પરિચય :
થોડાં વરસો પહેલાં આપણાં ઘરોમાં સુવાનો મુખવાસ તરીકે ઘણો ઉપયોગ થતો; ઔષધ તરીકે પણ તેનો અવારનવાર ઠીક ઠીક ઉપયોગ થતો; પરંતુ તેના તીખા અને કટુ સ્વાદને કારણે હાલમાં તેનો ઉપયોગ ઘણો જ ઘટી ગયો છે. આ સુવાના ગુણનો ખ્યાલ કરીને આપણે ફરીથી તેનો ઉપયોગ વધારવો જોઇએ. દરેક સારી અને ગુણકારી વસ્તુનો સ્વાદ માણવો જોઇએ.
ગુણધર્મ :
સુવા કડવા, તીખા, પાચક, સ્નિગ્ધ, ઉષ્ણ, દીપન અને પેટના વાયુની તકલીફ માટે ઉપયોગી છે. તે વાત, કફ, દાહ, જ્વર, નેત્રરોગ, શૂળ, ઊલટી, વ્રણ, અતિસાર, આમ તથા તૃષાની તકલીફને મટાડે છે. વળી લોહીની શુદ્ઘ પણ કરે છે.
ઉપયોગ :
(૧) વાતવિકાર ઉપર : સુવા, હિંગ અને સિંધવનું ચૂર્ણ એક નાની ચમચી પાણી સાથે ફાકવું. (૨) સુવા, હિંગ અને સિંધવના ચૂર્ણને વાટીને લેપ કરવાથી સંધિવાત, કટિવાત અને અસ્થિવાતનો નાશ થાય છે.
(૩) અતિસાર ઉપર : સુવા અને મેથીનું ચૂર્ણ દહીં સાથે મેળવીને લેવું.
(૪) ઝાડામાં આવતી દુર્ગંધ માટે : સુવા અને મેથીનું ચૂર્ણ દહીં કે છાશ સાથે લેવું.