આવી પૂણ્યભૂમિમાં હજારો વર્ષ પહેલાં એક શિવભક્ત બ્રાહ્મણ રહેતો હતો. તેને દેવપ્રિય, પ્રિયમેઘ, સુકૃત અને સુવ્રત નામના ચાર પુત્રો હતા. આ પાંચેય બ્રાહ્મણો અગ્નિહોત્રી અને વેદપાઠી હતા અને પોતાની શિવભક્તિ તેમ જ ધર્મનિષ્ઠા માટે ખૂબ મોટી ખ્યાતિ ધરાવતા હતા. બાજુમાં આવેલ જંગલમાં રત્નમાળ નામના પર્વત ઉપર દૂષણ નામનો એક રાક્ષસ રહેતો હતો. તે ઘણો અભિમાની અને ઈર્ષાળુ હતો અને બ્રાહ્મણોની ચોમેર ફેલાએલી કીર્તિથી ઘણો અકળાતો હતો. છેવટે તેણે પોતાની તાંત્રિક વિદ્યા અજમાવીને બ્રહ્માજીની ઉપાસના કરી અને તેમની પાસેથી વરદાન મેળવીને મૃત્યુલોકમાં પાછો ફર્યો અને પોતાના રાક્ષસદળ સાથે આ વિસ્તારમાં ઘૂસીને ત્રાસ વર્તાવવા લાગ્યો. આખા પ્રદેશમાં હાહાકાર મચી ગયો.
આ અગ્નિહોત્રી બ્રાહ્મણોએ યજ્ઞો કરીને આ ત્રાસમાંથી રક્ષણ કરવા શિવજીને પ્રાર્થના કરી. બ્રહ્માજીનું વરદાન મેળવી ચૂકેલ રાક્ષસ દુષણની અસુરતા ચારે તરફ ફરી વળી હતી અને બ્રાહ્મણોની સાધનામાં અવિરત વિધ્નો ઊભાં કરી રહી હતી, છતાં શિવજી પણ બ્રહ્માજીનું વરદાન કેમ કરીને ખાળી શકે ? એટલે શિવજી બ્રહ્માજી પાસે ગયા અને હકીકત સમજાવી. આથી નિર્દોષસાધક બ્રાહ્મણો પ્રત્યે ત્રાસ વર્તાવવાની વૃતિ પોતાનાં વરદાનનો છેદ અને દુરુપયોગ કરતો હોવાનું જાણી બ્રહ્માજીને યમરાજને મોકલીને અસુરોનો દેહાંત કરવાનો આદેશ આપ્યો. પરંતુ આ અસુર દુષણ સિદ્ધ તાંત્રિક હોવાથી, યમરાજા આવે તે પહેલાં જ પોતે પોતાનું અસુર-દળ અર્દશ્ય થઈ ગયો અને પ્રેત રૂપે બ્રાહ્મણોને રંજાડવાનું શરૂ કર્યું. આથી આ અગ્નિહોત્રી બ્રાહ્મણો એ મહાયજ્ઞ કર્યો અને પોતાના રક્ષણ અર્થે ભગવાન શંકરને અહીં પધારવા આહવાન આપ્યું. શિવભક્તિપૂર્ણ દાદ સાંભળીને ભગવાન શંકર અહીં પધાર્યાઅને ચંદ્ર અને સૂર્ય જેમનાં બે લોચન છે એવા કૈલાસપતિ શિવજીને રુદ્રસ્વરૂપ ધારણ કરીને પોતાના વિશાળ ભાલ-પ્રદેશમાં છુપાવીને રાખેલ અગ્નિરૂપ ત્રીજું લોચન ખોલ્યું અને તેમાંથી નીકળતા અગ્નિધોધથી દુષણનો સમગ્ર રાક્ષસદળ અને તેની અસુરશક્તિને બાળીને ભસ્મીભૂત કરી નાખી અને મહાકાળ સ્વરૂપ ધારણ કરીને શિવજીએ એ અસુરોની માનવ-ભસ્મ પોતાના આખા શરીરે લગાવી અને એ ભસ્મ પોતાના પ્રસાદ તરીકે બ્રાહ્મણોને આપી.
આવા અસુરોથી રક્ષણ આપવા માટે હંમેશા અહીં વાસ કરવાની આ બ્રાહ્મણોની પ્રાર્થનાથી ભગવાન શંકર અહીં જ્યોતિર્લિંગ રૂપે બિરાજમાન થયા. કાળરૂપ અસુરોના મહાકાળ બનીને તેઓનો સમૂળો સંહાર કરીને બ્રાહ્મણોનું અને શિવભક્તોનું રક્ષણ કરનાર શંકર ભગવાનનુ; આ જ્યોતિર્લિંગ અહીં મહાકાલેશ્વરના નામથી પૂજાય છે.