વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. તેનું જુનું નામ વટપદ્ર છે. વડોદરાનું નામ સંસ્કૃત \’વટસ્ય ઉદરે\’ ઉપરથી ઉતરી આવ્યું હોવાનું પણ માનવામાં આવે છે. વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા વડ (સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાં ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર \’વટસ્ય ઉદરે\’ કળક્રમે અપભ્રંશ થતા થતા વડોદરા થઇ ગયું છે. અંગ્રેજીમાં લોકો ઘણીવાર તેને બરોડા કહીને પણ બોલાવે છે. આ નગર ગાયકવાડ વંશના મરાઠા રાજ્યનું પાટનગર હતું. ગુજરાતના તમામ શહેરો પૈકી વડોદરામાં મરાઠીઓનો સૌથી મોટો સમાજ જોવા મળે છે.
વડોદરા ગુજરાત રાજ્યનું મહત્વનું ઔદ્યોગીક કેન્દ્ર પણ છે જેમાં પેટ્રોકેમીકલ્સ, રાસાયણિક ટેક્ષટાઇલ્સ તથા ઇજનેરી ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ગુજરાતના મોટા શૈક્ષણિક કેન્દ્રોમાંનું એક મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાં આવેલું છે. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફાઈન આર્ટસ કૉલેજ તથા ઇજનેરી કૉલજ (જે કલાભવનના નામે પણ ઓળખાય છે) વિશ્વવિખ્યાત છે.
વડોદરા શહેર પ્રાચીન અસ્મિતા તથા અઘ્યતન પ્રગતિશીલતાનો સમન્વય છે. ગાયકવાડના સમયનાં મહેલો, મંદિરો તથા સ્મારકો અને અધ્યતન શોપિંગ કોમ્પ્લેક્સો તથા મલ્ટીપ્લેક્ષ સિનેમાઘરો તેનો પુરાવો છે. આજે પણ વડોદરાને ભારતની \’સંસ્કાર નગરી\’ તરીકે પણ ઓળખવામાં આવે છે.