દેશભરના ઉદ્યોગપતિઓમાં અગ્રસ્થાન મેળવી કસ્તૂરભાઈ લાલભાઈએ ગુજરાતને ગૌરવવંતુ બનાવ્યું અને અમદાવાદના કાપડઉદ્યોગમાં પોતાની કુશાગ્ર બુદ્ધિ, કુનેહ અને પ્રતિભાથી મિલોનું માતબર સંકુલ સ્થાપ્યું. ઈ. ૧૮૯૪ની ૧૯મી ડિસેમ્બરે અમદાવાદમાં એમનો જન્મ થયો. ગર્ભશ્રીમંત પરિવારમાં તેઓ બીજા પુત્ર હતા. દાદા દલપતભાઈ ભનુભાઈ ઉદ્યોગક્ષેત્રે અગ્રેસર હતા. પિતા લાલભાઈ સ્થાનિક જૈન સમાજના મોવડી હતા. લાલભાઈ શિસ્તના કડક આગ્રહી હતા અને બાળકો પાસે પણ એવી જ અપેક્ષા રાખતા. ધર્મમાં શ્રદ્ધાવાન એમના પરિવારમાં ધાર્મિક નીતિઓનું ચુસ્ત પાલન થતું. ધર્મના પૂરા સંસ્કારો માતા મોહિનીબહેને પુત્રમાં ઉતાર્યા હતા. મેટ્રિકનો અભ્યાસ પૂરો કરી કસ્તૂરભાઈ કૉલેજમાં બેઠા ત્યાં જ પિતાનો સ્વર્ગવાસ […]