ખાઘ પદાર્થોમાં તેલોનું ઘણું મહત્વ છે. આપણે આહારમાં આજે વિવિધ પ્રકારના તેલોનો ઉપયોગ ખાદ્ય પદાર્થો તરીકે થઇ રહ્યો છે. ઉતરી રાજયોમાં સરસવના તેલનું મહત્વ છે તો દક્ષીણના રાજયમાં કોપરેલ તેલનો ઉપયોગ વ્યાપક છે. કારણ કે તે પ્રદેશોમાં તેનું ઉત્પાદન વધું થાય છે. જયારે ગુજરાત મહારાષ્ટ્ર વગેરેમાં તલના તેલનો ઉપયોગ પહેલા ખૂબ વધારે પ્રમાણમાં થતો. સમય જતા મગફળીનું વાવેતર વધવા લાગ્યું એટલે મગફળીના તેલનો ઉપયોગ થવા લાગ્યો. પરંતુ ઉત્પાદનની અનિશ્રિતતા તેમજ પડતર મોંઘુ પડવાથી મગફળીના તેલની કિંમત વધતી ગઇ, આમ લોકોને આ તેલ મોંઘુ લાગવા માંડયું, તો બીજી બાજુ કપાસનું ઉત્પાદન વધવા લાગ્યું, તેમાંથી નીકળતા બીયાંનો ઉપયોગ ઢોરોને ખવડાવવામાં વધુ થતો, પરંતુ આજે આ જ બીયાંમાંથી તેલનું ઉત્પાદન કરવામાં આવે છે જેને કોટનસીડ – કપાસીયાનું તેલ કહેવામાં આવે છે.
આપણે આપણા આહારમાં તેલ, ઘી, માખણ અને અન્ય ચરબીવાળા પદાર્થો લઇએ છીએ તેનો ઉપયોગ તળવામાં, શેકવામાં, મોણ માં અને મીઠાઇ બનાવવા કરીએ છીએ. વ્યકિતમાં ચરબીનું પ્રમાણ ૧૫ ટકા આસપાસ હોય છે. ભારતમાં માખણ અને ઘીનો ઉપયોગ વધારે થાય છે. ચરબીનું પાચન પકવાશયમાં શરૂ થાય છે. તેમાં પિત ભળે છે. ચરબીનું વિભાજન પામી તેમાંથી ગ્લિરોલ અને ફેરી એસિડોમાં રૂપાંતર થાય છે. તૈલી પદાર્થોમાં ફેરી એસિડો રહેલા હોય છે. તેમાં બે પ્રકારના ફેટી એસિડો હોય છે એક સંતૃપ્ત અને બીજા અસંતૃપ્ત. તૈલી પદાર્થોની શુધ્ધતાનો આધાર તેના આયોડીન આંક અને સાબુનીકરણ આંક ઉપર છે. મગફળી અને તલ તેલનો આયોડીન આંક અનુક્રમે ૯૩ અને ૧૦૮ જેટલા છે. મગફળી અને તલના તેલોમાં અસંતૃપ્ત એસિડ વધારે છે. તેથી કોલેસ્ટોરેલને નિયંત્રણમાં રાખે છે. સંતૃપ્ત ફેટી એસિડથી કોલેસ્ટોરેલનો પદાર્થ બનાવે છે. તેનું પ્રમાણ વધે તો હૃદયરોગ થાય છે. તલ અને મગફળીના તેલના ભાવ વધારે હોવાથી હવે કપાસીયાના તેલનો ઉપયોગ વધુ થવા લાગ્યો છે.
