬૦માં મહારાષ્‍ટ્ર અને ગુજરાત જુદાં પડતાં ગુજરાતની કામચલાઉ રાજધાની અમદાવાદમાં રાખવામાં આવી, પરંતુ વર્ષોથી વિકસી ચૂકેલા ને ઠીક ઠીક ભીડ અને ભીંસવાળા શહેરમાં રાજધાનીની વળી અધિક ભીડાભીડ ઉમેરાય તે કરતાં નજીકમાં જ છતાં સહેજ છેટું રાખીને, રાજનગરને અનુરૂપ અને અદ્યતન જીવન-વ્યવસ્થાને યોગ્ય એવું નવું જ નગર રચવામાં આવે તો વધુ સારું. માર્ગો-મકાનો-કાર્યાલયો અને નિવાસો – ને એ સર્વના ઉપવજીવીઓ માટેની વ્યવસ્થાઓ – સુવિધાઓ – એ સર્વની ર્દષ્ટિએ જરૂરી પણ હતુ;. આથી નવા નગરનું આયોજન થયું – એને ગાંધીનગર નામ અપાયું. સને ૧૯૬૪-૬૫માં ગુજરાતની એ નવી રાજધાનીના પાયા નખાયા. ભારતમાં, અર્વાચીન કાળના પ્રથમ નવયોજિત નગર ‘ચંદીગઢ‘ શહેરના ફ્રેંચ સ્થપતિ લા કાર્બુઝિયેરના નગર-આયોજન પર ગાંધીનગરની આયોજન-કલ્પના કરવામાં આવી.  સચિવાલય – વિધાનસભાગૃ્હ – અન્ય સરકારી દફતરો – કાર્યાલયો વગેરેની ભવ્ય ઇમારતો રચાઈ, હજી ઉમેરાતી જાય છે. તેમાં વિધાનસભાનું સ્થાપત્ય આધુનિક શૈલીનું છતાં વાતાવરણ સાથે સંવાદ સાધતું ભવ્ય કલાત્મક અને બેનમૂન છે.
નગર નવેસરથી આયોજનપૂર્વક રચાયું હોઈ તેના વિભાગો વ્યવસ્થિત છે. માર્ગો વિશાળ છે. કાર્યાલયો અને નિવાસ વગેરેનાં ચોક્કસ ક્ષેત્રો ને વિસ્તારો આયોજનપૂર્વક ગોઠવાયાં છે. બાંધકામની ગીચતા ન થાય તેનો ખાસ ખ્યાલ રખાયો છે. પોતાના જલાગાર તેમજ વીજળીકેન્દ્ર વગેરેની વ્યવસ્થા સાથે, અહીં પ્રદૂષણ ન થાય તેની કાળજી રખાઈ છે. ગાંધીનગરને હરિયાળું બનાવવા દર વર્ષે ઘનિષ્‍ઠ વૃક્ષારોપણ કરવામાં આવે છે. પરિણામે ગાંધીનગર લીલુંછમ અને હરિયાળું વર્તાય છે. આ શહેર ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવવાનું માન પામે છે. ગાંધીનગરના બહુમુખી વિકાસ માટે અત્યાર સુધીમાં રૂ. ૧૬૦ કરોડનો ખર્ચ કરાયો છે. સુંદર બગીચા – શાળાઓ – દેવાલયો વગેરે પણ રચાયાં છે. ગાંધીનગર જિલ્લામાં સરિતાઉદ્યાન, બાલોદ્યાન, ટાઉન હોલ, વિધાનસભા, સચિવાલય, અક્ષરધામ, ફન વર્લ્ડ, ઇન્દ્રોડામાં જૂનો કિલ્લો અને હરણઉદ્યાન તથા ૧૪૯૯માં બંધાયેલ અડાલજની ઉત્કૃષ્‍ટ સ્થાપત્યવાળી વાવ જોવાલાયક છે. વલાદમાં પ્રાચીન વાવ, માત્રી માતાનું મંદિર, અન્ય મંદિરો તથા જાબાલિ ઋષિની ગુફા જોવાલાયક છે. વાસણિયા મહાદેવના (વૈજનાથ) મંદિરોમાં ૧૧ શિવલિંગો અને ૧૩ શિખરો છે. મોટેરામાં ગાયત્રી ઉપાસના ખંડ છે. કોબામાં સાબરમતી કિનારે કુંભેશ્વર મહાદેવ અને કોટેશ્વરમાં આ જ નામના મહાદેવનાં જૂનાં મંદિરો છે. ઇસનપુરમાં ૧૫૦૦-૧૫૧૫ દરમિયાન બંધાયેલી જૂની મસ્જિદ છે. ચાંદખેડામાં અંબાજી માતાનું કાચમંદિર અને બ્રહ્માણી માતાનું મંદિર છે. રૂપાલમાં વરદાયિની માતાનું મંદિર છે. નવરાત્રિ દરમિયાન અહીં પલ્લી ભરાય છે.

