અર્જુન બોલ્યા –
સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ, કેશવ
બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુદ્ધિનો ૧
શ્રી ભગવાન બોલ્યા — મનની કામના સર્વે છોડીને, આત્મમાં જ જે,
રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો.૨
દુઃખે ઉદ્વેગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઈ;
ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિરબુદ્ધિનો.૩
આસક્ત નહિ જે ક્યાંય, મળ્યે કાંઇ શુભાશુભા;
ન કરે હર્ષ કે દ્વેષ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. ૪
કાચબો જેમ અંગોને, તેમ જે વિષયોથકી સંકેલે
ઇન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. ૫
નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં;
રસ રહી જતો તેમાં, તે ટળે પેખતાં પરં.૬
પ્રયત્નમાં રહે તોયે, શાણાયે નરના હરે
મનને ઇન્દ્રિયો મસ્ત, વેગથી વિષયો ભણી. ૭