કપાસને અંગ્રેજીમાં કોટન કહે છે. કપાસમાંથી તાંતણા તૈયાર કરવામાં આવે છે તેના ઉપયોગ હજારો વર્ષોથી કપડા તેમજ દોરડા બનાવવા માટે થાય છે. કપાસ વર્ષાયુ ઝાડ છે અને તેની ઉંચાઇ બે ત્રણ હાથ ઉંચા હોય છે. કપાસની બીજી નરમા જાત છે. તેના ઝાડ મોટા છે. કપાસમાંથી રૂ મેળવવામાં આવે છે અને તેના બીયાંમાંથી તેલ કાઢવામાં આવે છે. કપાસને સંસ્કૃતમાં કાર્પાસી, મરાઠીમા દેકાપસી, હિન્દીમાં કપાસ, લેટિનમાં ગાસિપિયમ અશ્બેટમ કહે છે. ભારતના ઇતિહાસ પ્રમાણે સુતરાઉ કપડાં કપાસમાંથી ૫૦૦૦ વર્ષ પહેલા તૈયાર કરવામાં આવતાં.કપાસના બીયાંમાંથી કાઢવામાં આવતું તેલ જો રીફાઇન્ડ કરેલું ન હોય તો તેનો ઉપયોગ જંતુનાશક તરીકે થાય છે. તેમાં પાલ્મીટિક એસિડ રર થી ર૬ ટકા, ઓલિક એસિડ ૧૫ થી ર૦ ટકા, લિનોઇક એસિડ ૪૯ થી ૫૮ ટકા જેટલું હોય છે તે ઉપરાંત તેમાં એરાચિડિક બેહનઇક અને લિગ્નોસેરિક એસિડો રહેલા હોય છે. કપાસીયા ના તેલ મા સાયકલો પ્રોપેન રહેલુ છે જે નુકસાનકારક છે, પરંતુ જ્યારે કપાસીયાના તેલને રીફાઇન્ડ કરવામાં આવે છે ત્યારે તે દૂર થઇ જાય છે. ઉપરાંત તેમાંથી રંગ દૂર કરવામાં આવે છે તેથી તે નુકસાનકારક બનતું નથી.કપાસીયાના તેલમાં સંતુપ્ત ફેટી એસિડોનું પ્રમાણ રર ટકા અને મોનોઃ અસંતુપ્ત એસિડ એટલે કે ઓલેઇક એસિડનું પ્રમાણ રપ ટકા, પોલી સંતુપ્ત એસિડો તેમાં લિનોલેઇક એસિડનું પ્રમાણ પર ટકા અને આલ્ફા લિનોલેઇક એસિડનું પ્રમાણ એક ટકા જેટલું હોય છે, આથી વધારે પડતા કપાસીયાના તેલનો ઉપયોગ ફરસાણના ઉત્પાદન એટલે કે નમકીન બનાવવા માટે થાય છે.
કપાસીયાના તેલમાંથી બનાવેલ વસ્તુઓ ખાસ પ્રકારની વાસ આવતી ન હોવાથી તેનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. વિદેશમાં તેનો વપરાશ વધ્યો છે. પશ્રિમ ના દેશોમાં માછલી, ચિકન નૂડલ્સ, બટેટામાંથી તૈયાર કરવામાં આવતી વેફરના ઉત્પાદનમાં બહોળા પ્રમાણમાં થાય છે. બીજા તેલોમાંથી બનાવવામાં આવતા ફરસાણમાં લાંબા સમયે તેની વાસ બદલાય જાય છે. ખાદ્ય તેલ તરીકે હવે કપાસીયાના તેલનો ઉપયોગ સારા એવા પ્રમાણમાં થવા લાગ્યો છે. ઉપરાંત મોંઘા તેલોમાં વિવિધ તેલોની ભેળસેળ કરવામાં આવે છે. ત્યારે કપાસીયાના તેલમાં ભેળસેળ પ્રમાણમાં ઓછી થાય છે.
ર૦૦૬માં જીનેટીકલી એન્જિનિયંડ ટોકસીન ફ્રિ કોટન સીડ નામનો નિબંધ પ્રસિધ્ધ કરવામાં આવેલ. તેના સંશોધન માટેનું કેન્દ્ર યુએસ નેશનલ એકેડમી સાયન્સના સંશોધકો ગણેશન સુનિલકુમાર, લેએને, એમ. કેમ્પબેલ, લોરેઇન પુકખાબર હતા તેનું નેતૃત્વ અમેરિકન વૈજ્ઞાનિક કીર્તિ રાઠોરે લીધેલું. ગોશીપોલયુકત પ્રકારના કપાસની જાતનો વિકાસ કર્યો તેવા પ્રકારના બીયાં તૈયાર કર્યા જે પ્રાણીઓનો આહાર તૈયાર કરવામાં તેમજ માનવીના દૈનિક આહારમાં વપરાતા તેલની ગુણવતા ખૂબ જ સારી જોવા મળશે. તેને કારણે કપાસીયાના તેલનો ઉપયોગ વ્યાપક બનશે.
ડૉ.રમેશભાઇ ભાયાણી