ષષ્ઠ અધ્યાય: આત્મસંયમયોગ શ્ર્લોક નં ૪૧ થી ૪૭
પ્રાપ્ય પુણ્યકૃતાં લોકાનુષિત્વા શાશ્વતીઃ સમાઃ।
શુચીનાં શ્રીમતાં ગેહે યોગભ્રષ્ટોભિજાયતે||૪૧||
ગુજરાતી ભાષાંન્તર ઃ અસફળ યોગી પુણ્યાત્મા લોકોના લોકમાં અનેક વર્ષો સુધી સુખ ભોગવ્યા પછી, સદાચારી લોકોના અથવા તો ગર્ભશ્રીમંત લોકોના કુળમાં જન્મ પ્રાપ્ત કરે છે. ||૪૧||
અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતામ્।
એતદ્ધિ દુર્લભતરં લોકે જન્મ યદીદૃશમ્||૪૨||
ગુજરાતી ભાષાંન્તર ઃ અથવા (જો દીર્ઘ યોગાભ્યાસ પછી અસફળ રહે તો) તે એવાં અધ્યાત્મવાદીના કુળમાં જન્મ પામે છે કે, જેઓ અતિશય જ્ઞાનવાન હોય છે. ખરેખર, આ જગતમાં આવો જન્મ પામવો એ અત્યંત દુર્લભ છે. ||૪૨||
તત્ર તં બુદ્ધિસંયોગં લભતે પૌર્વદેહિકમ્।
યતતે ચ તતો ભૂયઃ સંસિદ્ધૌ કુરુનન્દન||૪૩||
ગુજરાતી ભાષાંન્તર ઃ હે કુરુનંદન, આવો જન્મ પામીને તે પોતાના પૂર્વદેહની દૈવી ચેતના પુન:પ્રાપ્ત કરે છે અને પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી તે વધારે ઉન્નતિ પામવાનો પ્રયાસ કરે છે. ||૪૩||
પૂર્વાભ્યાસેન તેનૈવ હ્રિયતે હ્યવશોપિ સઃ।
જિજ્ઞાસુરપિ યોગસ્ય શબ્દબ્રહ્માતિવર્તતે||૪૪||
ગુજરાતી ભાષાંન્તર ઃ પૂર્વજન્મની દૈવી ચેતનાથી તે અનાયાસે આપોઆપ યોગના નિયમો પ્રત્યે આકર્ષિત થાય છે. આવો જિજ્ઞાસુ યોગી, શાસ્ત્રોના કર્મકાંડના સિદ્ધાંતોથી પર હોય છે. ||૪૪||
પ્રયત્નાદ્યતમાનસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ।
અનેકજન્મસંસિદ્ધસ્તતો યાતિ પરાં ગતિમ્ ||૪૫||
ગુજરાતી ભાષાંન્તર ઃ વળી જ્યારે યોગી, સર્વ સંસર્ગદોષથી શુદ્ધ થઈને વધુ પ્રગતિ કરવાનો નીષ્ઠાપુર્વક પ્રયાસ કરે છે, ત્યારે અંતે અનેકાનેક જન્મોની સાધના પછી, સિદ્ધિ પામીને તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. ||૪૫||
તપસ્વિભ્યોધિકો યોગી જ્ઞાનિભ્યોપિ મતોધિકઃ।
કર્મિભ્યશ્ચાધિકો યોગી તસ્માદ્યોગી ભવાર્જુન||૪૬||
ગુજરાતી ભાષાંન્તર ઃ યોગી પુરુષ તપસ્વી, જ્ઞાની તથા કર્મી કરતાં શ્રેષ્ઠ હોય છે. માટે હે અર્જુન, સર્વ પરિસ્થિતિમાં તું યોગી થા. ||૪૬||
યોગિનામપિ સર્વેષાં મદ્ગતેનાન્તરાત્મના।
શ્રદ્ધાવાન્ભજતે યો માં સ મે યુક્તતમો મતઃ||૪૭||
ગુજરાતી ભાષાંન્તર ઃ સર્વ યોગીઓમાંથી જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક મને પરાયણ હોય છે, પોતાનાં અંત:કરણમાં મારું જ ચિંતન કરે છે અને મારી દિવ્ય પ્રેમમય સેવા કરે છે, તે યોગમાં મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલો છે અને તે બધામાં સર્વોચ્ચ છે. આ જ મારો મત છે. ||૪૭||