ઉપનયન સંસ્‍કાર(સોળ સંસ્કાર)

સોળ સંસ્કાર
ઉપનયન એ હિંદુઓના જીવનનો એક મહત્‍વપૂર્ણ સંસ્‍કાર છે. આ સંસ્‍કારથી જ દ્વિજત્‍વના અધિકારી ત્રણ વર્ણોના બાળકોને દ્વિજત્‍વ પ્રાપ્‍ત થાય છે. ‘ઉપનયન’ શબ્‍દ સંસ્‍કૃત ધાતુ उ+पनी નજીક લઇ જવું, દોરી જવું પરથી બન્‍યો છે. એનો શાબ્દિક અર્થ ‘વિદ્યાર્થીને એના ગુરુ પાસે એના શિક્ષણ માટે લઇ જવો’ તે છે. આ સંસ્‍કારથી ત્રણે વર્ણોને વેદજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ મળતો. ડો. આનંદશંકર ધ્રુવના મતે આ સંસ્‍કાર વડે મનુષ્‍યના જ્ઞાન અને ચારીત્ર્યનો પાયો નંખાય છે અને મનુષ્‍ય નવું જીવન પામે છે. વિશાળ દ્રષ્ટિએ ઉપનયન સંસ્‍કારને ઉચ્‍ચ જ્ઞાન, ચારિત્ર્યઘડતર અને સંસ્‍કારસિંચનના ક્ષેત્રનો પ્રવેશ ગણી શકાય. જીવનની અને વ્‍યકિતત્‍વની સર્વાંગીણ સફળતા માટે આવશ્‍યક વર્ણ-વિશિષ્‍ટ વ્‍યવસ્‍થાના જ્ઞાનસહિત તમામ જ્ઞાન બ્રહ્મચારી માટે બ્રહ્મચર્યાશ્રમમાં મેળવી લેવું સંભવિત ગણાતું. મૂળમાં આ એક શૈક્ષણિક સંસ્‍કાર હતો, પરંતુ પ્રાથમિક શિક્ષણવાળો વિદ્યારંભ સંસ્‍કાર દાખલ થયા પછી અને વેદશિક્ષણની તથા ગુરુ પાસે લઇ જવાતી પ્રથા લુપ્‍ત થયા પછી એ એક શારીરિક સંસ્‍કારના રૂપમાં ફેરવાઇ ગયો. પહેલાં વિદ્યાર્થીને ગુરુના આશ્રમમાં ભણવા મૂકતા, હવે વિદ્યાર્થી ઘેર કે છાત્રાલયમાં રહી શાળા કે વિદ્યાલયમાં રોજ નિયત સમયે અમુક કલાક માટે ભણવા જાય છે. આથી ‘ઉપનયન’ નો અર્થ રહ્યો નથી. આથી આ સંસ્‍કાર દ્વિજત્‍વપ્રાપ્‍તીનો ધાર્મિક સંસ્‍કાર બની રહ્યો. દ્વિજત્‍વમાં પણ ગુરુ પિતા અને ગાયત્રી માતા એવાં નવાં માતા પિતા મળે ને એ બીજો જન્‍મ ગણાય એ ભાવના હતી, તે ભાવના પણ લુપ્‍ત થઇ ગઇ. અગાઉ ‘ઉપનયન’ માટે ‘યજ્ઞોપવીત’નું પ્રતીક હતું, તેનું જ મહત્‍વ રહ્યું.

ઉંમરઃ
ગૃહ્યસૂત્રો અને ઉતરકાલીન આચાર્યોના મતે બ્રાહ્મણના ઉપનયન સંસ્‍કાર આઠમા વર્ષે, ક્ષત્રિયના અગિયારમા વર્ષે અને વૈશ્‍યના બારમા વર્ષે કરવા જોઇએ. બોધાયન અનુસાર આઠ અને સોળ વર્ષની વચ્‍ચે બ્રાહ્મણનો ઉપનયન સંસ્‍કાર કરવો જોઇએ. અતિ પ્રાચીન કાલમાં બ્રાહ્મણ પિતા બ્રહ્મચારીઓનો આચાર્ય પણ હતો. આથી નાની ઉંમરમાં તેના પુત્રને ઉપનયન સંસ્‍કાર થાય એમાં કોઇ મુશ્‍કેલી નહોતી. જયારે ક્ષત્રિય અને વૈશ્‍ય બાળકોએ માતા પિતાથી અલગ થવું પડતું. આથી મોટી ઉંમરે અર્થાત્ ૧૧-૧ર વર્ષની વયે આ સંસ્‍કાર થતો.
