જે મનુષ્ય ઝાઝા ઉપવાસ ન કરી શકતો હોય અને જેને ખૂબ પુણ્યવાન બનવું હોય તેણે શ્રવણ નક્ષત્રના યોગવાળી શ્રવણ દ્વાદશીનું વ્રત કરવું. આજે ઉપવાસ કરી સ્નાન કરવું. નારાયણનું પૂજન કરવું. માત્ર તેમનું પૂજન કરવાથી સઘળી એકાદશી કર્યાંનું પુણ્ય મળે છે. આ વ્રત કરવાથી ગંગાસ્નાનનું ફળ મળે છે. કથા – દાશાર્ણક નામનો દેશ છે. તેની પશ્ચિમે મારવાડ છે. મારવાડમાં હરિદત્ત નામનો વાણિયો વ્યાપાર કરી જીવતો હતો. તે પોતાના સંઘથી જુદો પડી ગયો હતો તેથી મારવાડમાં વસ્યો હતો. ત્યાંનાં પશુ – પક્ષી – માણસો માંસ – લોહી વગરનાં જોઈ તે ગભરાતો હતો. એક વખત તે કોઈ કામે બહાર ગયો હતો.તે પૂરું થતાં તેને ભૂખ, થાક, તરસ લાગી. તેથી થોડો ચિંતાતુર થયો. ત્યાં તેણે કેટલાંક દૂબળાં – પાતળાં પ્રેત જોયાં. તેમને જોઈ વાણિયો ડરી ગયો. તો પણ તેઓ ન જાણે તેમ તેમની સાથ ચાલવા લાગ્યો. બધાં પ્રેત સાથે વાણિયો એક ઝાડ નીચે આવી બેઠો. એટલામાં વાણિયાને જોઈ એક મોટું પ્રેત તેની પાસે આવ્યું. તેને પૂછવા લાગ્યું , ” આપ આવા વનમાં કેમ આવ્યા છો ? ” વાણિયાએ તે પ્રેતને કહ્યું, ” હે પ્રેતરાજ મારાથી બોલાતું નથી. ભૂખે – તરસ મારું ગળું સુકાય છે. આપ મને કાંઈ ખાવા – પીવા આપો. ” તેથી તે પ્રેતે તેને કહ્યું કે, ” આપ આ પુન્નાગ નામના વૃક્ષ નીચે બેસો. હું આપને કાંઈક આપું છું.” વાણિયો ત્યાં બેઠો એટલે પ્રેતે વૃક્ષ પરથી દહીં – ભાત ભરેલું માટીનું પાત્ર આપ્યું. સાથે શીતળ જળ આપ્યું. વાણિયાએ તે ખાધું – પીધું પછી બીજાં બધાં પ્રેતે તે ખાધું – પીધું. શાંતિ વળતાં વાણિયાએ તે પ્રેતને પૂછયું કે, ” હે પ્રેતરાજ, આ બધું અહીં કેવી રીતે આવ્યું ? તમે કોણ છો? આ બધું કેવી રીતે મળે છે ? ” તેથી તે પ્રેતે વાણિયાને કહ્યું કે, ” હે વણિકશ્રેષ્ઠ, પૂર્વે હું શાકલ નામનો વાણિયો હતો. હું નાસ્તિક તથા લોભી હતો. એક વખત સંન્યાસી મારે ત્યાં ભિક્ષા માગવા. જળ પીવા આવ્યો. મેં તેમને કાંઈ આપ્યું નહીં. મારા પડોશમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે ભાદરવાની દ્વાદશીએ શ્રવણ નક્ષત્રમાં મારી સાથે તાપી – ચંદ્રભાગાના સંગમે આવ્યો. અમે ત્યાં વારંવાર સ્નાન કરી ઉપવાસ કર્યો. પેલા બ્રાહ્મણે સુંદર ઘડામાં જળ તથા દહીં -ભાત બ્રાહ્મણને આપ્યાં. મારા ધનના રક્ષણ માટે મેં પણ તેમ કર્યું. પછી અમે ઘેર આવ્યા. હું પછી મૃત્યુ પામ્યો. નાસ્તિક હોવાથી હું પિશાચ થયો. અહીં હું ભમું છું. પૂર્વે મેં દહીં – ભાત જળનું દાન કર્યું હોવાથી મને દરરોજ તેનું ફળ મળે છે. આ બધાં પ્રેતોમાંથી કેટલાંક બ્રાહ્મણનું ધર હરવાથી, કેટલાક પરસ્ત્રી સંગથી, કેટલાક દુષ્ટ કર્મ કરવાથી પ્રેત થયા છે. તે ખાવા – પીવા માટે મારા દાસ થયા છે. મેં શ્રવણ દ્વાદશીનું જે કાંઈ પુણ્ય કર્યું હતું તેથી મને તેનું અક્ષય ફળ મળે છે. તેથી મારો તથા આ પ્રેતેનો નિર્વાહ થાય છે. તમે મારા અતિથિ થયા. તેથી હું આ યોનિમાંથી મુકત થાઉં છું. મારા જવાથી આ પ્રેતો પુષ્કળ પીડા પામશે. આપ તેમનાં મોક્ષ માટે તેમનાં નામ, ગોત્ર પૂછી હિમાલયમાં જાવ. ત્યાં તમને પુષ્કળ ધન મળશે. તે દ્વારા આ બધાની સદગતિ કરો.” તે પ્રેતનું શરીર છૂટતાં તે દિવ્ય શરીરવાળો થઈ સ્વર્ગે ગયો. પેલા વાણિયાએ બધાં પ્રેતોનો ઉદ્ધાર કર્યો. અંતે તે પણ સ્વર્ગે ગયો. પેટા – શ્રવણ નક્ષત્રના યોગવાળી આ દ્વાદશી કરવાથી અક્ષયપુણ્ય મળે છે. માટે થોડો શ્રમ લઈ આ વ્રત અવશ્ય કરવું.