સ્વામિનારાયણનું ભવ્ય મંદિર : અક્ષરધામ
માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ દેશ આખામાંથી તેમજ પરદેશમાંથી પણ ગુજરાતના પ્રવાસે આવનારા પર્યટકો માટે ‘અક્ષરધામ‘ એ એક દર્શનીય સ્થળ બની ગયું છે. ૨૩ એકરના વિશાળ વિસ્તારમાં અક્ષરધામ સંકુલ આવેલું છે. રાજસ્થાની ગુલાબી પથ્થરમાંથી આ ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું છે. આ મંદિર ૧૦૮ ફૂટ ઊંચું, ૨૪૦ ફૂટ લાંબું અને ૧૩૧ ફૂટ પહોળું છે.
કલામય સ્થાપત્યશૈલીથી બંધાયેલા આ દેવાલયમાં સાત ફૂટથી ય ઊંચી ભગવાન સ્વામીનારાયણની પ્રતિમા છે. તેની બાજુમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાલાનંદ સ્વામીની પ્રતિમાઓ છે. નીચે ભોંયતળિયાની વિશાળ જગ્યામાં ભગવાન સ્વામિનારાયણના જીવનના-તેમની તપશ્ચર્યાના – તેમની દિવ્ય અનુભૂતિના ચમત્કારિક પ્રસંગો મૂર્તિમંત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રામાયણ, મહાભારત અને ઉપનિષદ વગેરેના પ્રસંગો શિલ્પ અને ચિત્રો દ્વારા તાર્દશ કરવામાં આવ્યા છે. ઉપરાંત નરસિંહ, મીરાં, પ્રેમાનંદ જેવા ભક્ત કવિઓની પ્રતિમાઓ પણ છે.
આ ઉપરાંત ગઢડા ગામે ૧૭૫ વર્ષ પહેલાં બનેલો એક પ્રસંગ અહીં ખડો કરવામાં આવ્યો છે. તેમાં વચ્ચે ભગવાન સ્વામિનારાયણ બેઠા છે, એક તરફ સાધુઓ-શિષ્‍યો બેઠા છે અને બીજી તરફ ગ્રામજનો બેઠા છે. પહેલાં સ્વામી બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ અને મુક્તાનંદ સ્વામી સંગીતના વાદ્યો સાથે ભજન ગાય છે. ગ્રામજનો બાદમાં પોતાના મનની દ્વિધાઓ સ્વામીજી સમક્ષ રજૂ કરે છે. ખૂબ જ સુંદર, આબેહૂબ ભાવવાહી પ્રતિમાઓ અને અત્યાધુનિક ર્દશ્યશ્રાવ્ય ટેકનિકથી આ સંકુલની રચના કરવામાં આવી છે.

ગાંધીનગરનાં નવા આકર્ષણો
અમરનાથ ધામ અને ‘હાઇ-ટેક‘ ધાર્મિક પ્રદર્શન
આ દિવ્ય અમરનાથ ધામ, ગાંધીનગર નજીક, ગાંધીનગર-મહુડી રોડ ઉપર, સાબરમ‍તી નદીને કિનારે આવેલા સ્વપ્‍નસૃષ્ટિ વૉટર પાર્કની પાસે સર્જન પામ્યું છે. આ ભવ્ય અમરનાથ ધામ સુધી પહોંચવું અત્યંત સુગમ છે. બાબા અમરનાથની ગુફામાંથી નીકળતી શ્વેત-ભસ્મને છેક અમરનાથની યુફા (જમ્મુ-કાશ્મીર રાજ્ય)માંથી લાવીને આ અમરનાથ ધામના પવિત્ર બરફના શિવલિંગની નીચે ધાર્મિક વિધિ પ્રમાણે સ્થાપન કરવામાં આવી છે. અમરનાથ ધામમાં જ બરફના ભવ્ય શિવલિંગ ઉપરાંત દ્વાદશ જ્યોતિર્લિંગનું નિર્માણ એ વિશ્વની બીજી એક અજાયબી છે ! ભારતમાં દ્વાદશ જ્યોતિર્લિંગ જુદે જુદે સ્થળે આવેલા છે. તે સઘળાં જ્યોતિર્લિંગનાં દર્શન થઈ શકે છે.