કેટલાક વિશિષ્‍ટ ગુણોની પ્રાપ્‍તી માટે જુદી જુદી ઉંમર દર્શાવાઇ છે, જેમ કે બોધાયન અનુસાર બ્રહ્મવર્ચસની પ્રાપ્‍તી માટે સાતમા, દીર્ઘાયુષ્‍ય માટે આઠમા, ઐશ્ર્વર્ય માટે નવમા, ભોજન માટે દસમા, પશુઓ માટે બારમા, શિલ્‍પકૌશલ માટે તેરમા, તેજસ્વિતા માટે ચૌદમા, બાંધવો માટે પંદરમા અને બધા ગુણોની પ્રાપ્‍તી માટે સોળમા વર્ષે ઉપનયન સંસ્‍કાર કરવો જોઇએ.
આરંભકાલમાં ઉપનયન સંસ્‍કાર પ્રાથમિક શિક્ષણના આરંભનો સૂચક હતો, ત્‍યારે આ સંસ્‍કાર માટેની ઉંમર નાની હતી. પરંતુ વિદ્યારંભ સંસ્‍કારના આગમન સાથે આ સંસ્‍કાર પ્રાથમિક શિક્ષણનો સૂચક ન રહ્યો, ત્‍યારે એને માટે મોટી ઉંમર નિશ્ર્ચિત કરાઇ.
આ સંસ્‍કાર માટેની અંતિમ ઉંમર બ્રાહ્મણ માટે સોળ, ક્ષત્રિય માટે બાવીસ અને વૈશ્‍ય માટે ચોવીસ વર્ષની હતી. જે વ્‍યકિતનો ઉપનયન સંસ્‍કાર ધાર્મિક વિધિ અનુસાર ઉચિત સમયે ન થયો હોય તે દ્વિજત્‍વથી પતિત મનાતો અને સમાજ એનો બહિષ્‍કાર કરતો, જો કોઇ નિર્ધારિત અંતિમ સમય પછી પણ ઉપનયન સંસ્‍કાર ન પામ્‍યો હોય તો આર્યસમાજમાં નિંદિત મનાતો અને ધાર્મિક તેમજ સામાજીક વિશેષાધિકારોથી વંચીત રહેતો. આવા ગાયત્રીવ્રતચ્‍યુતને ‘પતિતસાવિ‍ત્રીક’ કે ‘વ્રાત્‍ય’ (મનુ. 2, 39) કહેતા. વ્રાત્‍યો શિષ્‍ટ સમાજમાં ઊતરતી કોટિના ગણાતા.
સમયઃ
આ સંસ્‍કાર બ્રાહ્મણ તથા ક્ષત્રિય માટે સૂર્યના ઉતરાયણ સમયે થતો; વૈશ્‍ય બાળકો માટે દક્ષીણાયનમાં થતો. વિભિન્‍ન વર્ણો માટે આ સંસ્‍કાર કરવા ભિન્‍ન ભિન્‍ન ઋતુઓ નિશ્ર્ચિત હતી. બ્રાહ્મણનો ઉપનયન સંસ્‍કાર વસંતમાં, ક્ષત્રિયનો ગ્રીષ્‍મમાં અને વૈશ્‍યનો શરદમાં થતો. સંસ્‍કાર માટે શુકલપક્ષ વધુ ઉચિત મનાતો.
