ઓખાહરણ-કડવું-૭૧ (રાગ-ઢાળ)
શ્રીકૃંષ્ણ અનિરુધ્ધને સલાહ આપે છે
આણી વાતે કુંવર મારા, શરમાણા નવ થઈએ;
મારી વાતો તુજને કહું, રાખ તારે હૈયે.
એક કુબજા પેલી રાંટી ટુટી, કંસરાયની દાસ;
મારા મનમાં તે ગમી, બેસાડી રાખી આવાસ.
નરકાસુરને મારીને, સોળ હજાર લાવ્યો તરૂણી;
તારા સમ જો એમાં મુજને, એકે નથી પરણી.
તારી માને જઈને લાવ્યો, બાંધવને બંધાવી;
જાંબુવંતી રીંછડી, તેને માનિતી કહી બોલાવી.
તું મારો દીકરો, ધન તારી માનું પેટ;
બીજા સર્વે દીકરા, તે દેવે કરી વેઠ.
આપણા કુળમાં ચાલ્યું આવ્યું, શરમાણા નવ થઈએ;
રૂડી નારી દેખીએ, તો હરણ કરી લઈ જઈએ.
ઓધવ ને અક્રુર બે હસીઆ, ખડખડ મેલ્યા દાંત;
રૂડી શિખામણ છોકરાને, દ્યો છો જાદવનાથ.
જો આવી શિખામણ, અમારાં છોકરાં દેશો;
તો મૂકવું પડશે,જરુર દ્વારિકા ગામ.