પગના રક્ષણ માટે શોધાયેલ ‘પગરખા’માં અમધુનિક સમયે જાતજાતની વેરાયટી જોવા મળે છે. તમે સુંદર વસ્ત્રો પહેરો, અવનવી- એસેસરીઝ સાથે તૈયાર થાઓ, ત્યારે ફૂટવેર પણ શ્રેષ્ઠ કક્ષાના જ હોવા જોઈએ ને ! તમારા શૂઝ તમારા સમગ્ર વ્યકિતત્વને અનેરો નિખાર આપે છે.
લગ્નની મોસમમાં તો શૂઝની ખરીદી પૂરબહારમાં ચાલતી હોય છે. સ્ટાઈલીશ એમ્બ્રોઈડરી કરેલા, રંગીન સ્ટોનથી શોભતા જૂતાની પસંદગી આ સમયમાં વધુ જોવા મળે છે,
શૂઝ અનેક સ્ટાઈલમાં ઉપલબ્ધ હોય છે. હાઈહીલ ધરાવતા એમ્બેલીશડ બુટ, શોટ સ્કર્ટ પર વધુ સારા લાગે છે. પીળા, બ્લ્યુ અને પીંક જેવા બ્રાઈડ ફલોરેસન્ટ રંગો સાંજના સમયની પાર્ટીમાં વધુ શોભે છે. સિલ્વર, બ્રોન્ઝ અને ગોલ્ડ કલરના શૂઝ દરેક આઉટ ફીટ સાથે સારા લાગે છે.
એ જરૂરી છે કે વસ્ત્રોને અનુરૂપ શૂઝ સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે પરંતુ ફેશનેબલ દેખાવા માટે ગમે તે પ્રકારના શૂઝ ખરીદતા પહેલાં આટલું ધ્યાન રાખજો.
સેન્ડલની હિલની ઊંચાઈ કેટલી છે તે ધ્યાનમાં લેવાને બદલે તે પહેરતી વખતે તમે સમતુલા જાળવી શકો અને તમારા પગના સ્નાયુઓ પર ઓછામાં ઓછું વજન આવે તે ખૂબ જરૂરી છે.આજકાલ જે ઊંચી એડીના સેન્ડલો આવે છે તે તમારા પગને એકાદ ઈંચ જેટલા સંકોચી નાખતા હોય છે. એક અભ્યાસમાં એવું તારણ મળ્યું છે કે ઊંચુ એડીના શૂઝ પહેરવાથી ગોઠણનો વા થઈ શકે છે.શૂઝની ઊંચી એડીને લીધે શરીરનું સમતુલન ખોરવાય છે કારણ કે પગના આગલા પંજા પર આખા શરીરનું વજન આવી જાય છે. જે ખરેખર આખા પગ પર સમાંતર રહેવું જોઈએ. માટે બને ત્યાં સુધી લાંબો સમય અણિયાળા, ઊંચા શૂઝ પહેરવાનું ટાળવું જોઈએ.
ઘણી વખત ઓછી હાઈટ ધરાવતી બહેનો હંમેશા ઊંચી એડીના શૂઝ પહેરવાનો આગ્રહ રાખતી હોય છે. વારંવાર ઊંચી એડીના શૂઝ પહેરવા માંગતા હોય તેમણે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું.
– સૌ પ્રથમ તમારી એડી જમીન પર મૂકવી એ પછી આગલો ભાગ મૂકી સરળતાથી ચાલવું.
-તમારા પગના આંગળા એકદમ સીધા રહે તેમ ચાલો અથવા બને ત્યાં સુધી રાખીને ચાલવાનો પ્રયત્ન કરો. તમારા પગ સીધા, નજીક અને ટટ્ટાર રાખો.સરળ અને એકસરખાં ડગલાં ભરો. પગલાં થોડાં ટૂંકા રાખો. લાંબા ડગ ન ભરવા.સમતુલા જાળવવા માટે ચાલતી વખતે તમારા હાથ પણ હલાવો.ખરબચડી, કીચડવાળી, પોચી જમીન, ઘાસ કે બરફ ઉપર એડીવાળા શુઝ પહેરીને ચાલશો તો સરકી જવાનો ભય રહે છે. આવા સમયે શૂઝ હાથમાં લઈ લેવા વધુ હિતાવહ છે.
આટલું જાણ્યા પછી તમે પણ કરી લ્યો તમારી સાજ-સજાવટને અનુરૂપ સ્ટાઈલીશ શૂઝની પસંદગી.