વિધિઃ
ઉપનયન સંસ્‍કાર માટે એક મંડપનું નિર્માણ કરાતું. સંસ્‍કારના એક દિવસ પહેલાં અનેક પૌરાણિક વિધિ-વિધાન કરાતાં. ઉપનયનની પૂર્વ રાત્રિએ બાળકના શરીર પર પીઠી ચોળાતી અને શિખા સાથે એક ચાંદીની વીંટી બાંધી દેવામાં આવતી. એ પછી એણે આખી રાત મૌન રહી પસાર કરવાની હતી. બીજા દિવસે પ્રાતઃકાલે માતા-પુત્ર છેલ્‍લી વાર સાથે ભોજન કરતા, જેને ‘શિરામણ’નો રિવાજ કહે છે. ભોજન બાદ આહવનીય અગ્નિ પ્રદીપ્‍ત હોય એ મંડપમાં માતા- પિતા બાળકને લઇ જતા. બાળકના મુંડન બાદ તેને સ્‍નાન કરાવી એક કૌપીન પહેરવાનું હતું. બાળક આચાર્ય પાસે જતો અને બ્રહ્મચારી થવાની ઇચ્‍છા વ્‍યકત કરતો. આચાર્ય એને મંત્ર સાથે વસ્‍ત્ર આપતા. ગૃહ્યસૂત્રમાં વિભિન્‍ન વર્ણો માટે વિભિન્‍ન પદાર્થોમાંથી બનેલાં વસ્‍ત્રોનું વિધાન છે. આચાર્ય બાળકની કેડની ચારે બાજુ મેખલા બાંધી દેતા. મેખલા સૂત્રના ત્રણ વળથી બનતી અને બ્રહ્મચારી ત્રણ વેદોથી આવૃત છે એ સૂચવતી. જુદા જુદા વર્ણો માટે જુદા જુદા પદાર્થોમાંથી મેખલા બનતી. બ્રાહ્મણને મુંજની, ક્ષત્રિયને ધનુષની પ્રત્‍યંચાની અને વૈશ્‍યને ઊનની હોવાનું જણાવાયું છે. મેખલામાં પવિત્રતા અને બ્રહ્મચર્યને રક્ષવાની શકિત છે.
મેખલા ધારણ કર્યા પછી બ્રહ્મચારીને ઉપવીતસૂત્ર (જનોઇ) અપાતું. બ્રાહ્મણે કપાસનું, ક્ષત્રિયને શણનું, અને વૈશ્‍યે ઘેટાના ઊનનું ઉપવીત ધારણ કરવાનું ‘મનુસ્‍મૃતિ’માં કહ્યું છે. ભિન્‍ન ભિન્‍ન વર્ણો અનુસાર ઉપવીત ભિન્‍ન ભિન્‍ન રંગનાં હતાં. બ્રાહ્મણ શ્ર્વેત ઉપવીત, ક્ષત્રિય લાલ અને વૈશ્‍ય પીળું ઉપવીત ધારણ કરતો. ઉપવીત ત્રણ સૂત્રો (દોરીઓ)નું બનેલું હોય છે ને એના બંને છેડાને ગાંઠ મારવામાં આવતી. ઉપવીત ધારણ કરનાર વ્‍યકિતના પૂર્વજોના પ્રવરોની સંખ્‍યા જેટલી ગાંઠ મારવામાં આવતી. ઉપવીતના પ્રત્‍યેક સૂત્રના ત્રણ ઘેરા સત્‍વ, રજસ અને તમસ એ ત્રણ અવસ્‍થાના પ્રતિનિધિ હતા, અને એ ઋષી-ઋણ, પિતૃ-ઋણ તથા દેવ-ઋણમાંથી મુકત થવાનું સ્‍મરણ કરાવવા માટે હતા. ત્રણે સૂત્ર એક ગ્રંથિ દ્વારા પરસ્‍પર બાંધવામાં આવતા, જે બ્રહ્મગ્રંથિ કહેવાતી અને બ્રહ્મા, વિષ્‍ણુ તથા શિવની પ્રતીક હતી. એ પછી બ્રહ્મચારીને અજિન (મૃગચર્મ) અપાતું. આચાર્ય વિદ્યાર્થીને કષ્‍ટમય જીવનના પ્રવાસના ધ્‍યેયને સૂચિત કરતો એક દંડ પણ આપતો. બ્રહ્મચારીને દંડ-પ્રદાન કરી વેદોની રક્ષાનું કર્તવ્‍ય સોપવામાં આવતું. દંડનો પ્રકાર વિદ્યાર્થીના વર્ણ પર આધારિત હતો. બ્રાહ્મણનો દંડ પલાશનો, ક્ષત્રિયનો ઉદુમ્‍બરનો તથા વૈશ્‍યનો બિલ્‍વનો હતો. આચાર્ય શિષ્‍યના જમણા ખભા સુધી પહોંચી ‘હું મારા વ્રતમાં તારું હ્રદય ધારણ કરુ છું’ વગેરે શબ્‍દો દ્વારા એના હ્રદયનો સ્‍પર્શ કરે છે. અશ્‍મારોહણમાં બ્રહ્મચારીને પથ્‍થર પર આરુઢ થવા માટે જણાવાયું છે. એનું પ્રયોજન વિદ્યાર્થીને શરીર તથા ચારીત્ર્યમાં દ્રઢ બનાવવાનું અને અભ્‍યાસમાં મક્કમ રહેવાનું કહ્યું છે.
આચાર્ય બ્રહ્મચારીનો જમણો હાથ પકડી એનું નામ પૂછતો. આચાર્ય અધ્‍યાપન તથા રક્ષા માટે વિદ્યાર્થીને ગ્રહણ કરતો. અગ્નિની પ્રદક્ષીણા કરીને એમાં આહુતિ આપ્‍યા બાદ બ્રહ્મચારીનો સ્‍વીકાર કરી આચાર્ય એને ઉપદેશ આપતો. સાવિત્રી મંત્ર શીખવવામાં આવતો. સાવિત્રી મંત્રનું હાલ લોકપ્રીય નામ ‘ગાયત્રી’ છે. પરંતુ ખરી રીતે એ ઋગ્‍વેદના ત્રીજા મંડળના સૂકત ૬રમાં આવતી ૧૦મી ઋચા છે, જે સવિતૃ-દેવને ઉદેશીને છે. આથી ખરેખર એ ‘સાવિત્રી ઋચા’ (સાવિત્રી મંત્ર) કહેવાય. આ ઋચા ગાયત્રી છંદમાં રચાઇ છે, જેમાં દરેક શ્ર્લોક આઠ-આઠ અક્ષરનાં ત્રણ ચરણોમાં બનેલો હોય છે. આ ઋચાનો અર્થ છેઃ ‘દેવ સવિતાના તે વરેણ્‍ય (ઉતમ) ભર્ગ (તેજ)નું (અમે) ધ્‍યાન ધરીએ છીએ, જે અમારી બુદ્ઘિઓને પ્રોત્‍સાહિત કરે.’ બ્રાહ્મણ માટે આચાર્ય સાવિત્રી મંત્રનો ઉપદેશ ગાયત્રી છંદમાં, ક્ષત્રિય માટે ત્રિષ્‍ટુભ છંદમાં, અને વૈશ્‍ય માટે જગતી છંદમાં આપે છે. સાવિત્રી મંત્રથી કાર્યક્ષમ બુદ્ઘિ અને તેજસ્‍વી જીવનની પ્રાપ્‍તી થતી, એમ મનાય છે. ગાયત્રી મંત્રના ઉપદેશ પછી યજ્ઞીય અગ્નિને પ્રથમ વાર પ્રદીપ્‍ત કરાતો તેમજ એમાં આહુતિ નાંખવાનું કૃત્‍ય થતું. સંપૂર્ણ વિદ્યાર્થીજીવન પર્યંત એના નિર્વાહના સાધન ભિક્ષાનો આરંભ થતો. બટુક માતા, કાકી, મામી, માસી, ફોઇ વગેરે પાસે ‘भवति, भिक्षां, देही’ કહી ભિક્ષા માગે, તે વારાફરતી મિષ્‍ટાન્‍નથી ભિક્ષા પીરસે, ક્રિયા કરાવનાર પુરોહિતને અભિક્ષામાંથી હિસ્‍સો મળે- આ સામાજીક પ્રથાનું મહત્‍વ પ્રવર્તે છે. ઉપનયન સંબંધી વિધિ-વિધાનોની સમાપ્‍તી પર વિદ્યાર્થી ત્રણ દિવસ સુધી કઠોર સંયમના વ્રતનું પાલન કરતો. જેને ‘ત્રિરાત-વ્રત’ કહેતા. આ વ્રત બાર દિવસ કે એક વર્ષ ચાલતું. એના માટે ક્ષાર-ભોજન માંસભોજન અને મઘસેવનનો નિષેધ હતો, ત્‍યાર બાદ મેધાજનનની વિધિ કરવામાં આવતી જેના દ્વારા તેની સ્‍મૃતિને, બુદ્ઘિને અને ગ્રહણશકિતને તીવ્ર બનાવવામાં આવતી. વૈદિક જ્ઞાન ગ્રહણ કરવામાં સમર્થ મેધા પ્રાપ્‍ત થતી.