વિશ્વ કલ્યાણ સંસ્થાએ ભારતીય ટેકનોલૉજીના જ સંપૂર્ણ ઉપયોગથી એનિમેટ્રોનિક્સ જેવા વણખેડાયેલા ક્ષેત્રે અદ્દભુત અને અપૂર્વ ક્રાંતિ કરી છે. આજથી પાંચ હજાર વર્ષો પૂર્વે ભગવાન શ્રીકૃષ્‍ણે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ‘ગીતા-જ્ઞાન‘ આપ્‍યું તેનું જીવંત ર્દશ્ય આ ‘હાઈ-ટેક પ્રદર્શન‘ને આપ હૂબહૂ નિહાળી શકશો અને આશ્ચર્યમાં ગરકાવ થઈ જશો !
આવો જ બીજો ભવ્ય પ્રસંગ એટલે ભગવતી અંબિકા દ્વારા કરાયેલ મહિષાસુર-મર્દનનો ! બ્રહ્માજીના વરદાનથી રક્ષિ‍ત રાક્ષસનો બ્રહ્મા, વિષ્‍ણુ, મહેશથી પણ નાશ થઈ શકે તેમ ન હોવાથી ત્રણે દેવોએ મહાશક્તિ દેવી અંબિકાનું પ્રાગટ્ય કર્યું. આ મહાશક્તિએ રણમેદાનમાં દુષ્‍ટ મહિષાસુરનો જે રીતે નાશ કર્યો તેનું જીવંત ર્દશ્ય જોઈને આપ આશ્ચર્યમાં ગરકાવ થઈ જશો ! આપ સ્વયં યુદ્ધ મેદાનમાં ઊભા હો એવું જીવંત ર્દશ્ય અને તાર્દશ્ય અનુભૂતિ થશે !
ઓશો : નિઓ સંન્યાસ કોમ્યુન
‘૬૦ના દાયકામાં વિશ્વના ફલક પર એક નૂતન વિચાર લઈને ઓશોએ દુનિયાભરનાં બૌધિકોને નવી દિશા ચીંધવાનું કાર્ય શરૂ કર્યું છે. ’૬૮ થી ’૭૪ સુધીમાં તો દેશભરમાં ભ્રમણ કરી અનેક ધ્યાન-શિબિરો અને પ્રવચન શ્રેણીઓ દ્વારા અનેકનાં હ્રદયમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાયો. ઓશો પૂનાસ્થિત થયા ત્યારે ઓશો વિચારધારાને વધુ વેગવાન બનાવવા મહેસાણામાં એક ધ્યાન કેન્દ્ર શરૂ થયું.
આજે સેન્ટર એક અનન્ય કોમ્યુન બની ચૂક્યું છે. ‘ધ્યાન કેન્દ્ર‘માંથી કોમ્યુનનો ઉચ્ચ દરજ્જો સ્વયં ઓશો દ્વારા જ મળ્યો છે. દેશભરમાં પૂના બાદ એકમાત્ર ગુજરાતના મહેસાણા નજીક પાલાવાસણા સ્થિત આ વિશાળ કોમ્યુન આજે વિશ્વસ્તરે વ્યક્તિની સ્વવિકાસ પ્રતિભા માટે તૈયાર થઈ રહ્યું છે. આ ‘નિઓ-સંન્યાસ કોમ્યુન‘ બાર એકર જમીનના વિશાળ ફલક પર પથરાયું છે.
લગભગ ચાલીસથી અધિક આધુનિક રૂમ્સની આગવી, સ્વીમીંગપુલ, આધુનિક જીમ, રેસ્ટોરન્ટ ધ્યાન માટે એક હજાર સાધકો બેસી શકે તેવું વિશાળ બુદ્ધ ઓડિટોરિયમ સહિત આ વિશાળ ઓશો કોમ્યુન જે ઓશો વિચારધારાને પ્રતિપાદિત તો કરે છે, પરંતુ તે ઓશો ઇન્ટર-નેશનલ મેડિટેશન રિસોર્ટ-પૂના, સાથે સંલગ્ન નથી, સ્વતંત્ર સંસ્થા છે. આ કોમ્યુનમાં માત્ર ‘ધ્યાન-મેડિટેશન‘ ને જ મહત્વ આપવામાં આવે છે. શિબિરાર્થીઓ, મુલાકાતીઓને અહીં પૂર્ણ રીતે સ્વતંત્રતા છે. ‘ધ્યાનમાં જે ઊર્જા છે તેનો અનુભવ ધ્યાનમાં ઊતરીને આવી શકે – ‘ તે સૂત્ર અહીં સિદ્ધ કરવાની અનેક ધ્યાન પ્રક્રિયાઓમાં તેઓ સહભાગી બની શકે છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors