ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છના ઉત્તર-પૂર્વીય ભાગમાં વિશ્વનું સૌથી અનોખું રણ આવેલું છે. પહેલાં તો સૌને એવો સવાલ થાય કે કચ્છમાં જોવા જેવું છે શું ? પણ અહીં દરિયો છે, ડુંગરા છે,ને વન્યસૃષ્ટિ ને વિશાળ રણ પણ છે. વળી, સાંસ્કૃતિક વારસાને કારણે પણ કચ્છ વિશ્વભરમાં પ્રખ્યાત છે. કચ્છના વિશાળ રણની પશ્ચિમે અરબી સમુદ્ર અને પૂર્વમાં સરસ્વતી, રૂપણ અને બનાસ નદી વહે છે. આ ત્રણેય નદીઓ દરિયામાં નહીં પણ રણમાં સમાઈ જાય છે. એટલે જ એક તરફ મીઠું પાણી તો બીજી તરફ ખારું પાણી. આ કારણે આપોઆપ અહીં મીઠું બને છે. કચ્છના રણનું નામ સાંભળતા તો મગજમાં ઉજજડ પ્રદેશ યાદ આવે છે, પણ તમે જાણતાં નહીં હોય કે આ કચ્છના રણના યાદ આવતા ચાંદની રાતે કચ્છના રણનું દૃશ્ય એવું મનોહર હોય છે કે જાણે ધરતી પરથી સ્વર્ગ ઊતરી આવ્યું હોય. શિયાળામાં ફલોમિંગો સહિત કેટલાંય વિદેશી પક્ષીઓનું આશ્રયસ્થાન પણ આ કચ્છનું રણ બને છે. આ રણમાં ચિંકારા, સોનેરી શિયાળ, રણ શિયાળ, નીલ ગાય તેમદ કાળિયારની વસ્તી પણ છે. ખરેખર આ કચ્છનું રણ મનને મોહી લે એવું છે.