મહત્‍વઃ
ઉપનયન એ પ્રાચીન કાલમાં વિદ્યાર્થીજીવનના આરંભમાં થનાર એક સજીવ સંસ્‍કાર હતો. પુરૂષાર્થની સાધનામાં આ સંસ્‍કાર પ્રથમ સોપાન સમાન હતો. આ સંસ્‍કાર પછી વિદ્યારંભ કરી, આચાર્ય કુલવાસી બનતો અને ધર્મનું સ્‍વરૂપ સમજવાનો પ્રયાસ કરતો, સ્‍વચ્‍છતા અને સદાચારની દીક્ષા આ સંસ્‍કાર પછી શરૂ થાય છે. એના દ્વારા વ્‍યકિતના સક્રિય સામાજીક જીવનનો પ્રારંભ થાય છે. ઉપનયનથી શરૂ થતું શિક્ષણ એને સામાજીક કર્તવ્‍યોનો બોજ ઉઠાવવા તથા ધર્મપ્રધાન અર્થ તથા કામની સાધના માટે સજાગ બનાવે છે. આ સંસ્‍કાર પછી જ વ્‍યકિત ત્રિકાલ સંધ્યા, દૈનિક સ્‍નાન તથા શરીરની શુદ્ઘતા અને વિવેકપૂર્ણ આહાર આવશ્‍યક છે. આથી એક રીતે આ સંસ્‍કાર આત્‍માનુશાસન અને ઇન્દ્રિયનિગ્રહનો પ્રારંભ છે. આ સંસ્‍કારથી વ્‍યકિત બ્રહ્મચર્યજીવન વ્‍યતીત કરી ધર્મનું વાસ્‍તવીક સ્‍વરૂપ સમજી વૈયકિતક તથા સામાજીક આવશ્‍યકતાઓ તથા કર્તવ્‍યો પ્રત્‍યે સભાન બને છે.
આ સંસ્‍કાર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્‍ય એ ત્રણેય વર્ણોના દરેક સંતાનને આપવામાં આવતો હોઇ દરેક કુમાર-કુમારીના જીવન-ઘડતરમાં સંયમ, સદાચાર અને શારીરિક શ્રમની તાલીમ મળતી. આગળ જતાં કન્‍યાઓની આ સંસ્‍કારથી બાકાત રાખવામાં આવી ને તેનાથી સ્‍ત્રીઓએ વેદાઅભ્‍યાસનો અધિકાર ગુમાવ્‍યો. કુમારોમાંય આ સંસ્‍કાર ધીમે ધીમે બ્રાહ્મણો, રાજકુલો અને કારીગરોની અમુક જ્ઞાતિઓ પૂરતો સીમિત થઇ ગયો. પારસીઓમાં આવો સંસ્‍કાર ‘નવજોત’ સંસ્‍કાર કે ‘કસ્‍તી પહેરવાના’ સંસ્‍કાર તરીકે ઓળખાય છે.
આજકાલ તો ઘણા માત્ર સામાજીક રૂઢિના પાલન માટે જ આ સંસ્‍કાર કરાવે છે. એમાં અગાઉ ચારેક દિવસ ધાર્મિક સામાજીક પ્રસંગ ઊજવાતો. હવે આ ક્રિયા ટુંકમાં એક જ દિવસમાં પતાવવામાં આવે છે. કેટલાંક તો એને વિવાહ સંસ્‍કારની પૂર્વ સંધ્‍યાએ જ યોજી દે છે. રૂઢિપાલન માટે માતા પિતા આ સંસ્‍કાર અંગે અલગ ખર્ચ કરે છે. પરંતુ યજ્ઞોપવીત સંસ્‍કાર પ્રાપ્‍ત કરનાર છોકરા હવે ભાગ્‍યે જ એ પછી યજ્ઞોપવીત જાળવે છે.
છોકરીઓને તો માત્ર આર્ય સમાજીઓ જ આ સંસ્‍કાર કરાવે છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors